કાચાં કેળાં માત્ર જૈનો માટે જ નહીં, ડાયાબેટિક લોકો માટે પણ ઉત્તમ છે

03 September, 2024 12:21 PM IST  |  Mumbai | Sejal Patel

તમામ જૈન રેસિપીમાં બટાટાની અવેજીમાં લીલાં કેળાં વપરાય છે. આ બદલાવ કંદમૂળનો શ્રેષ્ઠ વિકલ્પ તો છે જ અને સાથે હાર્ટ, બ્લડશુગર, કૉલેસ્ટરોલના દરદીઓ માટે પણ સ્વાદિષ્ટ અને સેહતભર્યો વિકલ્પ છે.

કાચાં કેળાં

તમામ જૈન રેસિપીમાં બટાટાની અવેજીમાં લીલાં કેળાં વપરાય છે. આ બદલાવ કંદમૂળનો શ્રેષ્ઠ વિકલ્પ તો છે જ અને સાથે હાર્ટ, બ્લડશુગર, કૉલેસ્ટરોલના દરદીઓ માટે પણ સ્વાદિષ્ટ અને સેહતભર્યો વિકલ્પ છે. આજે જાણીએ લાજવાબ લીલાં કેળાંના ફાયદાઓ વિશે. જોકે સાથે જ વધુપડતાં પાકી ગયેલાં કેળાંને પણ કેમ ફેંકવાં ન જોઈએ એ પણ વાંચી લેજો

કાચાં કેળાં હવે માત્ર લોકલ નથી રહ્યાં, ગ્લોબલ બની ગયાં છે. માત્ર બટાટાના વિકલ્પ તરીકે જ રૉ બનાના વપરાય એવું નથી રહ્યું. બેકરી અને ગ્લુટન-ફ્રી આઇટમોમાં ઘઉંને પણ કાચાં કેળાંએ રિપ્લેસ કરી દીધાં છે. કાચાં કેળાંની વેફર તો ઢગલાબંધ વેચાય છે. જ્યારે વેઇટલૉસ માટે મથતા લોકો જીભના સ્વાદ માટે બટાટા છોડી નથી શકતા ત્યારે કાચાં કેળાં પર પસંદગી ઉતારે છે. તો શું આ બદલાવ સારો છે? ચાલો, જાણવાની કોશિશ કરીએ લીલાં કેળાં કઈ રીતે પાકાં કેળાંથી જુદાં છે અને ભોજનમાં કઈ રીતે એનો સમાવેશ કરવો ઉત્તમ રહેશે.

કેળાંના ત્રણ પ્રકાર

કેળાં એક એવું ફળ છે જે ખૂબ સસ્તું, ભારત જ નહીં, કોઈ પણ દેશમાં સહેલાઈથી મળી આવતું અને પોષક તત્ત્વોથી ભરપૂર છે. પાકાં કેળાં એની શુગર-કન્ટેન્ટને કારણે તમારા ડાયટમાં સીમિત માત્રામાં રહે એ જરૂરી છે, પરંતુ કાચાં કેળાંમાં એ મુશ્કેલી નથી આવવાની. મુલુંડનાં ડાયટિશ્યન જિનલ સાવલા કહે છે, ‘કેળાં દરેક રીતે ગુણકારી છે. જોકે એના ત્રણ પ્રકાર છે. એક તો લીલાં એટલે કે રૉ. બીચો છે પાકાં એટલે કે રાઇપ્ડ અને ત્રીજા છે ઓવર રાઇપ્ડ એટલે કે સ્કિન થોડી કાળી પડવા માંડી હોય અને ફળ પોચું થઈ ગયું હોય એટલાં પાકી ગયેલાં કેળાં. આ ત્રણેય પ્રકારનાં ફળ એ હકીકતમાં પ્રકાર નથી, પરંતુ એ હાર્વેસ્ટ થયા પછી કઈ અવસ્થામાં છે એ બતાવે છે. એને કારણે મિનરલ્સ, વિટામિન્સ અને માઇક્રોન્યુટ્રિઅન્ટ્સની બાબતમાં લગભગ સમાન પોષક તત્ત્વો ધરાવે છે.’

