ઊંઘમાં બોલતાં નસકોરાં ઘાતક ક્યારે બને?

21 February, 2022 08:37 PM IST  |  Mumbai | Jigisha Jain

હાલમાં જ સંગીતકાર બપ્પી લાહિરીનું ઑબ્સ્ટ્રક્ટિવ સ્લીપ ઍપ્નિયાને કારણે મૃત્યુ થયું. આ સમસ્યાનું બહુ જ મોટું લક્ષણ છે નસકોરાં. ઊંઘમાં અનુભવાતી આ કન્ડિશન ક્યારે જોખમી બની શકે છે એ જાણી લઈએ

પ્રતીકાત્મક તસવીર

બપ્પી લાહિરીના મૃત્યુ પાછળ તેમની લાંબા ગાળાની સમસ્યા ઑબ્સ્ટ્રક્ટિવ સ્લીપ ઍપ્નિયા જવાબદાર હતી એવા ન્યુઝ આવ્યા એ પછી આ બીમારીને લઈને લોકોમાં ઉત્સુકતા જાગૃત થઈ છે. એ પણ હકીકત છે કે સ્ત્રીઓ કરતાં પુરુષો આ સમસ્યાનો વધુ શિકાર બને છે. નવાઈની વાત એ છે કે આ બીમારી ખૂબ જ કૉમન છે છતાં સમયસર એનું નિદાન થતું નથી, કારણ કે લોકોને એમ લાગે છે કે આ તો જસ્ટ નસકોરાં જ બોલે છેને, હશે. જોકે જ્યારે તકલીફ વધી જાય ત્યારે એ ઘાતક પણ સાબિત થાય છે. ઑબ્સ્ટ્રક્ટિવ સ્લીપ ઍપ્નિયા એ અતિ સામાન્ય ઊંઘ સંબંધિત શ્વાસની તકલીફ છે જેમાં રાત્રે ઊંઘમાં શ્વાસ વારાફરતી ચાલુ-બંધ થયા કરે છે. સ્લીપ ઍપ્નિયાના આમ તો ઘણા પ્રકાર છે; પરંતુ એમાં ઑબ્સ્ટ્રક્ટિવ સ્લીપ ઍપ્નિયા મુખ્ય છે, કારણ કે વધુ લોકોમાં આ બીમારી જોવા મળે છે. આ બીમારીમાં ગળાના સ્નાયુઓ વારાફરતી શ્વાસની નળીઓને બ્લૉક અને રિલૅક્સ કરતા રહે છે. ઊંઘમાં જ્યારે થોડીક ક્ષણો માટે ઓછો શ્વાસ લેવાય છે ત્યારે હાર્ટને લોહીમાં ઑક્સિજન પહોંચાડવા માટે ખૂબ મહેનત કરવી પડે છે અને આમ એ ડૅમેજ થાય છે. વળી આ રોગ બીજી ઘણી બીમારીઓ તાણી લાવે છે એટલે લાંબા ગાળે એ ઘાતક બની જતો હોય છે. મીરા રોડની વૉકહાર્ટ હૉસ્પિટલના કન્સલ્ટન્ટ ચેસ્ટ ફિઝિશ્યન ડૉ. સંગીતા ચેકર પાસેથી જાણીએ આ રોગ વિશે વિસ્તારથી. 
ઓબેસિટી |  સ્લીપ ઍપ્નિયાનો ઇલાજ અત્યંત જરૂરી છે. નહીંતર શરીરનાં બીજાં અંગો અને બીજા રોગો પર પણ એની અસર થાય છે. ઑબ્સ્ટ્રક્ટિવ સ્લીપ ઍપ્નિયા મોટા ભાગે ઓબેસિટીને લીધે આવતી તકલીફ છે અને બીજી તરફ સ્લીપ ઍપ્નિયાને લીધે ઊંઘમાં ખલેલ પહોંચવાને લીધે મેટાબોલિઝમમાં ગરબડ થાય છે અને વ્યક્તિમાં ઓબેસિટીનું પ્રમાણ વધે છે. આમ ઓબેસિટીને લીધે સ્લીપ ઍપ્નિયા થાય અને સ્લીપ ઍપ્નિયાને કારણે વ્યક્તિ ઓબીસ પણ બને અને ઓબેસિટી વધે એમ સ્લીપ ઍપ્નિયાની તકલીફ પણ વધે. સ્લીપ ઍપ્નિયાનું કારણ મોટા ભાગે સેન્ટ્રલ ઓબેસિટી અને ગળાની આસપાસ જામેલા ચરબીના થર પણ હોય છે. 
