ટ્રૅમ્પોલિન વર્કઆઉટ કરો, મગર ધ્યાન સે

21 October, 2024 12:02 PM IST  |  Mumbai | Kajal Rampariya

સોશ્યલ મીડિયા પર ચાલી રહેલાે ટ્રૅમ્પોલિન પર ઊછળકૂદ કરીને હસતાં-રમતાં ફિટ રહેવાનો ટ્રેન્ડ મૉનોટોની દૂર કરીને મનોરંજન પૂરું પાડે તો એમાં કંઈ જ ખોટું નથી, પણ આ વર્કઆઉટ જાતે કરવાનું વિચારતા હો તો પહેલાં જાણી લો કે તમે એ માટે એલિજિબલ છો કે નહીં

ટ્રૅમ્પોલિન વર્કઆઉટની પ્રતીકાત્મક તસવીર

સોશ્યલ મીડિયા પર ચાલી રહેલાે ટ્રૅમ્પોલિન પર ઊછળકૂદ કરીને હસતાં-રમતાં ફિટ રહેવાનો ટ્રેન્ડ મૉનોટોની દૂર કરીને મનોરંજન પૂરું પાડે તો એમાં કંઈ જ ખોટું નથી, પણ આ વર્કઆઉટ જાતે કરવાનું વિચારતા હો તો પહેલાં જાણી લો કે તમે એ માટે એલિજિબલ છો કે નહીં. નિષ્ણાતના ગાઇડન્સ વિના આ વર્કઆઉટ કરવાથી ઊલમાંથી ચૂલમાં પડવા જેવું થઈ શકે છે

ફિટનેસ ઇન્ડસ્ટ્રીમાં હાલમાં ટ્રૅમ્પોલિન વર્કઆઉટનો ટ્રેન્ડ ધૂમ મચાવી રહ્યો છે. એમાંય વળી શિલ્પા શેટ્ટી અને ભાગ્યશ્રી જેવી ફિટનેસ ફ્રીક અભિનેત્રીઓ આ પ્રકારના વર્કઆઉટને પ્રમોટ કરી રહી છે. મૂળ અમેરિકાથી ભારતમાં આવેલો આ ટ્રેન્ડ ભારતમાં પૉપ્યુલર થઈ તો રહ્યો છે પણ એની સાથે સંકળાયેલા જોખમ વિશે લોકો અજાણ છે. કૂદકા મારવાથી સ્વાસ્થ્ય સારું રહે એવું માનનારા લોકોને ટ્રૅમ્પોલિન વર્કઆઉટના ટ્રેન્ડનો રિયલિટી ચેક આપવો જરૂરી છે. એના ફાયદા અને નુકસાનની સાથે આ વર્કઆઉટ કરતી વખતે શું ધ્યાનમાં રાખવું જોઈએ એ વિશે નિષ્ણાતો પાસેથી જાણીએ.

ફૅન્સી વર્કઆઉટનો ક્રેઝ વધ્યો

ફિટનેસ ઇન્ડસ્ટ્રીમાં બાવીસ વર્ષનો અનુભવ ધરાવતા મુલુંડના ફિટનેસ એક્સપર્ટ રિતેશ શાહ ટ્રૅમ્પોલિન વર્કઆઉટના ટ્રેન્ડ વિશે વાત કરતાં જણાવે છે, ‘ભારતમાં ટ્રૅમ્પોલિનનો ટ્રેન્ડ વધી રહ્યો છે પણ વાત જ્યારે સર્ટિફાઇડ ટ્રેઇનરની થાય તો આંગળીના વેઢે ગણાય એટલા પણ નથી. આપણે ત્યાં ટ્રેન્ડને કૉપી કરવામાં લોકો એક્સપર્ટ છે પણ એની પાછળના લૉજિક, ફાયદા-ગેરફાયદાથી અજાણ છે. આ પ્રકારની ટ્રેઇનિંગ આપતા ક્લાસિસ પણ નહીંવત્ છે એમ કહીએ તો ચાલે. જમ્પિંગ જૅક્સ, દોરડાકૂદ અથવા નૉર્મલ જમ્પ ફ્લોર પર કરવા કરતાં ટ્રૅમ્પોલિન પર કરે એ ટ્રૅમ્પોલિન વર્કઆ‍ઉટ કહેવાય.’

