midday

તમે એક્સપાયર થઈ ગયેલો સાબુ તો નથી વાપરી રહ્યાને?

21 March, 2025 01:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જો સાબુ એક્સપાયર થાય તો એ અન્ય ચીજોની જેમ બગડતો નથી પણ સમય જતાં એની ઇફેક્ટિવનેસ ઓછી થઈ જાય છે.
પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

જેમ ખાવાની ચીજવસ્તુઓ ખરીદતી વખતે પૅકેજિંગ પર એક્સપાયરી ડેટ જોતા હોઈએ છીએ એમ શરીર પર ડેઇલી યુઝ થતા સોપ પણ એક્સપાયરી ડેટ જોઈને જ લેવા જોઈએ. આપણે ખરીદી કરવા જઈએ છીએ ત્યારે સાબુ લેતાં પહેલાં ભાગ્યે જ કોઈ એની એક્સપાયરી ડેટ જોતા હશે. જો તમે એક્સપાયર્ડ સાબુનો ઉપયોગ કરો તો ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

સાબુ એક્સપાયર ક્યારે થાય?

જો સાબુ એક્સપાયર થાય તો એ અન્ય ચીજોની જેમ બગડતો નથી પણ સમય જતાં એની ઇફેક્ટિવનેસ ઓછી થઈ જાય છે. લાંબા સમય સુધી સૂર્યપ્રકાશ એના પર પડે એ રીતે રાખ્યો હોય તો એનો કલર ફીકો પડી જાય છે અને સાબુની સુગંધ પણ જતી રહે છે. નહાવા જાઓ અને આ બે ચીજ નોટિસ કરો ત્યારે સમજી જવું કે સાબુ એક્સપાયર થઈ ગયો છે. જો એને યોગ્ય રીતે ડ્રાય સ્પેસમાં સૂર્યપ્રકાશ ન પહોંચે એ રીતે સ્ટોર કરવામાં આવે તો એ થોડા સમય સુધી સારો રહે છે. જોકે લિક્વિડ સોપમાં આ સમસ્યા આવતી નથી. એની એક્સપાયરી ડેટ બૉટલ પર લખેલી જ હોય છે અને એમાં એ પણ મેન્શન કરેલું હોય છે કે એ એક્સપાયર થયા બાદ એનો વપરાશ ટાળવો જોઈએ. જોકે નૉર્મલ સોપમાં આ ઇન્સ્ટ્રક્શન્સ લખેલાં હોતાં નથી. એને વાપરવા માટે પૅકેજિંગ કાઢી દીધા બાદ યાદ પણ રહેતું નથી કે એ ક્યારે એક્સપાયર થશે.

એ વાપરીએ તો શું થાય?

એક્સપાયર થયેલા સાબુનો ઉપયોગ સ્વાસ્થ્ય મા​ટે હાનિકારક સાબિત થઈ શકે છે. એના ઉપયોગ બાદ ત્વચામાં બળતરા, ઍલર્જી અને સ્કિન પર ડાઘ પડી જવા જેવી સમસ્યાઓ થઈ શકે છે. ઘણી વાર એવું બને છે કે ફરવા જઈએ ત્યારે ટ્રાવેલ કિટમાં સાબુ રાખીએ છીએ અને ઘરે આવ્યા બાદ એ કિટમાં ધ્યાન અપાતું નથી અને લાંબા સમય બાદ જ્યારે નેક્સ્ટ ટ્રિપમાં જવાનું પ્લાનિંગ થાય ત્યારે એ કિટ પર નજર પડે છે. આ સ્થિતિમાં યુઝ કરેલા સાબુ પર બૅક્ટેરિયા અને ફૂગ લાગી જાય છે. એનો વપરાશ ત્વચાના સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થાય છે. ત્વચા સંબંધિત ઍલર્જી અને બીમારી થવાના ચાન્સ એમાં વધુ રહેલા હોય છે. તેથી ફરીને આવ્યા બાદ સૌથી પહેલાં ટ્રાવેલ કિટ સાફ કરીને એમાંની ચીજો ઠેકાણે મૂકવી જોઈએ. 

બૅક્ટેરિયાનું ઘર

ઍન્ટિ- બૅક્ટેરિયલ એટલે કે શરીરના બૅક્ટેરિયાનો નાશ કરતા હોય એવી ફ્લેવરનો સાબુ એક્સપાયર થાય તો એની ઇફેક્ટિવનેસ ઓછી થાય છે અને એનું pH (પોટેન્શિયલ ઑફ હાઇડ્રોજન) લેવલ પણ ઓછું થાય છે. નૉર્મલી પણ લાંબા સમય સુધી સાબુને સ્ટોર કરીને રાખ્યા બાદ એનો વપરાશ કરવામાં આવે તો પણ એમાં બૅક્ટેરિયા હોઈ શકે છે અને pH લેવલ પણ સાબુના પૅકેટમાં લખ્યું હોય એના કરતાં ઓછું થઈ શકે છે. આથી સાબુ પેટીપૅક હોય અને એક્સપાયર થયેલો હોય તો પણ એને ઉપયોગમાં ન લેવો જ હિતાવહ છે. 

સેન્સિટિવ સ્કિન માટે હાનિકારક

જો સ્નાન કર્યા બાદ ત્વચામાં તરત જ ડ્રાયનેસ આવી જાય તો એ પણ સાબુ એક્સપાયર થયો હોવાનું લક્ષણ છે. જે લોકોની સ્કિન સેન્સિટિવ હોય તેમને વધુ બળતરા, ઍલર્જી અને લાલાશ પડતા રિંગવર્મ થવાની શક્યતા વધુ હોય છે અને ઇન્ફેક્શન થવાનું જોખમ પણ વધે છે. આમ તો  એક્સપાયર થયેલા સાબુને વાપરવાથી સ્કિન પર થતાં રીઍક્શન માઇલ્ડ છે પણ સેન્સિટિવ સ્કિન ધરાવતા લોકોને ચામડી સંબંધિત બીજી સમસ્યા અને રોગો થવાની સંભાવના વધી જાય છે. સાબુને જો યોગ્ય રીતે સ્ટોર કરવામાં આવે તો એ એક્સપાયર થયા બાદ વધુમાં વધુ બે અઠવાડિયાં સુધી યુઝ કરી શકાય છે.

 એક્સપાયર થયેલા સાબુને વાપરવાથી સ્કિન પર થતાં રીઍક્શન માઇલ્ડ છે પણ સેન્સિટિવ સ્કિન ધરાવતા લોકોને ચામડી સંબંધિત બીજી સમસ્યા અને રોગો થવાની સંભાવના વધી જાય છે.

life and style health tips healthy living columnists