18 December, 2024 07:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
જો આંખમાંથી આંસુ સુકાઈ જાય તો વ્યક્તિને ડ્રાય આઇ સિન્ડ્રૉમ થઈ જાય છે જેને લીધે આંખમાં સતત ખંજવાળ આવે, આંખ લાલ થઈ જાય, ખૂબ ઇરિટેશન થાય, ક્યારેક એવું પણ લાગે કે આંખમાં કંઈક કચરો પડ્યો છે જે આંખમાં ખટકે છે. ડ્રાય આઇને કારણે આંખને કોઈ મોટું નુકસાન થતું નથી પરંતુ એને કારણે વ્યક્તિના કામ પર અને એના જીવન પર અસર થાય છે. અમુક પ્રકારના હૉર્મોનલ બદલાવ, વધતી ઉંમર, અમુક રોગો અને શુષ્ક વાતાવરણ એની પાછળ કારણભૂત છે. આ કારણો એવાં છે જેના વિશે આપણે કંઈ કરી શકીએ નહીં પરંતુ અમુક કારણો એવાં પણ છે જે આપણે જાતે કરીને ઊભાં કર્યાં છે અને એને રોકવાં ખૂબ જ જરૂરી બન્યાં છે.
સમજવા જેવી વાત એ છે કે આંસુ આંખમાં રહેલાં હોય છે અને જ્યારે આપણે આંખ પટપટાવીએ એટલે કે પલકારા મારીએ ત્યારે એ ક્ષણિક વારમાં આંખને સાફ કરી એને ભીની રાખવાનું કામ કરે છે. એક ઍવરેજ માણસની ૧ મિનિટમાં ૩-૪ વાર આંખ પલકારા મારે છે. જ્યારે આપણે કોઈ પણ સ્ક્રીનને જોઈએ છીએ અને એ રસની વસ્તુ હોય તો ઑટોમૅટિકલી આપણે આંખ પટપટાવવાનું ભૂલી જતા હોઈએ છીએ જેને લીધે આંખ સાફ થતી નથી અને એ સૂકી થતી જાય છે. આ પ્રક્રિયા વારંવાર બનતી જાય છે ત્યારે વ્યક્તિને ડ્રાય આઇનો પ્રૉબ્લેમ થઈ જાય છે. કોઈ પણ પ્રકારની સ્ક્રીન આ પ્રૉબ્લેમને નોતરે છે એટલે સ્ક્રીનનો ઉપયોગ ઓછો કરવો જરૂરી છે.
ડ્રાય આઇનો પ્રૉબ્લેમ અમુક પ્રકારના રોગો થાય ત્યારે એની દવા ખાવાથી પણ થાય. જેમ કે કોઈ માનસિક રોગ કે ડિપ્રેશનમાં ઍન્ટિહિસ્ટમાઇન કે ઍન્ટિડિપ્રેસન્ટ દવાઓથી, કેટલીક બ્લડ-પ્રેશરની દવાઓથી, પાર્કિન્સન્સ ડિસીઝની દવાઓથી કે બર્થ કન્ટ્રોલ પિલ્સથી પણ ક્યારેક ડ્રાય આઇ થઈ શકે છે. જે લોકો સ્મોકિંગ કરતા હોય છે તેમને પણ આ પ્રૉબ્લેમ થઈ શકે છે, કારણ કે સ્મોકિંગ કરતા લોકોમાં સિગારેટનો સ્મોક આંખની અંદર જાય છે અને આંખને સૂકી બનાવે છે. આ ઉપરાંત કૉન્ટૅક્ટ લેન્સ સતત પહેરવાથી પણ આ પ્રૉબ્લેમ થાય છે. જ્યારે વ્યક્તિ કૉન્ટૅક્ટ લેન્સ પહેરે છે ત્યારે વ્યક્તિની આંખ સૂકી થાય છે અને આંખ સૂકી હોય ત્યારે કૉન્ટૅક્ટ લેન્સ પહેરવાથી આંખ વધુ સૂકી થાય છે. આમ આ એક સાઇકલ છે. વળી સૂકા વાતાવરણમાં રહેવાથી જેમ ડ્રાય આઇનો પ્રૉબ્લેમ થાય છે એમ નકલી સૂકા વાતાવરણ એટલે કે સતત ઍરકન્ડિશનમાં રહેવાથી પણ આંખ સૂકી થાય છે. આ કારણોને અવગણીએ તો ડ્રાય આઇના પ્રૉબ્લેમને ટાળી શકાય છે.
- ડૉ. હિમાંશુ મહેતા