બાળકના હાથ-પગના સાંધા દુખે છે

16 December, 2022 05:37 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આર્થ્રાઇટિસસમાં બાળકને સાંધામાં દુખાવો તો થાય જ છે, એની સાથે સ્કિન પર રેશ ઊપસી આવે છે અને તાવ પણ આવે છે.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

દીકરો ૪ વર્ષનો છે. તે પહેલેથી થોડો ઓછો ઍક્ટિવ છે. તે સવારે પથારીમાંથી જાતે બેઠો થઈ શકતો નથી. સવારે તેને હાથ-પગના સાંધા વધુ દુખવાની ફરિયાદો કરતો રહે છે. તેને થોડા-થોડા સમયે તાવ આવી જાય છે એને કારણે તેના સાંધા દુખતા હશે? સ્કિન પર રૅશ પણ આવી જાય છે. ડૉક્ટરને લાગતું હતું કે મારા બાળકને રૂમૅટિક ફીવર છે, પરંતુ એની દવાથી કોઈ ફાયદો થયો નહિ. આજકાલ અમે નોટિસ કર્યું છે કે તેને દોડવામાં પણ તકલીફ થતી હોય છે. તેને કયા ડૉક્ટર પાસે લઈ જઈએ? 

તમે જે વર્ણવી રહ્યા છો એ ચોક્કસ કોઈ રૂમૅટૉઇડ આર્થ્રાઇટિસ કે રૂમૅટીઝમ સંબંધિત જ ગંભીર બીમારીનાં લક્ષણો છે. બિલકુલ ગફલતમાં રહ્યા વગર કોઈ પીડિયાટ્રિક રૂમૅટોલૉજિસ્ટ અને ઇમ્યુનોલૉજિસ્ટ પાસે બાળકને લઇ જાઓ. ચેક-અપ કરાવીને યોગ્ય નિદાન મળવું જરૂરી છે. બાળકોમાં આર્થ્રાઇટિસ જન્મજાત નથી હોતો, પરંતુ બાળક મોટું થાય પછી ધીમે-ધીમે શરીરમાં ડેવલપ થતો હોય છે. 

આ પણ વાંચો :  એવું ટચૂકડું એન્ડોસ્કોપ, જેનાથી બ્રેસ્ટ-કૅન્સરની સારવાર બનશે સરળ

મોટા ભાગના લોકો આર્થ્રાઇટિસને રૂમૅટિક ફીવર સાથે સરખાવે છે. આર્થ્રાઇટિસસમાં બાળકને સાંધામાં દુખાવો તો થાય જ છે, એની સાથે સ્કિન પર રેશ ઊપસી આવે છે અને તાવ પણ આવે છે. આ તાવ આવવાનું લક્ષણ મોટી ઉંમરના લોકોમાં જોવા મળતું નથી, પરંતુ બાળકોમાં તાવ આવે જ છે. આ તાવ આવવાને કારણે લોકોને લાગે છે કે આ રૂમૅટિક ફિવર છે અને એની દવા કરે છે, પરંતુ એ આર્થ્રાઇટિસ હોય છે એટલે હાલતમાં સુધારો થતો નથી.

આ પણ વાંચો : ગતિ ધીમી પડી રહી છે

દવાઓ અને ડૉક્ટર્સ બદલી-બદલીને જ્યારે લોકોને ખ્યાલ આવે છે કે બાળકને આર્થ્રાઇટિસ થયો છે ત્યાં સુધીમાં ક્યારેક થોડું મોડું થઈ જાય છે. આર્થ્રાઇટિસમાં પેઇન નાનું-સૂનું નથી હોતું કે બાળક સહન કરી લે. કદાચ શરૂઆતમાં એવું હોય કે પેઇન ઘણું ઓછું હોય, પણ ધીમે-ધીમે એ અસહ્ય બને છે. હાલમાં તમારું બાળક કશું ખાસ તકલીફમાં ન હોય એમ સમજીને ગફલતમાં ન રહેશો. ખાસ કરીને આવાં લક્ષણો હોય એટલે જરૂરી ટેસ્ટ કરાવવામાં આવે તો તરત નિદાન સામે આવી શકે છે. આમ, નિદાન અઘરું નથી. અઘરું છે ફક્ત એ સૂઝવું કે બાળકને પણ આર્થ્રાઇટિસ હોઈ શકે છે. તમે તાત્કાલિક નિષ્ણાત ડૉક્ટર પાસે જાઓ અને બાળકનો ઇલાજ કરાવો. 

columnists health tips