23 January, 2025 07:35 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઓરી, ગાલપચોળિયાં, બૅક્ટેરિયલ મેનિન્જાઇટિસ, વાઇરલ ઇન્ફેક્શન જેવાં ઇન્ફેક્શન્સ, કેટલીક દવાઓ, ઉંમર, વંશાનુગત, ટ્રૉમા કે ઍક્સિડન્ટ, ઘોંઘાટ, વૅસ્ક્યુલર પ્રૉબ્લેમ્સ જેવાં કારણોસર વ્યક્તિ બહેરાશનો ભોગ બનતી હોય છે. પરંતુ અમુક સામાન્ય કાળજી વ્યક્તિને આ પ્રૉબ્લેમથી બચાવી શકે છે. બાળકો માના ગર્ભમાં હોય ત્યારે માને કોઈ ઇન્ફેક્શન થયું હોય તો એ ઇન્ફેક્શનને કારણે બાળકને સાંભળવામાં તકલીફ આવી શકે છે. આ ઉપરાંત બાળકને જો જન્મ બાદ કોઈ ઇન્ફેક્શન થયું જેને કારણે બૅક્ટેરિયલ મેનિન્જાઇટિસ જે મગજનું ઇન્ફેક્શન માનવામાં આવે છે એ થાય તો પણ શ્રવણશક્તિ પર એની અસર થાય છે. આ ઉપરાંત જો બાળકને કમળો કે ગાલપચોળિયાં થઈ જાય, ઘણાં બાળકોમાં સામાન્ય જણાતું વાઇરલ ઇન્ફેક્શન પણ ક્યારેક કાયમી બહેરાશ લાવી શકે છે. કેટલીક ટીબીની દવાઓ જેમ કે જેન્ટામાઇસિન કે સ્કેપ્ટોમાઇસિન, અમુક કૅન્સરની દવાઓ, કેટલીક ઍન્ટિબાયોટિક તો કેટલીક મલેરિયાની દવાઓ અમુક કેસમાં બહેરાશ માટે જવાબદાર બનતી હોય છે. ડાયાબિટીઝ અને હાઇપરટેન્શન જેવા રોગો શરીરમાં લોહીની નસો પર અસર કરે છે. જો આ નસો કાનની હોય તો એ કાનની સાંભળવાની શક્તિ પર અસર કરે છે. હાઇપોથાઇરૉડિઝમ જેવા ઑટો ઇમ્યુન ડિસીઝ પણ કોઈ વાર બહેરાશ માટે જવાબદાર બને છે.
આ પ્રકારની બહેરાશને રોકવાનો પ્રયત્ન થઈ શકે. બાળકોને ઓરી, રુબેલા, મેનિન્જાઇટિસ અને ગાલપચોળિયાંથી બચવવા વૅક્સિન લગાવો. પહેલી પ્રેગ્નન્સી પહેલાં સ્ત્રીઓને રુબેલાની વૅક્સિન પણ લગાવવી. પ્રેગ્નન્ટ સ્ત્રી કોઈ પણ પ્રકારના ઇન્ફેક્શનનો ભોગ ન બને અને બને તો તરત જ એનો ઇલાજ થાય એ જોવું જરૂરી છે એટલું જ નહિ, બાળકના જન્મ સમયે કોમ્પ્લીકેશન ન આવે, જન્મ પછી તરત જ બાળક કોઈ ઇન્ફેક્શનનો ભોગ ન બને એનું ધ્યાન રાખવું જરૂરી છે. જેમના પરિવારમાં કોઈને બહેરાશ છે એવી વ્યક્તિએ પોતાના કાનની કાળજી વિશેષ લેવી. ૪૦ વર્ષની ઉંમર પછી સતત કાનની તપાસ કરાવતા રહેવી. કાનની કે માથાની ઇન્જરીથી બચવા ડ્રાઇવ કરતી વખતે હેલ્મેટ પહેરવી. ઘોંઘાટને જેટલો ઓછો કરી શકીએ એ પ્રત્યે પ્રયત્નશીલ રહેવું. જેમને કાનની તકલીફ થોડી પણ છે તેમણે ખાસ થિયેટરમાં ફિલ્મ ન જોવી, ઘોંઘાટવાળી જગ્યાએ જવાનું ટાળવું, નાછૂટકે જવું જ પડે એમ હોય તો કાન કવર કરીને જવા જેથી નુકસાન ઓછું થાય. ઇઅરફોન ન પર વધુ વૉલ્યુમમાં સાંભળવું નહીં અથવા એનો ઉપયોગ જ ન કરવો.
- ડૉ. શીતલ રાડિયા