કાચાં કેળાંનો સ્ટાર્ચ

રૉ, રાઇપ્ડ અને ઓવર રાઇપ્ડ કેળાંમાં જે મુખ્ય તફાવત હોય છે એ છે સ્ટાર્ચનો અને એ જ કાચાં કેળાંને સુપર હેલ્ધીની કૅટેગરીમાં મૂકે છે એમ સમજાવતાં જિનલ સાવલા કહે છે, ‘રૉ બનાનામાં જે સ્ટાર્ચ હોય છે એ પચવામાં રેઝિસ્ટન્ટ હોય છે. એમાં ફાઇબરનું પ્રમાણ વધુ હોય છે અને આ એવું સ્ટાર્ચ છે જે શુગર-લેવલ અચાનક જ વધારતું નથી. પાકાં કેળાંમાં જે સિમ્પલ શુગર હોય છે એને કારણે એ ઝટપટ પચી જાય છે અને લોહીમાં શુગરનું લેવલ ઝડપથી વધારે છે, પરંતુ કાચાં કેળાંનો સ્ટાર્ચ ધીમે-ધીમે પચે છે. આ જ ફરક બટાટા અને કાચાં કેળાં વચ્ચેનો છે. બટાટાંમાંનો સ્ટાર્ચ પણ ઊંચો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ધરાવતો હોવાથી ઝટપટ પચે છે અને જલદી શુગર-લેવલ સ્પાઇક કરે છે. રૉ બનાનાનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ નીચો હોવાથી એ ધીમે-ધીમે પચે છે અને લાંબા સમય સુધી એનાથી પેટ ભરાયેલું લાગે છે. હજી એક બીજી વિશિષ્ટ વાત એ છે કે કાચાં કેળાંમાં જે રેઝિસ્ટન્ટ સ્ટાર્ચ છે એ પ્રી-બાયોટિક ગુણ ધરાવે છે. મતલબ કે આપણાં આંતરડાંમાં રહેલા સારા બૅક્ટેરિયાનો એ ખોરાક છે. કાચાં કેળાંનો ખોરાક મળતાં ગુડ બૅક્ટેરિયા ખુશ થઈને મલ્ટિપ્લાય થાય છે જે ઓવરઑલ ખોરાક પાચનની પ્રક્રિયાને અને પાચન થયા પછી પોષણની લોહીમાં ભળવાની ક્રિયાને મજબૂત બનાવે છે. કબજિયાત હોય તો પણ આ સ્ટાર્ચ સારો છે અને લુઝ મોશન્સ થાય તો પણ એ ફાયદાકારક છે.’

ડાયાબિટીઝ માટે બેસ્ટ

પેટમાં સારા બૅક્ટેરિયાનું પ્રમાણ વધવાથી શૉર્ટ-ચેઇન્ડ ફૅટી ઍસિડ્સનો સ્રાવ સારો થાય છે અને એ પણ પાચનક્રિયા સુધારે છે. કાચાં કેળાંમાં જે મીઠાશ કે કાર્બોહાઇડ્રેટ હોય છે એ સ્ટાર્ચના ફૉર્મમાં હોય છે જે ધીમે-ધીમે પચતું હોવાથી આપમેળે શરીરને શુગર મૉનિટર રાખવામાં મદદરૂપ થાય છે. એક પાકું કેળું ખાઓ તો તરત જ એનાથી લોહીમાં શુગર-લેવલ વધશે, પણ એક કાચાં કેળાંનું શાક ખાશો તો શુગર વધવાનું પ્રમાણ ધીમું અને કન્સિસ્ટન્ટ રહેશે. જિનલ સાવલા કહે છે, ‘ડાયાબિટીઝના દરદીઓ જો ભોજનમાં બટાટાને બદલે રૉ બનાના વાપરશે તો એનાથી અચાનક જ શુગર સ્પાઇક થવાની તકલીફમાં ઘટાડો જોવા મળશે. કાચાં કેળાં આમેય ટેસ્ટની બાબતમાં બટાટાની ગરજ સારે એવાં હોય છે. જો કાચાં કેળાંની સાથે છાલને પણ બરાબર ધોઈને શાક બનાવવામાં વાપરવામાં આવે તો એમાં અલગ પ્રકારનું ફાઇબર કન્ટેન્ટ હોય છે જે પેટ ભરાયેલું હોવાની તૃપ્તિ ઝડપથી કરાવે છે.’

