01 March, 2024 07:41 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બાળકની તસવીર
મારી કામવાળીના દીકરાને પેટમાં કરમિયા થઈ ગયા છે. તેને તે ડૉક્ટર પાસે લઈ ગઈ તો ડૉક્ટર કહે છે કે કરમિયા આંતરડામાં છે, સર્જરી અનિવાર્ય છે. મારા દીકરાને પણ કરમિયા થાય છે, પણ તેને તો દવા આપો તો ઠીક થઈ જાય છે. મારી કામવાળીએ પણ તેને ઘણી દવા આપી, પરંતુ દવા કામ લાગી નથી. એવું કઈ રીતે શક્ય છે? કરમિયા માટે પણ કોઈ સર્જરી કરાવે કે? દવાથી મટી શકે એવું ન થાય?
કરમિયા સાધારણ તકલીફ છે. બહારનો ખોરાક ખાવાથી આ રોગ થાય છે. એક રાઉન્ડ વર્મ હોય અને એક ટેપ વર્મ હોય. આ કરમિયાની લાઇફ સાઇકલ આપણા શરીરની અંદર તૈયાર થાય એટલે કે એનાં ઈંડાં આપણા શરીરમાં ગયાં હોય અને એ ઈંડાંમાંથી કરમિયા બનવા સુધીની પ્રોસેસ આપણા પેટમાં થતી હોય છે. ખાસ કરીને જે દરદીની ઇમ્યુનિટી ઓછી હોય ત્યારે એનું પ્રમાણ શરીરમાં વધી જાય. આજની તારીખે જ્યારે બહારનું ખાવાનું વધી ગયું છે, ખોરાકમાં સ્વચ્છતાનો અભાવ જોવા મળે છે ત્યારે બાળકોમાં આ તકલીફ વધી છે. એમાં પણ કુપોષિત બાળકમાં આ તકલીફ વધુ પાંગરે છે.
રાઉન્ડ વર્મની સાઇઝ ૧૫-૨૦ સેમી જેટલી હોય છે. એ નાના કે મોટા આંતરડામાં હોય છે. મળમાં એ પસાર થઈને દેખાતા પણ હોય છે. ક્યારેક એવા સંજોગો આવે છે કે રાઉન્ડ વર્મ આખો ગોળો થઈને નાના આંતરડામાં અટકી શકે અને આવા દરદીઓનું ઇમર્જન્સીમાં ઑપરેશન થાય. જો આવું ન કરીએ તો આંતરડું ફાટી જાય અને કરમિયાનું ઝેર આખા શરીરમાં ફેલાઈ જાય. અમે એકવાર દરદીના શરીરમાંથી અડધી બાલટી જેટલા કરમિયા કાઢ્યા હતા. આ કરમિયાને કારણે કમળો પણ થઈ શકે તો એને દૂરબીન મારફતે કાઢવા પડે. ગૉલ-બ્લૅડર કે ફેફસામાં પણ એ જઈ શકે છે. આ રાઉન્ડ વર્મ આંતરડામાં કાણું કરીને બહાર પણ આવી શકે, જે સંજોગોમાં તાત્કાલિક ઑપરેશન કરવું પડે છે. ટેપ વર્મ હોય તો એ અલગ-અલગ રીતે ફોલ્ડ થઈ જાય છે. એ બે ફુટથી લઈને ૧૦ ફુટ સુધીનું લાંબું હોઈ શકે છે. એનાં ઈંડાં લોહી મારફતે મગજ સુધી પણ પહોંચી શકે છે. ઑપરેશન પહેલાં એ ખબર ન પડે કે એ રાઉન્ડ વર્મ છે કે ટેપ વર્મ. સર્જરી વખતે જ એ ખબર પડે. એટલે જ નાનાં બાળકોમાં એ ૧૨-૧૩ વર્ષનાં થાય ત્યાં સુધી દર ૩ મહિને કરમિયા થયા હોય કે નહીં, એની દવા લઈ લેવી.
અહેવાલ : ડૉ. જિજ્ઞેશ ગાંધી