23 January, 2025 07:41 AM IST | Mumbai | Heena Patel
અખરોટમાંથી બનેલું તેલ
આજના જમાનામાં ખોટા આહાર અને ખરાબ જીવનશૈલીને કારણે કૉલેસ્ટરોલની સમસ્યા સામાન્ય થઈ ગઈ છે. શરીરમાં ખરાબ કૉલેસ્ટરોલનું પ્રમાણ વધી જાય તો એ હાર્ટ-અટૅક અને સ્ટ્રોક જેવી ગંભીર બીમારીને આમંત્રિત કરી શકે છે. એટલે એને કાબૂમાં રાખવું ખૂબ જરૂરી છે અને એમાં અખરોટનું સેવન ફાયદાકારક બની શકે છે
વધારે પડતા તળેલા તેલવાળા પદાર્થો, પ્રોસેસ્ડ ફૂડ, ડેરી પ્રોડક્ટ અને નૉનવેજ ખાવાથી કૉલેસ્ટરોલ વધે છે. એ સિવાય રોજિંદા જીવનમાં કસરતનો અભાવ, ધૂમ્રપાન અને દારૂનું સેવન, ડાયાબિટીઝ, બ્લડપ્રેશર, હાઇપોથાઇરોડિઝ્મ વગેરે જેવી હેલ્થ-કન્ડિશન્સને કારણે કૉલેસ્ટરોલની સમસ્યા થાય છે. કૉલેસ્ટરોલ ચીકણો ચરબી જેવો પદાર્થ છે જે લોહી અને શરીરના દરેક કોષમાં જોવા મળે છે. કૉલેસ્ટરોલ ચરબીને પચાવવામાં, કોષની દીવાલને મજબૂત બનાવવામાં અને હૉર્મોન ઉત્પન્ન કરવામાં મદદરૂપ બને છે. કૉલેસ્ટરોલ બે પ્રકારના હોય છે, એક ગુડ કૉલેસ્ટરોલ એટલે HDL અને બીજો બૅડ કૉલેસ્ટરોલ એટલે LDL. શરીરમાં ચીકણું અને જાડું ખરાબ કૉલેસ્ટરોલ રક્તવાહિનીઓમાં જામી જાય છે. એને કારણે બ્લડ-સર્ક્યુલેશનમાં તકલીફ થાય છે. આમ થવાથી શરીરના જે-તે ભાગને લોહી ઓછું મળે છે, પરિણામે હાર્ટ-અટૅક, સ્ટ્રોક (મગજનો લકવો) અને હાઈ બ્લડપ્રેશરની સમસ્યા થાય છે. એટલે શરીરમાં ખરાબ કૉલેસ્ટરોલના લેવલને કન્ટ્રોલમાં રાખવું જરૂરી છે. અનેક રિસર્ચમાં એ જોવા મળ્યું છે કે શરીરમાં બૅડ કૉલેસ્ટરોલ ઘટાડવામાં અખરોટનું સેવન ખૂબ જ ફાયદાકારક છે. અખરોટ કઈ રીતે કૉલેસ્ટરોલ ઘટાડવામાં મદદરૂપ બને, એના બીજા કયા હેલ્થ-બેનિફિટ્સ છે, દરરોજ કેટલા પ્રમાણમાં અખરોટ ખાવાં જોઈએ એ વિશે ડાયટિશ્યન મેઘના પારેખ શેઠ પાસેથી વિગતવાર જાણીએ.
કૉલેસ્ટરોલ ઘટાડે
અખરોટમાં ઓમેગા થ્રી ફૅટી ઍસિડ (આલ્ફા લીનોલેનિન ઍસિડ) હોય છે. પ્લાન્ટ-બેઝ્ડ ડાયટમાં મર્યાદિત વસ્તુમાં જ આ હેલ્ધી ફૅટ હોય છે. એમાં અખરોટ, બદામ, ફ્લેક્સ સીડ્સ (અળસીનાં બીજ), ઑલિવ ઑઇલ વગેરે જેવાં ફૂડ આવે. હેલ્ધી ફૅટને હાર્ટ-ફ્રેન્ડ્લી કહેવાય; જે આપણું સારું કૉલેસ્ટરોલ વધારીને ખરાબ કૉલેસ્ટરોલ ઓછું કરે છે. લોહીની નળીઓમાં કૉલેસ્ટરોલ જમા થઈ ગયું હોય તો એને ઘટાડવામાં પણ હેલ્ધી ફૅટ્સ મદદરૂપ બને છે. સાથે જ ઑમેગા-થ્રી શરીરમાં ઇન્ફ્લમેશન ઘટાડે છે. ઇન્ફ્લમેશનથી રક્તવાહિનીઓની દીવાલ સૂજી જાય છે, પરિણામે અંદર બ્લડ-સર્ક્યુલેશન માટેની જગ્યા સાંકડી થઈ જાય છે. એને કારણે હૃદયસંબંધિત બીમારીઓ, મગજનો લકવો, હાઈ બ્લડપ્રેશરનું જોખમ વધી શકે છે.
