midday

પૅરાલિમ્પિક્સમાં બ્રૉન્ઝ મેડલ વિનર પૅરાશૂટર રુબિના ફ્રાન્સિસને થયેલો રોગ રિકેટ્સ શું છે?

24 September, 2024 01:17 PM IST  |  Mumbai | Jigisha Jain

પાંચ વર્ષથી નાનાં બાળકોમાં પોષક તત્ત્વોની ઊણપને કારણે થતી આ બીમારીમાં હાડકાં એટલાં નબળાં હોય છે કે પગ કમાન જેવા કે એનાથી ઊંધી તરફ વાંકા વળી જતા હોય છે. વિકાસમાં અવરોધરૂપ બનતો આ રોગ વકરે એ પહેલાં જ ઇલાજ કરવામાં આવે એ જરૂરી છે
રુબિના ફ્રાન્સિસ

રુબિના ફ્રાન્સિસ

પૅરાલિમ્પિક્સમાં બ્રૉન્ઝ મેડલ વિજેતા પૅરાશૂટર રુબિના ફ્રાન્સિસને બાળપણમાં રિકેટ્સની બીમારી હતી. રિકેટ્સ હાડકાં સંબંધિત તકલીફ છે. આ નામ એટલું જાણીતું નથી, પરંતુ રોગ ઘણો વ્યાપક છે. જે રોગમાં બાળકોના પગ ધનુષ જેવા વાંકા થઈ જાય છે એ બીમારી એટલે રિકેટ્સ. જોકે આ રોગ આ એક ચિહ્‍ન પૂરતો સીમિત નથી. રિકેટ્સના ઘણાબધા પ્રકાર છે અને અલગ-અલગ ચિહ્‍નો પણ છે; પરંતુ સારી બાબત એ છે કે આ રોગનો ઇલાજ છે, ખૂબ સારો ઇલાજ છે. એ ઇલાજ કરીને જ રુબિના ફ્રાન્સિસ આજે ઑલિમ્પિક્સમાં રમવાને જ નહીં, મેડલ જીતવાને પણ લાયક બની હતી. આજે જાણીએ આ રોગ વિશે વિસ્તારથી.

વ્યાપ વધુ

આ રોગ ૦-૫ વર્ષનાં બાળકોમાં વધુ જોવા મળે છે. ઉંમર મોટી થાય પછી પણ આ રોગ થઈ શકે છે, પરંતુ મોટા ભાગે નાનાં બાળકો જ આ રોગનો શિકાર બને છે. રૅબીઝ ભારતમાં કેટલા લોકોને થાય છે એ આંકડો તો આપણી પાસે નથી, પરંતુ એનો વ્યાપ ઘણો વધુ છે એ સમજવું હોય તો અમુક તથ્યો ચકાસીએ. હાડકાંની સારી હેલ્થ માટે મુખ્ય બે તત્ત્વો અત્યંત જરૂરી છે : વિટામિન ‘ડી’ અને કૅલ્શિયમ. આંકડાઓ મુજબ ૭૦ ટકા ભારતીયો વિટામિન ‘ડી’ની ઊણપ ધરાવે છે અને ભારતમાં ૧૪ ટકા લોકો કુપોષણનો શિકાર છે. એનો અર્થ એ થયો કે આ બન્નેની ઊણપ હોય એવાં બાળકો ઘણી મોટી સંખ્યામાં હોવાનાં જ અને જો એ સંખ્યા વધુ તો રિકેટ્સનો વ્યાપ વધુ જ રહેવાનો.

સીધી અને ઊંધી કમાન આકારના પગ

આમ તો હાડકાં આપણા શરીરનો સૌથી મજબૂત ભાગ છે, પરંતુ જ્યારે એ નબળાં કે બરડ થઈ જાય ત્યારે આ રોગ આવે છે. ક્યારેક આ રોગ વારસાગત આવી શકે છે. બાકી કુપોષણ એનું મુખ્ય કારણ છે. આ રોગ વિશે વાત કરતાં બાઈ જેરબાઈ વાડિયા હૉસ્પિટલના પીડિયાટ્રિક ઑર્થોપેડિક ડિપાર્ટમેન્ટનાં હેડ અને સર્જ્યન તથા નાણાવટી અને જસલોક હૉસ્પિટલમાં કન્સલ્ટન્ટ તરીકે કાર્યરત ડૉ. ઋજુતા મહેતા કહે છે, ‘આ રોગ જન્મથી હોતો નથી, પરંતુ એવું બને કે મમ્મીમાં કુપોષણ હોય એને કારણે કુપોષણ આવે. કુપોષણ આ રોગ પાછળનું મુખ્ય કારણ છે. કૅલ્શિયમ અને વિટામિન ‘ડી’ની કમી જ્યારે બાળકમાં વર્તાય ત્યારે તેનાં હાડકાં નબળાં બને છે અને એ હાડકાં વળવાનું શરૂ થાય છે. ખાસ કરીને નાનાં બાળકોનાં હાડકાં ઘૂંટણ પાસેથી વળેલાં દેખાય છે. બન્ને ઘૂંટણ એકબીજા તરફ વાંકા વળે છે, નહીંતર એકબીજાથી વિરુદ્ધ દિશામાં વાંકા વળે છે. એને લીધે કાં તો પગ ધનુષની જેમ વાંકા દેખાય છે અને નહીંતર એનાથી ઊંધી દિશામાં વાંકા દેખાય છે. જોકે બધાના પગ વાંકા થઈ જતા નથી. જેટલી વધુ ઊણપ એટલાં એનાં ચિહ્‍નો દેખાય. ઓછી ઊણપ હોય તો હાડકાં પર અસર થાય, પણ પગ એકદમ વાંકા ન દેખાવા લાગે.’