માપદંડનો અભાવ

ટ્રૅમ્પોલિન વર્કઆઉટ માટે માપદંડનો અભાવ હોવાનું જણાવતાં રિતેશ શાહ કહે છે, ‘તમે કોઈ પણ પ્રકારની કસરત કરો તો એનું પરિણામ તો આવે જ છે પણ એનું રિઝલ્ટ કેટલું લૉન્ગ લાસ્ટિંગ છે અને એની સાઇડ ઇફેક્ટ્સ કેવી છે એ પણ આધાર રાખે છે. જો તમને પહેલેથી જૉઇન્ટ પેઇન હોય અને ફન ઍક્ટિવિટી તરીકે યુટ્યુબમાંથી જોઈને કોઈ પણ ટ્રેઇનર વગર આ વર્કઆઉટ કરો તો હાડકાં અને સ્નાયુમાં ગંભીર ઈજા થઈ શકે છે. ઑનલાઇન શીખીને લોકોને શીખવાડવાવાળા ટ્રેઇનર્સની આજે ભરમાર છે તેથી ટ્રૅમ્પોલિન વર્કઆઉટ માટેના સર્ટિફાઇડ ટ્રેઇનર મળવા બહુ મુશ્કેલ છે. તેથી જો તમે ટ્રૅમ્પોલિન વર્કઆઉટ પસંદ કરો છો તો ટ્રેઇનર આ પ્રકારના વર્કઆઉટ માટે સર્ટિફાઇડ છે કે નહીં એ જાણી લેવું જરૂરી છે. તમારે કઈ સ્પીડ પર કરવું જોઈએ, કેટલી વાર કરવું જોઈએ અને કેટલા સમય સુધી કરવું જોઈએ એનું પ્રોગ્રામિંગ તમને ટ્રેઇનર જ આપી શકશે. કોઈ વ્યક્તિ ટ્રૅમ્પોલિન વર્કઆઉટ માટે જિમમાં આવે છે તો પહેલાં તેની ફિટનેસ ટેસ્ટ થવી જોઈએ. એ આધારે નક્કી થવું જોઈએ કે તે આ વર્કઆઉટ માટે એલિજિબલ છે કે નહીં. જોકે આ વર્કઆઉટ માટે માપદંડનો અભાવ છે.’

વર્કઆઉટ નહીં, મનોરંજન જોઈએ છે

વર્કઆઉટની સાથે હવે લોકોને એન્ટરટેઇનમેન્ટ પણ જોઈએ છે એવું જણાવતાં રિતેશભાઈ વાતના દોરને આગળ વધારતાં કહે છે, ‘સરેરાશ ૩૦-૩૫ ટકા લોકો ગ્રુપ એક્સરસાઇઝ પસંદ કરી રહ્યા છે. એમાં એક દિવસ યોગ, બીજા દિવસે ઝુમ્બા, ત્રીજા દિવસે ટ્રૅમ્પોલિન એ રીતે પાંચ દિવસ દરમિયાન અલગ-અલગ એક્સસાઇઝ ડિઝાઇન થાય છે. અલગ-અલગ વર્કઆઉટથી ઇન્જરી થવાના ચાન્સ વધે છે તેથી જો તમે કોઈ એક વર્કઆઉટ પસંદ કરો છો તો એને જ પકડીને આગળ ચાલો તો જ રિઝલ્ટ મળશે. ફિટનેસ ઇન્ડસ્ટ્રીમાં ટ્રૅમ્પોલિન વર્કઆઉટ એ વાવાઝોડા જેવો છે. જેવો ગાજ્યો છે એટલી જ શાંતિથી ક્યારે જતો રહેશે એની ખબર નહીં પડે. મહિનામાં બાર દિવસ વર્કઆઉટ કરાવવામાં આવે તો આ વર્કઆઉટ ફાયદો આપે છે, પણ એ કરાવવાનું સરખું જ્ઞાન ગણ્યાગાંઠ્યા લોકો પાસે હશે. વર્કઆઉટને વ્યક્તિની ફિટનેસ પ્રમાણે પ્લાન કરવાની જરૂર છે. જમ્પિંગ માટે બૉડીના મસલ્સ યુઝ થતા હોવાથી અઠવાડિયામાં એક વખત કરો તો ઠીક છે પણ આ જ કસરત અઠવાડિયામાં ત્રણ વખત કરવામાં આવે તો થાક લાગે છે અને એને રિકવર થતાં સમય લાગે છે.