કેટલાં અખરોટ ખાવાં?
અખરોટ ખાવાથી કૉલેસ્ટરોલ ઘટાડવામાં મદદ મળે છે પણ દિવસમાં કેટલાં અખરોટ ખાવાં એનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. દરરોજ ૪-૫ એટલે કે દસથી પંદર ગ્રામ જેટલાં અખરોટ જ ખાવાં જોઈએ. અખરોટમાં હાઈ કૅલરી અને ફૅટ હોય છે એટલે એને વધુ પ્રમાણમાં ખાવાથી વજન વધવાની સમસ્યા થઈ શકે છે જે હાઈ કૉલેસ્ટરોલનું જોખમ ઊભું કરી શકે છે.
યાદશક્તિ વધારે
યાદશક્તિ સારી રાખવી હોય તો એ માટે પણ નિયમિત અખરોટનું સેવન કરવું જરૂરી છે. અખરોટ ઑમેગા-થ્રી ફૅટી ઍસિડ, ઍન્ટિ-ઑક્સિડન્ટ્સથી ભરપૂર હોય છે. એટલે દરરોજ અખરોટનું સેવન કરવાથી મગજને ઊર્જા મળે છે. યાદશક્તિ સુધરે છે. એકાગ્રતામાં વધારો થાય છે. એવી જ રીતે ડિમેન્શિયા અને ઑલ્ઝાઇમર્સ જેવી ઉંમર સંબંધિત બીમારીનું જોખમ ઘટાડે છે. એટલે જ અખરોટને બ્રેઇન ફૂડ કહેવામાં આવે છે.
પાચન સુધારે
એ સિવાય આંતરડાં (ગટ)ના સ્વાસ્થ્યને સારું રાખવામાં પણ અખરોટ મદદરૂપ બને છે, કારણ કે એમાં સારા પ્રમાણમાં ફાઇબર હોય છે. સવારે ખાલી પેટે પલાળેલાં અખરોટ ખાવાથી કબજિયાતની સમસ્યામાંથી રાહત મળે છે અને પાચન સુધરે છે. અખરોટ પ્રોબાયોટિક છે એટલે કે એ આપણા ગટમાં ગુડ બૅક્ટેરિયાના ગ્રોથને પ્રમોટ કરે છે. ભોજન પચાવવા માટે આપણાં આંતરડામાં અનેક બૅક્ટેરિયા હોય છે, જેને ગુડ બૅક્ટેરયા કહેવામાં આવે છે. શરીરમાં યોગ્ય રીતે પાચન થાય અને પોષક તત્ત્વો મળી રહે એ માટે સારા પ્રમાણમાં ગુડ બૅક્ટેરિયા જરૂરી છે.
હાડકાં-સાંધા મજબૂત કરે
અખરોટ સહિતના જે પણ નટ્સ છે એમાં પ્રોટીન, કૅલ્શિયમ, મૅગ્નેશિયમ, ઝિન્ક અને વિટામિન E જેવાં પોષક તત્ત્વો હોય છે જે આર્થ્રાઇટિસ જેવા સાંધાના રોગો સાથે સંબંધિત ઇન્ફ્લમેશનને ઘટાડવામાં મદદરૂપ બને છે. અખરોટનું નિયમિત સેવન કરવાથી હાડકાંઓ મજબૂત થાય છે તેમ જ એની ઘનતામાં પણ સુધારો થાય છે. પરિણામે ઑસ્ટિયોપોરોસિસના જોખમના ઘટાડવામાં મદદ મળે છે.
