18 November, 2024 07:30 AM IST | Mumbai | Dr. Mukul Choksi
પ્રતીકાત્મક તસવીર
કવિતા અને ગઝલ લખવાનો શોખ ખરો એટલે ઘણી વાર મુશાયરામાં જવાનું પણ બને. મુશાયરા પછી ડિનર પાર્ટી હતી જેમાં એક લેડી મળી. તેમને બે ટીનેજર બાળકો છે. વાતવાતમાં તેની પાસેથી ખબર પડી કે તે અમુક ચોક્કસ દિવસના પેપરની સપ્લિમેન્ટ બહાર જાહેરમાં ટેબલ પર રાખે નહીં. એ દિવસે તેમનાં ટીનેજર સંતાનોએ માત્ર ન્યુઝપેપર વાંચવાનું. મજાની વાત જુઓ, ન્યુઝપેપર વાંચવું એ મધરની સ્ટ્રિક્ટ સૂચના એટલે હવે બાળકોને પેપર વાંચવાની આદત પડી છે. બાળકો વૉટ્સઍપ પર પેપર વાંચતાં હોય તો પણ એવી આદત તો તેમનામાં કેળવવી જ જોઈએ કે તે રોજ એક પેપર તો હાથમાં લઈને વાંચે જ વાંચે. હવે વાત કરીએ એ બહેનની પેલી આદત વિશે કે તે અમુક દિવસે પેપરમાં આવતી સપ્લિમેન્ટ શું કામ કાઢીને પોતાની પાસે રાખી લે?
પૂછ્યું તો બહેન પાસેથી ખબર પડી કે એ દિવસની સપ્લિમેન્ટમાં સેક્સ વિષયક સવાલ-જવાબ પેપરમાં આવે છે. મેં તરત જ તેમને કહ્યું કે આવું નહીં કરો. બહેન પાસે પોતાના તર્ક હતા, પણ એ તર્ક હતા, વાસ્તવિકતા નહોતી.
સેક્સ જેવા વિષયથી વ્યક્તિ પોતે જ નાકનું ટોચકું ચડાવે તો સ્વાભાવિક રીતે સંતાનોના મનમાં ભાવના જન્મી શકે છે કે સેક્સ બહુ ખરાબ છે. સેક્સ ખરાબ નથી, પણ એનો અતિરેક ખરાબ છે. આપણે ત્યાં મોટા ભાગના પેરન્ટ્સ આ વિષય પર સંતાન સાથે વાત કરતાં નથી અને એવું જ સંતાનોની બાબતમાં છે. સંતાનો પણ આ વિષયની પોતાની જે ક્યુરિયોસિટી છે એના વિશે પેરન્ટ્સ સાથે વાત નથી કરતાં. આવું શું કામ થાય છે એ ક્યારેય વિચાર્યું છે ખરું?
આવું થવાનું કારણ છે તેમના ઉછેર દરમ્યાનની પ્રક્રિયા. નાનપણથી જ આપણે બાળકને તેમના પ્રાઇવેટ પાર્ટથી દૂર રહેવા વિશે એવું શીખવી દઈએ છીએ કે બાળક એ વિશે જાહેરમાં કશું બોલે કે કહે નહીં. નાનપણની વાત જુદી છે, પણ જે બાળક હવે ટીનેજર થઈ ગયું છે એ બાળકને પૂરતો હક છે કે તે આ સબ્જેક્ટ વિશે વાંચે, સાંભળે અને જરૂર લાગે તો સાચી જગ્યાએ જ એની ચર્ચા કરી શકે. ન્યુઝપેપરમાં આવતી સેક્સની કૉલમ જો ઑથેન્ટિક વ્યક્તિ દ્વારા લખાતી હોય તો ટીનેજર બાળક એ વાંચે એવો આગ્રહ પેરન્ટ્સે રાખવો જોઈએ. સેક્સ એજ્યુકેશનની દિશામાં એ પહેલું અને સાચું પગલું ગણાશે જે બહુ જરૂરી પણ છે.