22 May, 2023 04:20 PM IST | Mumbai | Dr. Sushil Shah
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
હું ૫૫ વર્ષનો છું. મને છેલ્લાં ૧૦ વર્ષથી હાયપરટેન્શન છે. હું આ હાયપરટેન્શનની ત્રણ દવા લઉં છું, જેનાં નામ અને પ્રિસ્ક્રિપ્શન તમને મોકલાવું છું. છેલ્લા એક મહિનાથી મારી તબિયત લથડી છે. મારી બધી ટેસ્ટ નૉર્મલ હતી, છતાં મને ખૂબ જ થાક લાગતો હતો. ડૉક્ટરની સલાહ મુજબ મેં મારું સોડિયમ ચેક કરાવ્યું અને એ શરીરમાં ઓછું થઈ ગયું હતું. રિપોર્ટ મુજબ ૧૨૫ જેવું થઈ ગયું હતું જે આદર્શ રીતે ૧૩૫થી ૧૪૮ની રેન્જમાં હોવું જોઈતું હતું. સોડિયમને કારણે હમણાં બ્લડ પ્રેશર પણ ૧૦૦/૬૦ની આસપાસ જ રહે છે. આ પરિસ્થિતિ મુજબ મારે શું કરવું જેનાથી મારું સોડિયમ વધે. મેં એવું સાંભળ્યું છે કે સોડિયમ વધારવા માટે જે દવા ખાવામાં આવે એના સાઇડ-ઇફેક્ટ ઘણા હોય છે.
આ પણ વાંચો : આયર્નની દવા ખાવા છતાં એ વધતું નથી
સારું છે કે તમારું નિદાન વ્યવસ્થિત થઈ ગયું કે તમારું સોડિયમ ઘટી રહ્યું છે. આ સામાન્ય તકલીફ છે, પરંતુ એને ગંભીરતાથી લેવી જરૂરી છે. નહીંતર વ્યક્તિ કોમામાં જઈ શકે છે કે ધ્યાન ન રાખીએ તો એ ઘાતક પુરવાર થઈ શકે છે, માટે સોડિયમ લેવલ ઠીક કરવું જરૂરી છે. સૌથી પહેલાં તો તમારી બધી જ બ્લડ પ્રેશરની દવાઓ થોડા સમય માટે બંધ કરવી જરૂરી છે. એ દવાઓ ચાલુ રહેશે તો તમારું બ્લડ પ્રેશર ઘટતું જ જશે. થોડા સમય બ્લડ પ્રેશરની એક પણ દવા ન લો. બીજું જો સોડિયમ શરીરમાં વધારવું હોય તો સરળ ઉપાય છે સોડિયમ ક્લોરાઇડ લેવું એટલે કે મીઠું ખાવું, સ્વાદ કરતાં વધુ મીઠું ફાંકી શકાતું નથી. એ માટે એનો સરળ ઉપાય એ છે કે કેમિસ્ટ પાસે ખાલી કૅપ્સ્યુલ મળતી હોય છે. જો એ ન મળે તો વિટામિન Bની કૅપ્સ્યુલ ખાલી કરવી અને એમાં મીઠું ભરી લેવું અને સવાર-સાંજ એક-એક કે જરૂરત લાગે ત્યારે એ કૅપ્સ્યુલ લઈ લેવી. એની સાથે-સાથે સોડિયમનું મૉનિટરિંગ કરતા રહેવું જરૂરી છે. એટલે કે હાલમાં તમારું સોડિયમ ૧૨૫ છે. ૪ દિવસ મીઠાની કૅપ્સ્યુલ લીધાં પછી સોડિયમ વધ્યું કે નહીં એ સતત ચેક કરવું જરૂરી છે. આ એક એવી સમસ્યા છે જેમાં ક્લોઝ ફૉલોઅપ જરૂરી છે. દર ૩-૪ દિવસે સોડિયમ સીરમની ટેસ્ટ કરાવતા રહો અને જ્યાં સુધી સોડિયમનું લેવલ વધે નહીં ત્યાં સુધી મીઠાની કૅપ્સ્યુલ લો. એક વખત સોડિયમ વધશે તો આપોઆપ બ્લડ પ્રેશર પણ વધશે. એ પછી ડૉક્ટરની સલાહ મુજબ જ દવાઓ ચાલુ કરશો. બીજું મહત્ત્વનું છે કે સોડિયમ કેમ અચાનક ઘટી રહ્યું છે એની તપાસ પણ કરવી પડશે, પરંતુ હાલમાં તો તમે એ લેવલ વધારવા પર ધ્યાન આપો.