09 November, 2022 05:02 PM IST | Mumbai | Dr. Shirish Hastak
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)
હું ૭૨ વર્ષનો છું. અઠવાડિયા પહેલાં મારા મિત્રો સાથે ફરવા ગયો હતો ત્યાં રાતે વાતો કરતાં-કરતાં મને એવું લાગ્યું કે મારી જીભ થોડી થોથવાઈ ગઈ કે બોલવામાં થોડી ગરબડ થઈ ગઈ. લગભગ એકાદ મિનિટ એવું લાગેલું, પણ પછી એકદમ ઠીક થઈ ગયું. મિત્રોને થયું કે મને ચડી ગઈ છે, પણ એવું જરાય હતું નહીં. આલ્કોહૉલ એ દિવસે મેં લીધો જ નહોતો. અત્યારે પણ વાત કરવામાં કોઈ તકલીફ નથી, પણ અચાનક એવું શું થયું હશે જેને લીધે હું થોથવાઈ ગયો એ સમજાતું નથી. ડૉક્ટર પાસે જાઉં તો પણ શું બતાવું એ પણ નથી સમજાતું.
તમને જે લક્ષણ દેખાયું એને બિલકુલ અવગણવા જેવું નથી. બને કે આ સ્ટ્રોકનું લક્ષણ હોય. તમે મગજના ડૉક્ટર એટલે કે ન્યુરોલૉજિસ્ટને મળો અને જરૂરી ટેસ્ટ કરાવો. નિદાન કરાવવું ખૂબ જ જરૂરી છે કે તમને જે થયું હતું એ સ્ટ્રોક હતો કે નહીં. સ્ટ્રોક એટલે મગજમાં આવતો અટૅક. હાર્ટની નળી જેમ બ્લૉક થાય એમ મગજની નળી બ્લૉક થાય એટલે સ્ટ્રોક આવે. લોકો માને છે કે એને કારણે સીધો લકવો થઈ જાય છે, પણ સ્ટ્રોકમાં એવું નથી હોતું કે વ્યક્તિને સીધો પૅરૅલિસિસ જ થઈ જાય. એવું પણ બને છે કે બ્રેઇનમાં જે નળીમાં બ્લૉકેજ છે એ થોડું જ છે અથવા જે જગ્યાએ બ્લૉકેજ છે એ જગ્યા પર વધુ પ્રૉબ્લેમ થવાનો નથી એટલે કે બ્લૉકેજનો પ્રૉબ્લેમ એટલો વકર્યો ન હોવાને કારણે મોટાની જગ્યાએ નાનો સ્ટ્રોક આવે. જે થોડા સમય માટે હોય અને ફરી બધું નૉર્મલ થઈ જતું લાગે, જેને ટ્રૅન્ઝિયન્ટ ઇસ્કેમિક સ્ટ્રોક કહેવાય છે. આ સ્ટ્રોકમાં આમ તો કોઈ પણ લક્ષણો દેખાઈ શકે છે, જેમ કે એકદમ દેખાતું બંધ થઈ જાય અને થોડી વારમાં બધું ફરી દેખાવા લાગે, કઈક બોલવામાં અચાનક જ જીભ લથડે અને થોડી મિનિટોમાં ફરી વ્યવસ્થિત થઈ જાય તો આ પરિસ્થિતિમાં લોકો મોટા ભાગે સ્ટ્રોકને ઓળખી શકતા નથી. વળી, પ્રૉબ્લેમ ક્ષણિક હોય એટલે એને ગંભીર રીતે લેતા નથી, જે ખોટું છે. આખરે એવું થાય છે કે ૩ કે ૬ મહિનાની અંદર આ વ્યક્તિને મોટો સ્ટ્રોક આવે છે. કુલ ૨૦ ટકા દરદીઓમાં મેજર સ્ટ્રોક પહેલાં આ નાનો સ્ટ્રોક જોવા મળે છે. જો આ જ સમયે સ્ટ્રોક પકડાઈ જાય તો ઇલાજ દ્વારા મોટા સ્ટ્રોકને આવતો અટકાવી શકાય છે, પરંતુ મોટા ભાગે લોકો ગફલતમાં રહીને પોતાનું નુકસાન કરી બેસતા હોય છે. તમે એવું ન કરતા.