તમારું વજન વધ્યું કે ઘટ્યું એ ચેક કરવાનો શ્રેષ્ઠ ટાઇમ કયો?

22 November, 2024 11:42 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ક્યારે વજન કરવાનું ટાળવું જોઈએ અને કયા ટાઇમે વજન કરવાથી ઍક્યુરેટ વેઇટ મળે એની પણ ખબર હોવી જોઈએ

પ્રતીકાત્મક તસવીર

વજન ઘટાડવા માટે ડાયટ અને એક્સરસાઇઝ પાછળ જેટલી મહેનત કરીએ છીએ એટલું જ ધ્યાન સાચી રીતે વજન માપવામાં પણ રાખવું જોઈએ. ઘણી વાર આપણે વજન માપીએ છીએ ત્યારે વેઇટ મશીન અલગ-અલગ વજન દેખાડતું હોય છે. આપણને એમ લાગે કે મશીન જ ખરાબ છે, પણ એવું હોતું નથી. એ માટે ક્યારે વજન કરવાનું ટાળવું જોઈએ અને કયા ટાઇમે વજન કરવાથી ઍક્યુરેટ વેઇટ મળે એની પણ ખબર હોવી જોઈએ.

દરેક વસ્તુનો એક યોગ્ય સમય હોય છે. જેમ કે સૂર્યાસ્ત પહેલાં રાત્રે ડિનર પતાવવાથી લઈને મૉર્નિંગમાં વૉક પર જાઓ તો જ એનો મૅક્સિમમ ફાયદો મળે. પણ શું તમને ખબર છે કે વજન માપવાનો પણ એક રાઇટ ટાઇમ હોય છે? એટલે ખાસ કરીને એ લોકો જે વેઇટલૉસ જર્ની પર છે અને વજનનો દરરોજ ટ્રૅક રાખી રહ્યા હોય એવા લોકો માટે આ વસ્તુ જાણવી ખૂબ જરૂરી છે.

આ સમયે વજન ચેક કરો

શરીરનું વજન ચેક કરવાનો યોગ્ય સમય કયો છે એ સમજવું જરૂરી છે. જનરલી દિવસ દરમિયાન આપણું વજન થોડુંઘણું ઉપર-નીચે થતું રહે છે. આપણે શું અને કેટલું ખાઈએ-પીએ છીએ, કેટલી એક્સરસાઇઝ કરીએ છીએ, યુરિન-પરસેવાના માધ્યમથી શરીરમાંથી કેટલું ફ્લુઇડ બહાર નીકળે છે એ બધા ફૅક્ટરની આપણા વજન પર અસર પડે છે. આ વજન ઇન્સ્ટન્ટ હોય છે એટલે ઘણી વાર એવું બનતું હોય કે આપણે સેમ દિવસનું સવાર અને સાંજનું વજન ચેક કરીએ તો પણ એ અલગ-અલગ હોય છે.

વજન માપવાનો બેસ્ટ ટાઇમ સવારનો છે. તમે ઊઠીને પેટ સાફ કરી આવો અને કંઈ પણ ખાવા-પીવાનું શરૂ કરો એ પહેલાં વજન ચેક કરવું જોઈએ જેથી તમને તમારું ઍક્યુરેટ વજન ખબર પડશે.

કયા સમયે વજન ચેક ન કરવું?

જમ્યા પછી તરત ક્યારેય વજન ન માપવું, કારણ કે એમાં ફક્ત તમારા શરીરનું વજન નહીં પણ તમે જે જમ્યા છો એનું વજન પણ આવે છે.

ઇન્ટેન્સ એક્સરસાઇઝ પછી પણ કયારેય વજન ચેક ન કરવું, કારણ કે શરીરમાં પસીનાને કારણે પાણીની કમી થઈ શકે છે જેને કારણે તમારું વજન ઓછું આવી શકે.

મહિલાઓએ પિરિયડ્સ દરમિયાન વજન ચેક ન કરવું જોઈએ. એ સમયે બ્લોટિંગ અને વૉટર​ રિટેન્શનને કારણે ઍક્યુરેટ વજન મેળવવું મુશ્કેલ છે. એવી જ રીતે કબજિયાતમાં પણ વજન વધુ આવી શકે છે.

એ સિવાય વીક-એન્ડમાં વજન ચેક કરવાનું ટાળવું જોઈએ. એ સમયગાળામાં આપણે ડાયટ સાથે થોડી બાંધછોડ કરતા હોઈએ છીએ અને એક્સરસાઇઝ પણ સ્કિપ થતી હોય છે. એટલે વેઇટ સ્કેલ પર વજન વધુ આવે છે. વજન વધુ આવે એટલે કૉન્ફિડન્સ થોડો હલી જાય છે, જેની અસર વેઇટલૉસ જર્ની પર પડે છે.

health tips life and style columnists