07 July, 2021 04:07 PM IST | Mumbai | Dr. Shirish Hastak
પ્રતીકાત્મક તસવીર
હું ૬૨ વર્ષનો સિનિયર સિટિઝન છું. હું એક બિઝનેસમૅન છું પરંતુ હવે મને એવો અહેસાસ થાય છે કે મારાથી હવે પહેલાં જેટલું કામ નથી થતું, થાક લાગે છે, શરીર પહેલાં જેવું નથી ચાલતું. ખાસ કરીને હું નામ ભૂલી રહ્યો છું. મારો મોટો સ્ટોર છે. જેમાં એકસાથે ૧૦,૦૦૦થી વધુ વસ્તુઓ અમે રાખીએ છીએ. દરેકના નામ અને સ્પેશ્યલિટી મને વર્ષોથી ખબર જ છે. મને મોઢે છે, પરંતુ આજકાલ બોલવા જાવ તો નામ યાદ આવતાં નથી. હિસાબ જે પહેલાં કડકડાટ મોઢે રહેતો હતો એ હવે લખીને યાદ રાખવો પડે છે. મારું મગજ નબળું પડે એ મારાથી સહ્ય બાબત નથી. શું હું એ માટે કંઈ કરી શકું?
એ વાત ૧૦૦ ટકા સાચી કે ઉંમર સાથે માણસનું શરીર અને મગજ બન્ને થોડું-થોડું નબળું પડતું જાય છે જેને આપણે પાછું ઠેલી શકીએ તેમ નથી, માટે એનો સ્વીકાર અનિવાર્ય છે. ખાસ કરીને બધી વસ્તુઓ યાદ ન રહેવી, ખાસ કરીને નામ ભૂલી જવાં, અમુક જરૂરી વિગતો યાદ ન આવવી, ચાલવામાં બેલેન્સ જતું રહે, કૉન્સસ્ટ્રેશન ઘટી જાય, અટેન્શન પ્રૉબ્લેમ એટલે કે કોઈ વસ્તુમાં ધ્યાન ન રાખી શકાય, પહેલાં જેવું કામમાં પરફેક્શન ન રહે, નાની-નાની ભૂલો વધી જાય, નિર્ણય ન લઈ શકો, આત્મવિશ્વાસ ઘટી જાય, વગેરે પ્રૉબ્લેમ્સને મિનિમલ કૉગ્નિટિવ ઇમ્પેરમેન્ટ કહે છે, જે મોટા ભાગે ઉંમરને કારણે થાય છે. અહીં એક વસ્તુ સમજવી જરૂરી છે કે જે પ્રૉબ્લેમ્સ ઉંમરને કારણે છે, તેનો કોઈ ખાસ ઇલાજ શક્ય નથી, પરંતુ થોડી કૅર કરવામાં આવે તો આ પ્રૉબ્લેમ્સ સાથે એક વ્યવસ્થિત જીવન જીવી શકાય છે.
મોટી ઉંમરે જ્યારે વારંવાર વસ્તુ ભુલાઈ જતી હોય ત્યારે થોડી મૅમરી પ્રેક્ટિસ કરવી જોઈએ. એટલે કે જ્યારે ફ્રી હોવ ત્યારે રોજ-બરોજની ચીજો, જાણીતાં નામ કે ફોન નંબર વગેરે યાદ કરવાં જોઈએ. સતત મગજ પાસેથી કામ લેવું જરૂરી છે, ખાસ કરીને ત્યારે જ્યારે મગજ થોડું ધીમું થઈ ગયું હોય. જેટલું તેની પાસેથી કામ લેશો તેટલું તે વધુ કામ કરશે. ચેસ રમો, પત્તા રમો કે પઝલ સૉલ્વ કરો અથવા આડી-ઊભી ચાવી ભરવા જેવી તમને ગમતી માઇન્ડ એક્સરસાઇઝ ખૂબ જરૂરી છે. ખોરાકમાં ફળ અને શાકભાજીનું પ્રમાણ વધારો. ખાસ કરીને બી-૧૨ના સપ્લિમેન્ટ લેવાથી થોડો ફાયદો થશે.