23 September, 2024 12:30 PM IST | Mumbai | Heena Patel
પ્રતીકાત્મક તસવીર
થોડા સમય પહેલાં જ અભિનેતા બૉબી દેઓલે કહ્યું કે મારું મનપસંદ શાક દૂધી છે. બાળપણમાં તેને દૂધી ગમતી નહોતી, પણ પછી તે એના પ્રેમમાં પડી ગયો. અનેક વિટામિન્સ, મિનરલ્સ અને ફાઇબરથી ભરપૂર દૂધી ખાવાના ફાયદા જાણ્યા બાદ બની શકે કે જેમને ન ભાવતી હોય તેમને પણ દૂધી પસંદ પડવા માંડે તો નવાઈ નહીં
થોડા સમય પહેલાં સોશ્યલ મીડિયા પર અભિનેતા બૉબી દેઓલનો વિડિયો વાઇરલ થયો હતો જેમાં તે કહે છે કે, ‘દૂધી મારું મનપસંદ શાક છે. હું નાનો હતો ત્યારે મને દૂધીનું શાક જરાય ગમતું નહોતું, પણ પછી મને એ ખૂબ ભાવવા લાગ્યું. હવે તો દૂધી એટલી ગમે છે કે હું એ દરરોજ ખાઈ શકું.’
બૉબી દેઓલના ઘરે રાતના ભોજનમાં દૂધી, તુરિયાં, ટીંડોળાં જેવાં શાકભાજી જ બને છે. આ શાકભાજી પચવામાં પણ સારાં પડે. આમ તો દૂધીના શાકનું નામ સાંભળતાં જ મોઢું બગાડનારા લોકોની કમી નથી, પણ દૂધી ખાવાથી શરીરને અનેક સ્વાસ્થ્ય સંબંધી લાભ મળે છે એટલે આજે દૂધી ખાવાના ફાયદા નિષ્ણાત પાસેથી જાણી લઈએ જેથી તમે દૂધીને મોઢું બગાડીને ખાવા કરતાં હોંશે-હોંશે ખાઓ.
ડાયટિશ્યન અપેક્ષા ઠક્કર
ઠંડી અને રીફ્રેશિંગ
દૂધી ખાવામાં ભલે મોળી લાગતી હોય પણ એ ખાવાથી શરીરને કયા ફાયદા મળે છે એ વિશે વાત કરતાં ૧૮ વર્ષનો અનુભવ ધરાવતાં મુલુંડનાં ડાયટિશ્યન અપેક્ષા ઠક્કર કહે છે, ‘દૂધીમાં અંદાજે ૯૦-૯૨ ટકા પાણી હોય છે, જે શરીરને હાઇડ્રેટ રાખવાનું કામ કરે છે. દૂધીમાં રહેલી કૂલિંગ પ્રૉપર્ટીઝ શરીરને ઠંડક આપવાનું અને રીફ્રેશ રાખવાનું કામ કરે છે એટલે ઘરના વડીલો ખાસ કરીને ગરમીની સીઝનમાં દૂધીનું સેવન કરવા પર ભાર મૂકતા હોય છે. કોઈ પણ શાકભાજી જેમાં વૉટર કન્ટેન્ટ (પાણીનો ભાગ) વધુ હોય એમાં કૅલરી ઓછી હોય છે. એટલે દૂધી વજન ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે. વેઇટ મૅનેજમેન્ટ માટે ઘણા ડાયટિશ્યન દૂધીનું જૂસ પીવાની સલાહ આપતા હોય છે. દૂધીમાં ફાઇબર અને પાણી વધુ હોય છે, જ્યારે કૅલરી ઓછી હોય છે. એટલે દૂધી લાંબા સમય સુધી તમારું પેટ ભરેલું રાખે છે જેથી કૅલરી ઇન્ટેક પણ કન્ટ્રોલમાં રહે છે.’
