પૅલ્પિટેશન થાય છે

21 November, 2022 05:52 PM IST  |  Mumbai | Dr. Bipeenchandra Bhamre

હૃદય જ્યારે જોરથી કે ઝડપથી ધબકવા લાગે, એકાદ ધબકારો વચ્ચે ચૂકી જાય એવું લાગે કે પછી જેમ શરીરમાં નસ ફડકતી હોય એમ હૃદય ફડકતું હોય એમ લાગે એને હૃદયનું પૅલ્પિટેશન કહે છે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

હું ૩૨ વર્ષનો છું અને મને આજકાલ અચાનક જ દિવસ દરમ્યાન ખૂબ ગભરામણ થાય છે અને એકદમ જ ધબકારા વધી જાય છે. એક દિવસ તો મને લાગ્યું કે જાણે હાર્ટ સીધું હાથમાં જ આવી જશે, એટલું જોરથી ધબક્યું હતું. પહેલાં મને લાગ્યું કે આ કોઈ પૅનિક અટૅક છે કે સ્ટ્રેસને કારણે આવું થાય છે. એમ ધારીને મેં જાતને એકદમ રીલેક્સ કરી તો ધબકારા શાંત થતા લાગ્યા, પરંતુ પછી જ્યારે કોઈ સ્ટ્રેસ હતો નહીં ત્યારે પણ આવું થયું. સતત ત્રણ દિવસ સુધી આવું થયા કર્યું. શું આ કોઈ ગંભીર ઘટના છે? ઘરનાને સમજાતું જ નથી કે આ પૅલ્પિટેશન હોય છે શું.

આજકાલ ઘણા લોકોના મોઢે સાંભળવા મળે છે કે પૅલ્પિટેશન થાય છે મને. જેને ક્યારેય પૅલ્પિટેશન નથી થયું એને ખબર નહીં પડે કે તમને શું થાય છે એકદમ. હૃદય જ્યારે જોરથી કે ઝડપથી ધબકવા લાગે, એકાદ ધબકારો વચ્ચે ચૂકી જાય એવું લાગે કે પછી જેમ શરીરમાં નસ ફડકતી હોય એમ હૃદય ફડકતું હોય એમ લાગે એને હૃદયનું પૅલ્પિટેશન કહે છે. આ પૅલ્પિટેશન જરૂરી નથી કે છાતીમાં જ અનુભવાય. ક્યારેક એ ગળામાં અને ગરદનમાં પણ અનુભવાય છે. મહત્ત્વની વાત એ છે કે પૅલ્પિટેશન એક અનુભૂતિ જ છે. ધબકારા યોગ્ય ન હોવાની અનુભૂતિ. આ અનુભૂતિ તમને ડરાવી શકે છે કે હેરાન કરી શકે છે. મોટા ભાગે આ થવા પાછળ ગંભીર કારણો નથી હોતાં કે નથી એ હંમેશાં નુકસાનકારક હોતી અને પોતાની મેળે જ એ ઠીક થઈ જતી હોય છે, પરંતુ સમજવા જેવી વાત એ છે કે શરીરમાં કોઈ વસ્તુ વગર કારણે દેખા દેતી નથી.

જ્યારે પૅલ્પિટેશન થાય છે ત્યારે એની સાથે બીજાં ચિહ્‍‍નો હોય તો એ પૅલ્પિટેશનનું લક્ષણ ગંભીર ગણાય છે અને એ ઇમર્જન્સી ગણી શકાય, જેમાં તાત્કાલિક હૉસ્પિટલ ભાગવું જરૂરી છે. આ લક્ષણો છે શ્વાસમાં તકલીફ, છાતીમાં દુખાવો, તમ્મર આવે કે ચક્કર આવે અને માથું હળવું લાગે તો સમજવું કે હૉસ્પિટલ ભાગવું પડશે, કારણ કે આ બતાવે છે કે તમને હાર્ટની તકલીફ છે, જેમ કે એરીધમિઆ, હાર્ટ અટૅક, કૉરોનરી આર્ટરી ડિસીઝ, જન્મજાત હાર્ટમાં કોઈ ખામી, હાર્ટના વાલ્વમાં કોઈ તકલીફ, હાર્ટના સ્નાયુઓમાં ઉદ્ભવતી તકલીફ વગેરે. આ કોઈ રોગના લક્ષણરૂપે પૅલ્પિટેશન થઈ શકે છે અને એની સાથે બીજાં લક્ષણો ભળે એટલે સમજવું કે હૉસ્પિટલ જવું જરૂરી છે. જો આવું કઈ ન થતું હોય તો તમે ધ્યાન આપો અને સમજવાની કોશિશ કરો કે કેમ તમને આ થાય છે. ન સમજાય તો મેડિકલ હેલ્પ લઈ શકાય.

columnists health tips life and style