રોગો | જે લોકોને સ્લિપ ઍપ્નિયાની તકલીફ હોય તેમની હાર્ટ-હેલ્થ ખરાબ હોવાની શક્યતા વધુ રહે છે. વળી સ્લીપ ઍપ્નિયા હાઈ બ્લડપ્રેશરને આમંત્રણ આપે છે જે રોગ હાર્ટ-ડિસીઝ માટે મુખ્ય બની જાય છે. આમ એ ઘાતક બની જાય છે. ઑબ્સ્ટ્રક્ટિવ સ્લીપ ઍપ્નિયા અને ડાયાબિટીઝ વચ્ચે સીધો સંબંધ ઘણા જુદા-જુદા રિસર્ચમાં સિદ્ધ થયેલો છે. આ દરદીઓને ડાયાબિટીઝનું જોખમ રહે છે. જો વ્યક્તિને સ્લીપ ઍપ્નિયા છે અને તે ઇલાજ ન કરાવે તો તેને હાર્ટ-અટૅક આવવાની કે સ્ટ્રોક આવવાની શક્યતા વધી જાય છે. જે વ્યક્તિને સ્લીપ ઍપ્નિયા છે તેણે રાત્રે ઊંઘમાં શ્વાસ લેવામાં તકલીફ થતી હોય છે જેને કારણે મગજને મળતા ઑક્સિજનનું પ્રમાણ ઘટે છે. એ હૃદયનું અને મગજનું સ્ટ્રેસ વધારે છે જેને કારણે લોહીની નળીઓ સાંકળી બને છે, ધબકારાનું પ્રમાણ વધે છે અને લોહીનું દબાણ વધતાં વ્યક્તિને હાર્ટ-અટૅક કે બ્રેઇન-સ્ટ્રોક આવે છે.
ઇલાજ કઈ રીતે થાય? | એક વાર સ્લીપ-ટેસ્ટ થઈ જાય પછી ડૉક્ટર એના પરિણામની ચર્ચા કરીને ઇલાજ માટેનો પ્લાન બનાવે છે. ઊંઘની તકલીફોનો ઇલાજ શક્ય છે અને એને અંકુશમાં લાવી શકાય છે. આ માટે ઊંઘની સારી આદતો અથવા તો કહીએ કે જીવનશૈલીમાં જરૂરી બદલાવ લાવવામાં આવે છે. અમુક દવાઓ દ્વારા પણ મદદ મળતી જોવા મળે છે. આ ઉપરાંત આ રોગનું મુખ્ય કારણ ઓબેસિટી હોવાને લીધે ડૉક્ટર વેઇટ લૉસ કરવાની સલાહ આપે છે. વેઇટ લૉસ થતાં જ સારાં પરિણામો જોવા મળે છે. આ ઉપરાંત ઘણા કેસમાં કૉગ્નિટિવ બિહેવિયરલ થેરપી પણ ઉપયોગી છે. જે ઇલાજનો બહોળો પ્રયોગ કરવામાં આવે છે એ છે શ્વાસ માર્ગોને બંધ થતા રોકવા માટે રાત્રે સૂતી વખતે મશીનનો ઉપયોગ. ડૉક્ટરની દેખરેખ હેઠળ એનો ઉપયોગ પણ ઘણાં સારાં પરિણામો આપે છે. આ સિવાય સર્જિકલ ટ્રીટમેન્ટ પણ એનો એક છેલ્લો ઉપાય છે. 

life and style health tips