ઘૂંટીની ઇન્જરી થાય ત્યારે એને પૂરતો આરામ આપવો જરૂરી છે

09 January, 2025 08:05 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જો તમને ઘૂંટણની તકલીફ આવી તો એને જરાય અવગણતા નહીં. તમારા ફિઝિયોથેરપીસ્ટ કહે એટલો આરામ અને એ મુજ્બની ટ્રીટમેન્ટ ચોક્કસ લેજો

પ્રતીકાત્મક તસવીર

હમણાં મારી પાસે ૩૭ વર્ષની એક સ્ત્રી આવી જેને ત્રણ વર્ષ પહેલાં પગ મચકોડાઈ ગયો હતો. ઘૂંટી પર સોજો આવી ગયેલો. ફ્રૅક્ચર જેવું કશું નહોતું. છતાં તકલીફ વધુ હતી એટલે આરામ કરવાનું અને એના પર ભાર નહીં આપવાનું સૂચન કર્યું હતું. તેને થોડું સારું લાગ્યું એટલે તેણે ચાલવાનું શરૂ કરી દીધું. ફિઝિયો માટે ૧૫ દિવસ જવાનું હતું જેમાં ૧૦ દિવસ ગઈ અને પછી ઘરે એક્સરસાઇઝ કરી લીધી છે અને હવે દુખતું નથી એટલે તેણે ફિઝિયોનો આખો કોર્સ પૂરો કર્યો નહીં. કોઈ પણ જગ્યાએ દુખતું હોય એ મટી જાય એટલે લોકો ઓવર-કૉન્ફિડન્ટ બનીને ઇન્જરીને અવગણે છે. એમાં પણ ઘૂંટીની ઇન્જરી હોય ત્યારે બેસી રહેવું પડે, હરી-ફરી ન શકાય જેને કારણે બંધન લાગે. થોડું સારું થાય એટલે લોકો ચાલવા લાગે. ઘરે દરરોજ જે એક્સરસાઇઝ કહી હોય એ ન કરે કારણ કે હવે તો સારું છેને! પણ એ જ ભૂલ આ બહેને કરેલી.

ત્રણ વર્ષથી જુદા-જુદા સમયે તેમની ઘૂંટીનું પેઇન વધી જાય છે. હવે તે હીલ્સ પહેરી નથી શકતાં. દોડવાનું તો છોડો પણ વધુ ચાલી પણ નથી શકતાં. વજન ઉપાડે તો પણ પ્રૉબ્લેમ થાય છે. હકીકતે જો તમે ફિઝિયોથેરપી બરાબર ન લીધી, લાપરવાહ બની ગયા, એક્સરસાઇઝ ઘરે કરી નહીં, તમને લાગ્યું કે અત્યારે પેઇન નથી થતું એટલે બધું ઠીક થઈ ગયું છે. એમાં આ તકલીફ જીવનભરની બની ગઈ છે. ઘૂંટી અત્યંત સંવેદનશીલ જગ્યા છે અને જો એ ડૅમેજ થાય તો એનું હીલ થવું બહુ જરૂરી છે. ફક્ત સ્નાયુ ખેંચાઈ જાય, પગ મચકોડાઈ જાય, ત્યાંનો લિગામેન્ટ ફાટી જાય, આ બધી જ બાબતો બીજે ક્યાંય થાય તો સરળતાથી હીલ થઈ શકે પણ ઘૂંટીમાં એને તમારે રેસ્ટ આપવો જ પડે. જે પ્રકારની ઇન્જરી હોય એ મુજબ ૭ દિવસથી લઈને ઘણી વાર બે-ત્રણ મહિનાનો રેસ્ટ કરવો જરૂરી છે. ઘૂંટીની ઇન્જરી એક એવી ઇન્જરી છે જેમાં ફ્રૅક્ચર આવે કે સર્જરી આવે તો જલદી અને કાયમી રીતે ઠીક થઈ શકાય છે. એમાં રિકવરી મળી જાય છે પરંતુ નાની ઇન્જરી જેમાં આરામ કરવાથી, ફિઝિયો ટ્રીટમેન્ટ લેવાથી અને એક્સરસાઇઝ કરવાથી જ ઠીક થાય છે એની રિકવરીમાં થોડી પણ ગફલત થઈ તો તકલીફ વર્ષો સુધી ચાલે છે. એટલે જો તમને ઘૂંટણની તકલીફ આવી તો એને જરાય અવગણતા નહીં. તમારા ફિઝિયોથેરપીસ્ટ કહે એટલો આરામ અને એ મુજ્બની ટ્રીટમેન્ટ ચોક્કસ લેજો, કારણ કે રિકવરી મુશ્કેલ છે.

- ડૉ. વિભૂતિ કાણકિયા

health tips columnists gujarati mid-day