17 January, 2023 06:09 PM IST | Mumbai | Dr. Suruchi Desai
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
મારી ઉંમર ૩૦ વર્ષ છે. અમે હજી પ્લાનિંગનું વિચારતાં હતાં ત્યાં જ મારા પિરિયડ્સ ડીલે થઈ ગયા અને ઘરની પ્રેગ્નન્સી ટેસ્ટ પૉઝિટિવ આવી એટલે અમે ડૉક્ટર પાસે ગયાં. ડૉક્ટરે ચેક કરીને કહ્યું કે પ્રેગ્નન્સી ટકશે નહીં, ૨-૪ દિવસમાં પિરિયડ્સ આવી જશે. મારું મિસકૅરેજ થઈ ગયું. એ કેમ થયું એ ખાસ સમજાયું નહીં, પરંતુ હૉર્મોન્સ રિપોર્ટ કહે છે કે મારામાં ટેસ્ટોસ્ટેરોન વધુ હતું. ડૉક્ટર કહે છે કે ચિંતા કરવા જેવું નથી, પરંતુ મને ખૂબ દુઃખ થયું અને હવે મને લાગે છે કે આગળ શું? અમે ક્યારે પ્લાનિંગ કરી શકીએ અને એની શું શક્યતા કે મને ફરી મિસકૅરેજ નહીં થાય.
પ્લાનિંગની શરૂઆતમાં જ આ પ્રકારનો બનાવ ગભરાવી દે એ સહજ છે. ૨૦ અઠવાડિયાંની પહેલાં એની મેળે ગર્ભ નષ્ટ થાય તો એને મિસકૅરેજ કહે છે. તમને જે પ્રકારનું મિસકૅરેજ થયું છે એ ઘણી સ્ત્રીઓને થાય છે. ઘણાને તો ખબર પણ નથી પડતી કે તેમને મિસકૅરેજ થઈ ગયું છે, કારણ કે ફ્લીતાંડ પૂરી રીતે બન્યું જ નથી હોતું અને મિસકૅરેજ થઈ જાય છે. આવી પરિસ્થિતિમાં પિરિયડ્સ મહિનાથી થોડા વધુ દિવસ પાછળ જાય છે એટલે નૉર્મલ લાગતું હોય છે. તમે ટેસ્ટ કરી એટલે તમને ખબર પડી. ગભરાવ નહીં, લગભગ ૮-૨૦ ટકા પ્રેગ્નન્સીમાં મિસકૅરેજ થઈ જતું હોય છે, જેના માટે હૉર્મોનલ ઇમ્બૅલૅન્સ, ડાયાબિટીઝ, ઑટો-ઇમ્યુન ડિસઑર્ડર્સ, ઇન્ફેક્શન્સ, થાઇરૉઇડ, કુપોષણ અને ગર્ભાશયમાં નાનો પડદો છે જેને લીધે પ્રેગ્નન્સી હોલ્ડ થતી નથી એ બધાં જુદાં-જુદાં કારણો જવાબદાર હોઈ શકે છે. એક કરતાં વધુ કારણો કે પછી જાણીતાં કારણો સિવાયનાં અજ્ઞાત કારણો પણ જવાબદાર બની શકે.
આ પણ વાંચો : એપિલેપ્સીમાં ડાયટનું ધ્યાન રાખવું જરૂરી છે?
મેડિકલ સાયન્સ માને છે કે એક વાર મિસકૅરેજ થયું એ પછી ૩ મહિનાની રાહ તો જોવી જ રહી. ત્રણ મહિના પછી જ બીજી પ્રેગ્નન્સી પ્લાન કરાય. એ ત્રણ મહિનાની અંદર તમારું મિસકૅરેજ કેમ થયું હતું એ જાણી લેવું ખૂબ જરૂરી છે. એ માટેનો ઇલાજ પણ કરવો જરૂરી છે. બીજું એ કે એક મિસકૅરેજ થયા પછી સ્ત્રી શારીરિક અને માનસિક રીતે થોડી તૂટી જતી હોય છે. ફરીથી તેણે માનસિક રીતે અને શારીરિક રીતે સજ્જ થવું જરૂરી છે. મનમાંથી ભય દૂર કરો. ફરીથી સજ્જતા કેળવો. એક વખત આવું થયું પછી ફરીથી આવું જ થશે એમ માનીને બેસી ન રહો. મેડિકલ સાયન્સ ઘણું ઍડ્વાન્સ બન્યું છે એ તમારી પૂરી મદદ કરી શકે છે.