રિસ્ક ફૅક્ટર વધુ

ટ્રૅમ્પોલિન વર્કઆઉટ સાથે સંકળાયેલા રિસ્ક વિશે વાત કરતાં રિતેશ શાહ કહે છે, ‘ટ્રૅમ્પોલિન વર્કઆઉટને લીધે લોઅર બૉડીમાં ઇન્જરી થવાના ચાન્સ વધી જાય છે. એના વિકલ્પ તરીકે યોગ, એરિયલ યોગ, બંજી વર્કઆઉટને અપનાવી શકાય. આમાં તમારું આખું શરીર ટ્રેઇન થાય છે પણ ટ્રૅમ્પોલિનમાં લોઅર બૉડીની જ કસરત વધુ થાય છે. હું આ વર્કઆઉટને નિયમિત કરવાની સલાહ નથી આપતો. ટ્રૅમ્પોલિન ડિઝર્ટ જેવું છે, જેને ખાધા પછી લઈ શકાય. એવી રીતે આ વર્કઆઉટને રેગ્યુલર કે મેઇન વર્કઆઉટ તરીકે કરી શકાય નહીં. મુંબઈમાં પહેલેથી જ જગ્યાનો અભાવ છે ત્યારે જિમમાં એકસાથે ૧૫-૨૦ ટ્રૅમ્પોલિનને સ્ટોર કરીને રાખવા મુશ્કેલ છે. ટ્રૅમ્પોલિનનું મેઇન્ટેનન્સ પણ બહુ મોંઘું હોય છે. જો ટ્રેઇનર બરાબર ધ્યાન ન રાખે અને ડૅમેજ ટ્રૅમ્પોલિન પર પ્રૅક્ટિસ કરવામાં આવે તો મસલ્સ અને હાડકાંમાં ગંભીર ઈજા થઈ શકે છે. શરીરની ફલેક્સિબિટી સારી હોય અથવા છ-આઠ મહિનાથી જિમ કરતા હોય અને સ્કિપિંગ-જમ્પિંગ સારું હોય તો તમે ટ્રૅમ્પોલિન વર્કઆઉટ કરી શકો. શરૂઆતમાં જ ટ્રૅમ્પોલિન વર્કઆઉટ કરવું જોખમી નહીં, અતિજોખમી સાબિત થશે. આ વર્કઆઉટ પહેલાં વૉર્મઅપ કરવું મસ્ટ છે. રેગ્યુલર એક્સરસાઇઝ કરતા લોકોને આ વર્કઆઉટ ફાયદો આપી શકે. રોજ એકના એક મૉનોટોનસ વર્કઆઉટથી કંટાળીને નવું કરવાની ઇચ્છા રાખતા હોય તો ટ્રૅમ્પોલિન વર્કઆઉટ મૂડ ફ્રેશ કરી દેશે.’