સ્કિન-હેર હેલ્થ
અખરોટમાં રહેલાં આવશ્યક ફૅટી ઍસિડ, વિટામિન્સ અને મિનરલ્સ ત્વચા અને વાળ માટે પણ ફાયદાકારક છે. એમાં રહેલું બાયોટીન હેર ફોલિકલ્સને સ્ટ્રેન્ગ્થન કરીને વાળને મજબૂત બનાવે છે. ઑમેગા-થ્રી ફૅટી ઍસિડ્સમાં રહેલી ઍન્ટિ-ઇન્ફ્લેમૅટરી પ્રૉપર્ટીઝ સ્કૅલ્પ ઇન્ફ્લમેશન અને ડૅન્ડ્રફને ઘટાડવામાં મદદ કરે છે. એમાં રહેલું વિટામિન E વાળને હાઇડ્રેટેડ રાખે છે તેમ જ એના ટેક્સ્ચર અને ઓવરઑલ હેલ્થ સુધારે છે. એટલે લાંબા, મજબૂત અને ચમકદાર વાળ જોઈતા હોય તો નિયમિત અખરોટનું સેવન કરવું જોઈએ. એ સિવાય તમે અઠવાડિયામાં બેથી ત્રણ વાર અખરોટના તેલથી હળવા હાથે હેરમસાજ કરો તો પણ એનો ફાયદો મળે. અખરોટ ખાવાથી ત્વચાને પણ ફાયદો મળે છે. એમાં રહેલાં ફૅટી ઍસિડ્સ અને નૅચરલ ઑઇલ સ્કિનને હાઇડ્રેટેડ અને મૉઇશ્ચરાઇઝ રાખવાનું કામ કરે છે. અખરોટમાં રહેલાં ઍન્ટિઑક્સિડન્ટ્સ ફ્રી-રૅડિકલ્સની અસરને ઓછી કરીને અકાળ આવતા વૃદ્ધત્વથી બચાવે છે. ત્વચા પરની કરચલીઓ અને ફાઇન લાઇન્સ ઓછી કરે છે. આંખની નીચે કાળાં કૂંડાળાં હોય તો અખરોટનું તેલ લગાડવાથી ફાયદો મળે છે.
ડાયટમાં સમાવેશ
અખરોટ ખાવામાં સ્વાદિષ્ટ હોય છે એટલે તમે એને ડાયરેકટ ખાઈ શકો છો. એ સવાય તમે દૂધમાં કેળા, કોકો પાઉડર, ખજૂર અને અખરોટ મિક્સ કરીને સ્મૂધી બનાવીને ખાઈ શકો. માર્કેટમાં અખરોટનું કોલ્ડ પ્રેસ્ડ ઑઇલ પણ મળે છે, જેનો ઉપયોગ સૅલડ ડ્રેસિંગ માટે થાય છે. અખરોટના તેલનો ઉપયોગ કુકિંગ માટે કરવાની ભલામણ કરવામાં આવતી નથી, કારણ કે હીટના સંપર્કમાં આવવાથી એમાં રહેલાં પોષક તત્ત્વો નાશ પામે છે. એ યાદ રાખવું કે કાચાં અખરોટ જ ખાવામાં બેસ્ટ હોય છે. એટલે સૉલ્ટેડ અને ચૉકલેટ કોટિંગવાળાં શુગરી અખરોટ ખાવાનું ટાળવું જોઈએ.
ખાઓ, પણ સંભાળીને
અખરોટ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે પણ એનું વધુપડતું સેવન બીજી આડઅસર ઊભી કરી શકે છે. વધુપડતાં અખરોટ ખાવાથી મોઢામાં ચાંદાં પડી શકે છે, કારણ કે એની તાસીર ગરમ હોય છે. ઘણાને એની ઍલર્જી પણ હોય છે. આમાં જે પ્રોટીન હોય એ તેમનું શરીર પચાવી શકતું નથી. એના લીધે તેમને ત્વચા પર ફોલ્લીઓ થઈ જાય છે. અખરોટ પેટમાં ગરમી પેદા કરે છે, પરિણામે અલ્સરની સમસ્યા પણ થઈ શકે છે. એ સિવાય વધુપડતા અખરોટના સેવનથી ડાયેરિયા પણ થઈ શકે છે.