ડિટૉક્સિફિકેશન કરે
જનરલી કબજિયાતની સમસ્યા અપૂરતા પાણીનું સેવન અથવા તો લો ફાઇબર ઇન્ટેકને લીધે થાય છે અને દૂધી એમાં ખૂબ મદદરૂપ છે એમ જણાવતાં ડાયટિશ્યન અપેક્ષા કહે છે, ‘દૂધીમાં રહેલું પાણી અને ફાઇબર પાચનતંત્રને સ્વસ્થ રાખવાનું કામ કરે છે. કબજિયાતની સમસ્યા હોય એ લોકો તેમના ડાયટમાં દૂધીનો સમાવેશ કરે તો તેમને રાહત મળી શકે. શરીરમાંથી ટૉક્સિન્સને બહાર કાઢવાનું કામ લિવર કરે છે. દૂધીમાં રહેલા હાઈ વૉટર કન્ટેન્ટને કારણે એ લિવરને શરીરમાંથી ટૉક્સિન્સ બહાર કાઢવામાં મદદ કરે છે. આપણે જ્યારે વધુ પડતું ફાસ્ટ ફૂડ અને પ્રોસેસ્ડ ફૂડ ખાઈએ ત્યારે લાંબા ગાળે શરીરમાં ટૉક્સિન્સ જમા થાય છે. આ ટૉક્સિન્સને શરીરમાંથી બહાર કાઢવા માટે જેમાં વૉટર-કન્ટેન્ટ વધુ હોય એવાં ફળ-શાકભાજીનો સમાવેશ કરવો જોઈએ. દૂધી આપણા શરીરમાં ડિટૉક્સિફિકેશનનું કામ કરે છે એટલે સ્કિન-હેલ્થને સારી રાખવામાં પણ એ મદદ કરે છે. આપણી સ્કિન-હેલ્થને સારી રાખવામાં આપણા ડાયટની ખૂબ મહત્ત્વની ભૂમિકા હોય છે. એમાં રહેલાં વિટામિન્સ અને ઍન્ટિઑક્સિડન્ટ્સ શરીરમાંથી ફ્રી રેડિકલ્સને દૂર કરવાનું કામ કરીને સ્કિનને હેલ્ધી અને ગ્લૉઇંગ રાખવાનું કામ કરે છે એટલે ઘણા લોકો દૂધીના રસને ચહેરા પર પણ લગાડે છે.’
લો ફૅટ અને હાઈ ફાઇબર
દૂધીના વધુ ફાયદા ગણાવતાં ડાયટિશ્યન અપેક્ષા કહે છે, ‘હેલ્ધી બ્લડપ્રેશર લેવલને મેઇન્ટેન રાખવામાં પણ દૂધી મદદરૂપ થાય છે. એમાં રહેલું પોટૅશિયમ બ્લડ વેસલ્સને રિલૅક્સ રાખીને લોહીના પ્રવાહને સરખો રાખે છે. બીપીના પેશન્ટને અમે ખાસ કરીને દૂધીનું સેવન કરવાની સલાહ આપીએ છીએ, કારણ કે એ પોટૅશિયમનો એક સારો સ્રોત છે. ડાયટમાં દૂધીનો સમાવેશ કરો તો એ બ્લડ શુગર લેવલને નિયંત્રણમાં રાખે છે. દૂધીમાં પાણી અને ફાઇબરનું પ્રમાણ વધારે તેમ જ કૅલરીની માત્રા ઓછી હોવાથી એ ઇનસ્યુલિનના પ્રોડક્શનને સારું રાખે છે. ઇન્સ્યુલિન તમારી બૉડીમાં શુગરને સ્થિર કરવાનું કામ કરે છે. દૂધી ડાયાબેટિક પેશન્ટ માટે ખૂબ ફાયદાકારક હોય છે. ડાયાબિટીઝ એવી વસ્તુ છે જે આપણા શરીરમાં કયારેય એકલું ન રહે. એ પોતાની સાથે બીપી, કૉલેસ્ટરોલ, વજનવધારો બધું જ સાથે લઈને આવે. દૂધી બૅડ કૉલેસ્ટરોલને ઓછું કરવામાં પણ મદદ કરે છે, કારણ એમાં લો ફૅટ અને હાઈ ફાઇબર કન્ટેન્ટ હોય છે એટલે એ ઓવરઑલ હેલ્થ માટે ખૂબ સારું છે.’