શું કહે છે આૅર્થોપેડિક ડૉક્ટર?
ગોરેગામમાં રહેતા અને બૉમ્બે અને હિન્દુજા હૉસ્પિટલ સાથે સંકળાયેલા સ્પોર્ટ્‌સ ઍન્ડ ઇન્જરી સ્પેશ્યલિસ્ટ અનુભવી ઑર્થોપેડિક ડૉ. હેતલ ચિનીવાલા ટ્રૅમ્પોલિન વર્કઆઉટ વિશે તેમનાં મંતવ્યો રજૂ કરતાં કહે છે, ‘ટ્રૅમ્પોલિન વર્કઆઉટના આમ કોઈ મેજર ફાયદા નથી, પણ લોકો દેખાદેખીમાં કરે છે અને ઈજાગ્રસ્ત થાય છે. ટ્રૅમ્પોલિનમાં ઘણી વાર તમારા કોર મસલ્સ એટલે કે પેટ, હિપ અને કમરના સ્નાયુમાં સ્ટ્રૅન્ગ્થ ન હોય તો ગંભીર ઈજા થાય છે. પગમાં ફ્રૅક્ચર, કમર કે ઘૂંટણની ઇન્જરી, લિગામેન્ટ કે ઍન્કલના બોનમાં ફ્રૅક્ચર થવાની ભારોભાર શક્યતા છે. મારી પાસે આવા વર્કઆઉટને કારણે ઈજા પહોંચી એવા ઘણા કેસ આવે છે. તેમને પગમાં કે પગની ઘૂંટીમાં ફ્રૅક્ચર થાય છે અથવા સ્પાઇનલ ઇન્જરી થાય છે. મુંબઈમાં પૉપ્યુલર થઈ રહેલા ટ્રૅમ્પોલિન પાર્કમાં લોકો મજા માટે કૂદકા મારવા જાય છે, પણ થોડા સમયની મજા લાઇફટાઇમની સજામાં પરિવર્તિત થઈ જાય છે. કમર, હિપ અને ઍન્કલમાં જો ઈજા પહોંચે તો તેને આખું જીવન સહન કરવું પડે. તેથી તમે ટ્રૅમ્પોલિન વર્કઆઉટ માટે સક્ષમ છો કે નહીં એ માટે ડૉક્ટરને પૂછવું પડે. બિગિનર લોકોને આ વર્કઆઉટ સજેસ્ટ ન કરી શકાય.’

રાખો આટલું ધ્યાન

જમ્પિંગ કરશો તો હાર્ટ-રેટ વધશે તેથી પહેલાં સ્ટૅમિના ચેક કરાવી લેવો.

ઘૂંટણમાં દુખાવો હોય તો ટ્રૅમ્પોલિન વર્કઆઉટ વધુ ગંભીર ઈજા પહોંચાડી શકે છે.

સ્ક્વૉટ્સ મારી શકો છો અને જમ્પિંગ એક્સરસાઇઝ કરી હોય અને ફાવતી હોય તો જ આ વર્કઆઉટ કરવું.

આ કાર્ડિયોનો પર્યાય છે તેથી જમ્પ કરતી વખતે હાર્ટ-રેટ વધે તો રેસ્ટ લઈ લેવો.

ટ્રૅમ્પોલિન વર્કઆઉટ સરેરાશ ૪૦ મિનિટથી વધારે હોવો ન જોઈએ. થાક લાગે તો પાંચ મિનિટનો વિરામ લઈ શકાય. આ સમયમાં વૉર્મઅપ અને સ્ટ્રેચિંગ પણ આવી જાય.

ટ્રૅમ્પોલિન વર્કઆઉટના ફાયદા

કોઈ સર્ટિફાઇડ ટ્રેઇનરના માર્ગદર્શન હેઠળ આ વર્કઆઉટ કરવામાં આવે તો વેઇટલૉસ કરતા લોકો માટે કારગર સાબિત થાય છે.

કાર્ડિયોવૅસ્ક્યુલર સિસ્ટમ એટલે કે હૃદયને લોહી પૂરું પાડતી નસોની સિસ્ટમને પણ એ ઇમ્પ્રૂવ કરે છે.

બ્લડ-સર્ક્યુલેશન સુધારવા માટે ટ્રૅમ્પોલિન વર્કઆઉટને શ્રેષ્ઠ માનવામાં આવે છે.

બોન ડેન્સિટી સુધારે છે અને ઑસ્ટિયોપોરોસિસ એટલે કે હાડકાં નબળાં પડવાની સંભાવના ઓછી થાય છે.

ડિપ્રેશનમાં હોય એવી વ્યક્તિને ટ્રૅમ્પોલિન વર્કઆઉટ માટેની ભલામણ અપાય છે. આ વર્કઆઉટને લીધે શરીરમાંથી હૅપી હૉર્મોન્સ રિલીઝ થાય છે જેને લીધે તનાવ દૂર થાય છે અને મન ખુશ રહે છે.

એ મેટાબોલિઝમના સ્તરને પણ વધારે છે જેને લીધે શરીરને વધુ એનર્જી મળે છે. 

life and style health tips mental health columnists