હાઇપોથાઇરૉઇડમાં ડાયટમાં શું કરવું?

04 April, 2023 05:19 PM IST  |  Mumbai | Yogita Goradia

શુગર અને સોલ્ટ બન્નેનું પ્રમાણ ખૂબ જ સંભાળીને લો.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

હું ૩૭ વર્ષની છું અને છેલ્લા બે મહિનાથી હાઇપોથાઇરૉઇડ આવ્યું છે. મેં ઇલાજ તો ચાલુ કર્યો જ છે, પરંતુ ડૉક્ટર કહે છે ડાયટનું ખાસ ધ્યાન રાખવું. અમે વર્ષોથી સિંધવ મીઠું જ ઘરમાં વાપરીએ છીએ. એ હેલ્થ માટે બેસ્ટ છે, પણ હવે ડૉક્ટર કહે છે કે તમે આયોડીન મીઠું જ ખાઓ. સાચું કહું તો મેં એ ખાઈ જોયું, પરંતુ એ મને વધુ ખારું લાગે છે. મીઠા સિવાય મારે ખાવાપીવામાં બીજું કોઈ ધ્યાન રાખવું જરૂરી છે ખરું? 
 
 થાઇરૉઇડ પ્રૉબ્લેમ એક હૉર્મોનલ પ્રૉબ્લેમ છે. સિંધવ મીઠામાં આયોડીન નથી હોતું, જે યોગ્ય નથી. એની કમીને કારણે તમારો થાઇરૉઇડ પ્રૉબ્લેમ વધશે. થાઇરૉઇડ હૉર્મોનના ગ્રોથ માટે આયોડીનની માત્રા જરૂરી છે માટે તમે સિંધવ છોડીને આયોડીનયુક્ત મીઠું જ ખાઓ. બીજું એ કે સિંધવ મીઠું સ્વાદમાં ઓછું ખારું હોય છે એટલે એને વધુ નાખવાની જરૂર પડે છે. જે લોકો સિંધવ મીઠું ખાતા હોય તે લોકો આયોડીનયુક્ત મીઠું વાપરે ત્યારે રસોઈ બનાવવામાં એટલી જ માત્રામાં મીઠું નાખવાની આદતને કારણે તેમને આયોડીનયુક્ત મીઠું વધુ માત્રામાં પડે છે અને એટલે ખારું લાગતું હોય છે. આયોડીનયુક્ત મીઠાનું પ્રમાણ ઓછું નાખવું એટલે વ્યવસ્થિત લાગે.

બાકી રહી બીજા ડાયટની વાત તો થાઇરૉઇડ પ્રૉબ્લેમને કારણે તમને આળસ આવે. પડ્યું રહેવાનું મન થાય. વજન ખૂબ વધી જાય જેવી સમસ્યા સામે આવશે. એનાથી બચવા દવાઓ જરૂરી છે, પરંતુ એ પણ ધીમે-ધીમે કામ કરશે. લગભગ ૬-૮ અઠવાડિયાં પછી વધુ બૅલૅન્સ થાય છે, ત્યાં સુધી થોડી ધીરજ રાખવી. ખાવામાં તમારે ખૂબ જ ધ્યાન રાખવું પડશે. થોડું પણ જંક ફૂડ કે વધુ પડતા ફેટ્સથી તમે વધુ જાડા થઈ જશો. શુગર અને સોલ્ટ બન્નેનું પ્રમાણ ખૂબ જ સંભાળીને લો. જેટલું ઓછું ખાશો એટલું વધુ સારું છે. આયોડીનયુક્ત મીઠું જ ખાવાનું છે, પરંતુ વધુ પડતું મીઠું પણ શરીર માટે યોગ્ય નથી. આમ, બૅલૅન્સ કરો, માટે હેલ્ધી ખાવું જરૂરી છે. આ સિવાય ખોરાકમાં  બ્રૉકલી, સોયાબીન, પાલક અને બદામની માત્રા ખૂબ ઓછી કરવી, કારણ કે આ શાકમાં યુરિક ઍસિડ વધુ હોય છે જે થાઇરૉઇડની દવાઓને વ્યવસ્થિત કામ કરવા દેતું નથી. માટે જરૂરી છે કે આ શાકભાજી ખાવાનું ટાળો અથવા તો ઓછા જ ખાવ. ખોરાક ઉપરાંત એક્સરસાઇઝ પર ખાસ ધ્યાન આપો, કારણ કે એનાથી પણ થાઇરૉઇડમાં ઘણી રાહત રહેશે.

columnists health tips life and style