વરસાદમાં આંખોમાં ઇન્ફેક્શન વધે છે ત્યારે આંખની દેખભાળ માટે શું કરશો?

12 July, 2024 08:34 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મૉન્સૂનમાં આઇ ડૅન્ડ્રફ જેને મેડિકલ ભાષામાં ‘બ્લેફરાઇટિસ’ કહેવાય એના કેસ પણ વધી જતા હોય છે.

પ્રતીકાત્મક તસવીર

ચોમાસું એ આંખોને ટાઢક પહોંચાડનારી ઋતુ છે, પરંતુ એ ટાઢક આંખની બળતરામાં ન પરિણમે એ પણ એટલું જ જરૂરી છે. ચોમાસામાં આંખોની વિશેષ સંભાળ રાખવી અનિવાર્ય છે. અમારી પાસે આ ઋતુમાં વાઇરલ કન્જંક્ટિવાઇટિસના દરદીઓની સંખ્યામાં લગભગ બેથી ત્રણ ગણો વધારો થઈ જતો હોય છે. એ સિવાય મૉન્સૂનમાં આઇ ડૅન્ડ્રફ જેને મેડિકલ ભાષામાં ‘બ્લેફરાઇટિસ’ કહેવાય એના કેસ પણ વધી જતા હોય છે.

ચોમાસામાં ભેજવાળું વાતાવરણ હોવાને લીધે ઘણા લોકોને માથામાં ખોડો થતો હોય છે. એ જ ખોડો જો આંખોની પાંપણોમાં પણ થાય તો ઍલર્જી, આંખોમાં બળતરા, આંખોમાંથી પાણી આવવું જેવી સમસ્યાઓ થઈ શકે. ઘણા કેસમાં તો આંખોની પાંપણ સંપૂર્ણ ખરી પડતી હોય જે પાછી ત્રણેક મહિનામાં ઊગી પણ જતી હોય છે. જોકે આવું ન થાય એ માટેની સાવધાનીના રસ્તા છે. 
સામાન્ય રીતે ચોમાસામાં આંખની સમસ્યાની શરૂઆત ઈચિંગથી એટલે કે આંખોમાં ખંજવાળથી થતી હોય છે. એ પછી આંખોમાં લાલાશ પડે કે બળતરા થાય. અહીં હું બહુ જ સ્પષ્ટતાપૂર્વક કહીશ કે આંખોમાં ગમે એવી ખંજવાળ આવે તો પણ આંખોને ચોળવી નહીં. આંખો ચોળવાથી આંખોમાં કન્જંક્ટિવાઇટિસનો ભય તો રહે જ છે, પણ સાથે એક્સ્ટ્રીમ કેસમાં આંખના કુદરતી લેન્સ ડૅમેજ થવાના કેસ પણ અમે જોયા છે જેમાં તાત્કાલિક સર્જરીનો રસ્તો લેવો પડ્યો હોય. 

ઘણી વાર સાયનસને કારણે કે અન્ય વાઇરલ ઇન્ફેક્શનની અસરને કારણે પણ આંખોમાં ખંજવાળ આવી શકે એટલે અત્યારે આ ઋતુમાં નિયમિત પ્લેન ગરમ પાણીની બાફ લેવી એ શ્રેષ્ઠ ઉપાય છે જે કોઈ પણ પ્રકારના વાઇરસને તમારા રેસ્પિરેટરી ટ્રૅક્ટ કે આંખોમાં ટકવા નહીં દે. સૅનિટાઇઝરનો ઉપયોગ આ ઋતુમાં ખાસ કરશો તો એનાથી ફાયદો થશે. આંખોને લગતા સામાન્ય હાઇજીનને પણ જો તમે ફૉલો કરતા શીખી જાઓ તો એ આંખોને લગતી આવનારી ઘણી સમસ્યાઓને આવતા પહેલાં જ સારી રીતે અટકાવી શકે છે. જેમ કે આંખોમાં ખંજવાળ આવે તો સાફ ટિશ્યુઝથી આંખોને હળવેથી સ્પન્જ કરી શકાય. આ ઋતુમાં આંખમાં પાણીની છાલક પણ મારવી નહીં. ડાયરેક્ટ પંખા કે એસી સામે બેસવું નહીં. ગરમ ભોજન લેવું. હાથ ચોખ્ખા રાખવા અને બને એટલું હાઇજીનનું પાલન કરવું. આંખો પર સ્ટ્રેસ ઓછામાં ઓછું આવે એની ચોકસાઈ રાખવી અને અંધારામાં કે ઓછી લાઇટમાં વાંચવું નહીં. 

monsoon news health tips columnists