કમળાથી અશક્તિ આવી ગઈ છે, રિકવરી માટે શું કરવું?

14 March, 2023 05:35 PM IST  |  Mumbai | Dr. Ravi Kothari

તીખું, તળેલું, મેંદાવાળું અને પચવામાં ભારે એવી તમામ ચીજો સદંતર બંધ કરી દેવી

પ્રતિકાત્મક ફાઇલ તસવીર

મારાં માસીની ઉંમર ૪૫ વર્ષ છે. પંદર દિવસ પહેલાં તેમને તાવ આવી રહ્યો હતો, અશક્તિ લાગતી હતી ને ક્યારેક પેટમાં દુખતું પણ હતું. ડૉક્ટરે કેટલીક લોહીની તપાસ કરાવીને નિદાન કર્યું હતું કે કમળો છે. લિવરની ટેસ્ટમાં એસજીપીટી અને એસજીઓટી હાઈ આવ્યાં છે. ડૉક્ટરે તેમને કમળો હોવાનું નિદાન કરીને તેને કમ્પ્લીટ રેસ્ટ કરવાનું સૂચવ્યું છે. હવે બીજી દવાઓ બંધ થઈ ગઈ છે, પણ લિવરની રિકવરી માટે Liv-52 આપી છે. ઘણા વખતથી તે આ દવા  લે છે પણ ભૂખ હજીયે નથી લાગતી.  ત્વચા પીળી લાગે છે અને હજીયે ડૉક્ટર આરામ કરવાનું જ કહે છે અને ખાવામાં સત્તર પ્રકારની પરેજી પાળવાની કહી છે. શું આયુર્વેદમાં કોઈ દવા છે જેનાથી ઝડપથી અસર થાય? 
 
ફૅટનું વિભાજન કરવામાં ‌લિવરનો બહુ મહત્ત્વનો ફાળો હોય છે. આ જ કારણોસર કમળાની બીમારીમાં પરેજી બહુ જ મહત્ત્વની છે. સાથે જ શારીરિક પ્રવૃત્તિઓ કરવાની ટાળવાથી રિકવરી ઝડપી બને છે. ઍનર્જી માટે ગ્લુકોઝનું પાણી કે તાજા શેરડીનો રસ પી શકાય. બાકી તીખું, તળેલું, મેંદાવાળું અને પચવામાં ભારે એવી તમામ ચીજો સદંતર બંધ કરી દેવી. ઘી-તેલ ન લેવાં. ડૉક્ટરે જે પરેજી આપી છે એમાં જરાય બાંધછોડ કરશો નહીં. સાથે જ બિલિરુબિન કાબૂમાં ન આવ્યું હોય તો આ પ્રયોગ કરી શકો.

તાજી ભોંયઆમલીનાં પાન છૂંદી લેવાં. સાંજના સમયે તાજું લીલું નાળિયેર ઉપરથી ફોડી એના પાણીમાં આ છૂંદો નાખીને નાળિયેરનું મોં ફરી બંધ કરી દેવું ને કપડામાં વીંટાળી દેવું. સૂર્યપ્રકાશ એના પર ન પડે એનું ખાસ ધ્યાન રાખવું. આ નાળિયેર બીજા દિવસે સવારે સૂર્યાદય પહેલાં જ ગાળીને પી જવું. એકાદ અઠવાડિયું આ પ્રયોગ કરવો. 

ભાંગરો, ભોંયઆમલી, પિત્તપાપડો, શરપંખાનું સમભાગે ચૂર્ણ મિક્સ કરવું. સવારે અને સાંજે એક-એક ચમચી આ ચૂર્ણ લેવું. લોહીમાં એસજીઓટી અને એસજીપીટીનું લેવલ નૉર્મલ થઈ જાય એ પછી પણ અઠવાડિયું-દસ દિવસ આ ચૂર્ણ લેવાનું ચાલુ રાખવું. 

લિવરને ઝડપથી રિકવર કરવા માટે આયુર્વેદમાં અનેક ઉપાયો છે. જોકે એ માટે દરદીની સ્થિતિ અને નાડીપરીક્ષણ કરવું જરૂરી બને છે. ભલે તમે આયુર્વેદિક પદ્ધતિથી સારવાર કરાવતા હો, બ્લડ-ટેસ્ટ કરાવતાં રહેવું જરૂરી છે.dr

columnists health tips life and style dr ravi kothari