એપિલેપ્સીના હુમલામાં ડાયટનું મહત્ત્વ શું?

07 April, 2023 06:13 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કીટો ડાયટ એપિલેપ્સીમાં ઘણું જ ઉપયોગી છે, પરંતુ દરેક દરદીઓએ આ ડાયટ ફાયદો કરે એવું નથી.

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક

મારા ૭ વર્ષના બાળકને  બે વર્ષથી એપિલેપ્સીની તકલીફ શરૂ થઈ છે. તેનો ઇલાજ ચાલુ છે. મને ખબર પડી કે એપિલેપ્સીનાં બાળકોને અમુક પ્રકારનો ખોરાક આપીએ તો તેને ફાયદો થાય છે. શું ખરેખર એપિલેપ્સી જેવા પેચીદા રોગમાં ડાયટ કોઈ ભાગ ભજવી શકે? જો અમારે એ શરૂ કરવું હોય તો શું ધ્યાનમાં રાખવું જરૂરી છે એ જણાવવા વિનંતી. 

તાણ, ખેંચ કે આંચકી આપણે જેને કહીએ છીએ એ આમ તો કોઈ પણ ઉંમરે આવી શકે છે, પરંતુ નાનાં બાળકોમાં પણ આ રોગ વ્યાપક રીતે જોવા મળે છે. કીટો ડાયટ એપિલેપ્સીમાં ઘણું જ ઉપયોગી છે, પરંતુ દરેક દરદીઓએ આ ડાયટ ફાયદો કરે એવું નથી. એપિલેપ્સીની અમુક ખાસ દવાઓ છે. અમારી પાસે જ્યારે દરદી આવે ત્યારે તેને એક પ્રકારની દવા આપવામાં આવે છે. જો એ અસર ન કરે તો બીજા પ્રકારની દવા અપાય છે. જો એ પણ અસર ન કરે તો ચકાસવામાં આવે છે કે દરદીની સર્જરી થઈ શકે એમ છે કે નહીં. જો સર્જરી પણ ન થઈ શકે એમ હોય તો જ તેને ડાયટ શરૂ કરવાનું કહેવામાં આવે છે. તમારો શું ઇલાજ ચાલે છે એની જાણ કરશો તો સ્પષ્ટ અભિપ્રાય આપી શકાય. 

કીટો ડાયટ જેમાં ફેટ્સનું પ્રમાણ વધુ છે એ એપિલેપ્સી પર ઘણું જ અસરદાર છે, એમાં કોઈ બેમત નથી. કીટો ડાયટ ખૂબ જ અઘરું ડાયટ છે, છતાં અશક્ય નથી. ખાસ કરીને એકદમ નાનાં બાળકોમાં એ સહેલું પડે છે. બાળક થોડું મોટું અને સમજણું થાય પછી એ અઘરું પડે છે, કારણ કે આ ડાયટના નિયમો ઘણા કડક હોય છે. આપણે લોકો ડાયટને ખાસ સિરિયસ રીતે લેતા નથી. વેઇટલોસ ડાયટ અને ક્યુરેટિવ ડાયટ બન્નેમાં ઘણો ફરક હોય છે. આ ફક્ત ડાયટ નથી, એવું ડાયટ છે જે એક ઇલાજ છે. તો એની ગંભીરતા ઘણી જુદી રહે છે. આ ડાયટના ઘણા નિયમો છે જે પાળવા ખૂબ અઘરા છે. મેડિકલ સુપરવિઝન હેઠળ જ આ ડાયટ કરવામાં આવે એ જરૂરી છે. ડૉક્ટર, સ્પેશ્યલ ડાયટિશ્યન અને ઘરના સભ્યો જેમાં મોટા ભાગે મમ્મી જ હોય છે બાળકની જે આ ડાયટમાં મહત્ત્વનો ભાગ ભજવે છે અને બાળકને એપિલેપ્સીની તકલીફમાંથી બહાર લાવે છે. આમ, જો તમે આ ડાયટ કરવા પણ માગતા હો તો ડૉક્ટરની દેખરેખ હેઠળ જ તમે એ કરી શકશો. એ વાત ખાસ ધ્યાનમાં રાખવી.

columnists health tips life and style