ડૉક્ટર પેટની સોનોગ્રાફી કરાવવાનું કહે ત્યારે એની શું જરૂર છે એમ ન વિચારતા

30 July, 2024 07:00 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સામાન્ય રીતે સોનોગ્રાફીનું નામ પડતાંની સાથે જ લોકો ગભરાઈ જાય છે અને દલીલ કરવા માંડે છે કે શા માટે સોનોગ્રાફી કરાવવી છે. એની શું જરૂર છે વગેરે.

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

રૂટીન ચેકઅપમાં એક સમય એવો હતો જ્યારે ડૉક્ટર્સ બ્લડ-ટેસ્ટ, યુરિન-ટેસ્ટ જેવી ટેસ્ટ કરાવવાનું કહેતા. આજે પણ ઘણા લોકોને શુગર-ટેસ્ટ કહો કે કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ કહો કે કિડની અને લિવરની બેઝિક ટેસ્ટ કહો તો એ બધી બ્લડ-ટેસ્ટ કરાવવા તૈયાર થઈ જાય છે. કારણ કે તેમને લાગે છે કે બ્લડ-ટેસ્ટ જરૂરી છે, પરંતુ આજકાલ ડૉક્ટર્સ રૂટીન ચેકઅપમાં તેમને જરૂર લાગે ત્યારે સોનોગ્રાફી કરાવવાનું પણ કહેતા હોય છે. પેટ અને પેડુની સોનોગ્રાફી એ એક રૂટીન ટેસ્ટ છે. સામાન્ય રીતે સોનોગ્રાફીનું નામ પડતાંની સાથે જ લોકો ગભરાઈ જાય છે અને દલીલ કરવા માંડે છે કે શા માટે સોનોગ્રાફી કરાવવી છે. એની શું જરૂર છે વગેરે. આજકાલ ઘણા ડાયટિશ્યન સોનોગ્રાફી કરાવવાનું કહે છે, કારણ કે તેમને એ જાણવું હોય છે કે તમને ફૅટી લિવર નામની બીમારી તો નથીને! આજકાલ આ રોગનો વ્યાપ વધ્યો છે. જ્યારે ફૅટ લિવરમાં જમા થાય છે ત્યારે આ રોગની શરૂઆત થાય છે. આ રોગના મુખ્યત્વે બે ભાગ છે. એક આલ્કોહોલ કે દારૂને કારણે થતું ફૅટી લિવર અને બીજો પ્રકાર એના વગર થતું ફૅટી લિવર. આંકડાઓ મુજબ ભારતમાં ૪૦ ટકા જનતાને આ રોગ હોય છે. બેઠાડુ જીવન અને ખોટી લાઇફસ્ટાઇલને કારણે લોકમાં આ રોગ ઘર કરી રહ્યો છે.

ફૅટી લિવર છે કે નહીં એ જાણવા માટે પહેલાં તો ડાયાબિટીઝ ચેક કરવું પડે. એ કરાવવા માટે બ્લડ શુગર, ત્રણ મહિનાની ઍવરેજ શુગર એટલેકે HbA1cનો બ્લડ-રિપોર્ટ, લિપિડ પ્રોફાઇલ અને લિવર ફંક્શન ટેસ્ટ કરાવવી જરૂરી છે. એ પછી ડૉક્ટર્સ દરદીને અલ્ટ્રાસાઉન્ડ કે સોનોગ્રફી કરાવવાનું કહે છે જે ફૅટી લિવર ચેક કરાવવા માટેની જરૂરી ટેસ્ટ છે. લિવરમાં જ્યારે ફૅટ જમા થાય છે ત્યારે સોનોગ્રાફીમાં લિવર એકદમ બ્રાઇટ કે સફેદ દેખાય છે. એ જોઈને ફૅટી લિવર કયા ગ્રેડનું છે એટલે કે કેટલું ગંભીર છે એ જાણી શકાય છે. એ જાણવું એટલે જરૂરી છે કે એ મુજબ ઇલાજમાં આગળ કઈ રીતે વધવું એ સમજાય છે. ફૅટી લિવરને કારણે લિવરમાં ડૅમેજ થયું હોય તો એ પણ સોનોગ્રાફી દ્વારા જાણી શકાય છે. જો વ્યક્તિને ગ્રેડ વન કે ટૂ ફૅટી લિવર હોય તો જીવનશૈલીમાં સુધાર કરીને, વજન ઓછું કરીને ફૅટી લિવર જેવી તકલીફમાંથી મુક્ત થઈ શકાય છે. જો આ રોગનું નિદાન જલદી ન થાય અને લિવર પર ફૅટ જમા થતું રહે તો લિવરની કામગીરી ખોરવાઈ શકે છે. લિવર સિરૉસિસ કે લિવર કૅન્સર જેવા રોગ પણ થઈ શકે છે જે ઘણા ઘાતક હોય છે. માટે હવે જ્યારે તમારા ડૉક્ટર કહે કે સોનોગ્રાફી કરાવવી પડશે ત્યારે ન કરાવવાની ભૂલ ન કરતા.

 

- ડૉ. મોના મહેતા (લેખિકા અનુભવી રેડિયોલૉજિસ્ટ છે. પ્રતિભાવ-માર્ગદર્શન માટે ઈ-મેઈલ કરી શકો છો.)

health tips life and style columnists