શરૂઆતનાં ચિહ્‍નો

આ રોગને શરૂઆતનાં સ્ટેજમાં જ પકડી લઈએ તો પગ વાંકા થવા સુધી રોગ આગળ વધે જ નહીં, પણ શરૂઆતનાં કયાં ચિહ્‍નો છે જેના વિશે જાણીને આપણને આ પોષણની કમી વિશે પહેલેથી ખબર પડી જાય? આ પ્રશ્નનો જવાબ આપતાં ડૉ. ઋજુતા મહેતા કહે છે, ‘બાળકનો જો વિકાસ વ્યવસ્થિત ન થઈ રહ્યો હોય. દરેક મહિના અને વર્ષ મુજબ બાળકનો થોડો-થોડો વિકાસ અનિવાર્ય છે. બાળકનું વજન, ઊંચાઈ, બાંધો આ બધાની સમય-સમય પર ડૉક્ટર પાસે લઈ જઈને ચકાસણી કરાવવી જરૂરી છે. તેના સ્નાયુઓ અને બાંધો નબળો લાગે, તેની મોટર સ્કિલ્સ નબળી લાગે એટલે કે તેના હાથની પકડ ઢીલી હોય, તેના હાથ અને આંખનું કો-ઑર્ડિનેશન વ્યવસ્થિત ન હોય, તેને કરોડરજ્જુમાં દુખાવો થતો હોય, પગ અને પેલ્વિક એરિયામાં દુખાવો થતો હોય તો આ શરૂઆતનાં ચિહ્‍નો છે. બાળક આવી કોઈ ફરિયાદ તમને કરે તો તરત તેને ડૉક્ટર પાસે લઈ જવું જરૂરી છે.’

આ રોગનો ઇલાજ શું છે?

વિટામિન ‘ડી’ એ બાળકના શરીરમાં કૅલ્શિયમ અને ફૉસ્ફરસ જેવાં તત્ત્વો શોષાય એ માટે એટલે કે ઍબ્સૉર્બ કરવા માટે અનિવાર્ય છે. વિટામિન ‘ડી’ પૂરતું ન હોય તો કૅલ્શિયમ તમારી ડાયટમાં હોવા છતાં તમારાં હાડકાંઓને પૂરી રીતે મળતું નથી. આના ઇલાજ વિશે વાત કરતાં ડૉ. ઋજુતા મહેતા કહે છે, ‘જે બાળકોને કુપોષણને કારણે આ રોગ થયો છે તેમને ફક્ત સપ્લિમેન્ટ ચાલુ કરીએ એટલે એ તત્ત્વોની કમી પૂરી થાય છે અને ધીમે-ધીમે એ ડી-ફૉર્મિટી એટલે કે વળી ગયેલાં હાડડાં સશક્ત બનીને જાતે સીધાં થઈ જાય છે. બાળકને પોષણ મળવાનું જેવું શરૂ થાય એવી ધીમે-ધીમે તેની તકલીફ એની જાતે સુધરતી જાય છે, પરંતુ અમુક કેસમાં જ્યાં પગ ખૂબ વધુ વળી ગયા હોય કે કોઈ બીજા મેડિકલ પ્રૉબ્લેમને કારણે આ રોગ થયો હોય તો ક્યારેક સર્જરી કરવી જરૂરી બને છે. ખાસ કરીને હાડકાંમાં મૂળભૂત ફેરફાર આવ્યા હોય તો સર્જરી કરીને એને ઠીક કરવાં જરૂરી બને છે.’

કૅલ્શિયમના બીજા સોર્સ

જે બાળકો દૂધ ન પીતાં હોય, ખાવામાં વધુ નખરાળાં હોય તેમના સુધી કૅલ્શિયમ કઈ રીતે પહોંચે? તેમને શું ખવડાવીએ કે કૅલ્શિયમ મળી રહે? આ પ્રશ્નનો જવાબ આપતાં ન્યુટ્રિશનિસ્ટ કેજલ શાહ કહે છે, ‘જે બાળકો દૂધ નથી પીતાં તેઓ જો દહીં ખાતાં હોય, પનીર ખાતાં હોય તો એ ચોક્કસ આપવું. એમાં પણ દૂધ જેટલું જ પોષણ છે. એ પણ કૅલ્શિયમનો સારો સોર્સ ગણાય. જેમને ઍલર્જીની તકલીફો છે તેમના માટે દૂધ સિવાય કૅલ્શિયમ ઘણી વસ્તુઓમાંથી મળે છે -  જેમ કે રાગી કે નાચણી, કાળા અને સફેદ તલ, સરગવાનાં પાન, રાજગરો, બદામ, ચણા કે દાળિયા, અંજીર, મખાના વગેરે. આ દરેક વસ્તુને રોજિંદા ડાયટનો ભાગ બનાવીને બાળકને ખવડાવી શકો છો. જે બાળકો દૂધ નથી પી શકતાં તેમના રોજિંદા ખોરાકમાં આ કૅલ્શિયમ-રીચ ફૂડ જેમ કે તલના લાડુ, પલાળેલાં અંજીર કે બદામ, રાગીની ખીર કે રોટલી, રાજગરાના પરાઠા, સ્નૅક્સ માટે દાળિયા કે શેકેલા મખાના ખવડાવશો તો તેમને કૅલ્શિયમની કમી બિલકુલ નહીં થાય.’

 

health tips paralympics 2024 life and style