આર્થ્રાઇટિસમાં મદદરૂપ

હાડકાં નબળાં પડવાને કારણે થતો ઑસ્ટિઓઆર્થ્રાઇટિસ હોય કે પછી ઇન્ફ્લમેશનને કારણે સાંધા સૂજી જવાથી થતો રૂમેટૉઇડ આર્થ્રાઇટિસ બન્નેમાં કાચાં કેળાં ખૂબ કામનાં છે એમ જણાવતાં જિનલ સાવલા કહે છે, ‘કાચાં કેળાંમાં કૅલ્શિયમ સારુંએવું હોય છે. વળી એમાં સોજો ઘટાડે એવાં કુદરતી મિનરલ્સ પણ સારીએવી માત્રામાં હોય છે એને કારણે સાંધામાં સોજો અને દુખાવો ઘટે છે અને હાડકાં મજબૂત કરવામાં પણ મદદરૂપ થાય છે.’

‍બીજા પણ અનેક ફાયદા

મસલ ક્રૅમ્પ્સ: એક કાચા કેળામાં રોજિંદી જરૂરિયાતનું ૭થી ૮ ટકા જેટલું મૅગ્નેશિયમ મળી જાય છે. આ મિનરલ મસલને રિલૅક્સ કરે છે અને સ્લીપ માટે બહુ જરૂરી છે.

મૂડ ડિસઑર્ડર અને ડિપ્રેશન:  કાચાં કેળાં અને પાકાં કેળાં બન્ને ખાધા પછી નર્વસ સિસ્ટમ પર બહુ જ હૅપી અસર પડે છે. એમાં રહેલાં મિનરલ્સ મગજમાંથી હૅપી હૉર્મોન ડોપામિનનો સ્રાવ કરાવે છે જેને કારણે મૂડ ઇશ્યુઝ, ડિપ્રેશનમાં ફાયદો થાય છે.

પ્રી-વર્કઆઉટ ફૂડ:  જ્યારે પણ વધુ એનર્જીની જરૂર પડે એવું કામ કરવાનું હોય કે વર્કઆઉટ કરવાનું હોય ત્યારે એક પાકું કેળું ખાવાથી એનર્જી બૂસ્ટ થશે. ડાયાબેટિક લોકો કાચા કેળાની વાનગી પણ ખાઈ શકે છે.


ડાયટિશ્યન 
જિનલ સાવલા

વધુપડતાં પાકી ગયેલાં કેળાંના પણ છે અઢળક ફાયદા

જેની સ્કિન કાળી પડી જાય અને અંદરથી ગર પણ પોચો પડી જાય ત્યારે લોકો મોટા ભાગે એવા કેળાને ફેંકી દે‍ છે, પણ આવાં કેળાં તો ગુણોની ખાણ છે એમ જણાવતાં જિનલ સાવલા કહે છે, ‘અનેક અભ્યાસમાં ઓવર રાઇપ્ડ કેળાંમાં જોવા મળ્યું છે કે એમાં ટ્યુમર નેક્રોસિસ ફૅક્ટર ડેવલપ થાય છે જે કૅન્સરના કોષોને મલ્ટિપ્લાય થતા અટકાવે છે. હાર્ટ બર્નની તકલીફ  હોય, ઍસિડિટી હોય એમાં પણ પાકાં કેળાંનો ઉપયોગ નૅચરલ રેમેડી બની શકે છે. હવે પછીથી વધુપડતાં પાકી ગયેલાં કેળાંને ફેંકી દેવાને બદલે એને ફ્રોઝન કરીને સાચવી રાખવાં. આવું કેળું ન્યુટ્રિશનની દૃષ્ટિએ તો ઉત્તમ છે જ, પણ સાથે કોઈ બેકરી-આઇટમમાં ઉમેરશો તો નૅચરલ શુગરની ગરજ સારશે. ફ્રોઝન પાકું કેળું કેક, ડિઝર્ટ કે પૅન કેક બનાવવામાં વાપરો અને લોટમાં ઉમેરીને ફેંટો તો એ એગ રિપ્લેસમેન્ટ બની શકે છે. એનાથી બૅટરમાં ફ્લફીનેસ આવી જાય છે. પાકું કેળું કોઈ પણ વાનગીમાં નૅચરલ શુગર તરીકે ઍડ કરશો તો ચાલશે. ડાયાબિટીઝની તકલીફ હોય તો પાકું કેળું ઓછું ખાવું જોઈએ, પરંતુ નૅચરલ શુગર સપ્લિમેન્ટ તરીકે એ ઉત્તમ છે.’

health tips jain community life and style