રોગપ્રતિકારક શક્તિ વધારે
ઘણી વાર જેમને સારી ઊંઘ ન આવતી હોય એવા લોકો માટે પણ દૂધીનું જૂસ ફાયદાકારક છે એમ જણાવતાં ડાયટિશ્યન અપેક્ષા કહે છે, ‘દૂધીમાં રહેલી કામિંગ પ્રૉપર્ટીઝ તમારી બૉડી અને માઇન્ડને રિલૅક્સ રાખે છે એટલે અનિદ્રાથી પીડાતા પેશન્ટના ડાયટમાં ખાસ અમે દૂધીના જૂસનો સમાવેશ કરીએ છીએ. જે મહિલાઓ યુટીઆઇ એટલે કે યુરિનરી ટ્રૅક ઇન્ફેક્શનથી પીડાતી હોય તેમને પણ દૂધી ખાવાની સલાહ આપીએ છીએ. એમાં રહેલા હાઈ વૉટર કન્ટેન્ટ અને ડાયુરેટિક્સ પ્રૉપર્ટીઝને કારણે યુરિનરી ઇન્ફેક્શન માટે કારણભૂત બૅક્ટેરિયાને યુરિનના માધ્યમથી શરીરમાં બહાર કાઢવામાં દૂધી મદદરૂપ થાય છે એટલે યુરિન ઇન્ફેક્શનની સમસ્યામાં દૂધીનું સેવન કરવાથી સારું પરિણામ મળી શકે છે. દૂધીમાં રહેલા ઍન્ટિઑક્સિડન્ટ્સ આપણી ઇમ્યુન સિસ્ટમને પણ સારી રાખે છે. દૂધી વિટામિન-સી અથવા તો એસ્કોર્બિક ઍસિડનો સારો સ્રોત છે. વિટામિન-સી એક પાવરફુલ ઍન્ટિઑક્સિડન્ટ છે જે તમારી રોગપ્રતિકારક શક્તિને વધારવામાં મદદ કરે છે. દૂધીમાં કુદરતી રીતે જ આ વિટામિન-સી હોય છે.’
શાક સિવાય પણ બીજી અનેક રીતે ડાયટમાં લેવાય
દૂધીનો રેગ્યુલર ડાયટમાં કઈ રીતે સમાવેશ કરી શકાય એ વિશે માહિતી આપતાં ડાયટિશ્યન અપેક્ષા કહે છે, ‘દૂધીને તમે ઓછામાં ઓછા તેલ અને મસાલા સાથે પણ સ્વાદિષ્ટ બનાવી શકો છો. દૂધી એક એવી વસ્તુ છે જે વર્સેટાઇલ છે એટલે કે તમે એનું શાક તો બનાવી જ શકો, પણ સાથે-સાથે એનો જૂસ, સૂપ, રાયતું બનાવીને પણ તમારા ડાયટમાં સામેલ કરી શકો છો. બૉડીને ડિટૉક્સિફાય કરવા માટે સવારે દૂધીનો જૂસ પીવો.. જૂસને ટેસ્ટી બનાવવા માટે તમે એમાં ફુદીનો, લીંબુ, જીરાનો પાઉડર અને મીઠું મિક્સ કરી શકો છો. તમે ઇચ્છો તો દૂધી અને દહીંનું રાયતું પણ બનાવી શકો અને એને પરાઠાં કે મસાલા ખીચડી-રાઇસ સાથે સાઇડ ડિશ તરીકે ખાઈ શકો. દૂધીના વિવિધ પ્રકારના સૂપ પણ બની શકે અથવા પરાઠાં, થેપલાં કે મુઠિયાં બનાવીને ખાઈ શકો. દરરોજ દૂધીનું શાક ન ખાઈ શકાય, પણ દૂધીની આ રીતે અલગ-અલગ રેસિપી બનાવીને એને ડાયટમાં સામેલ કરી શકાય.’
કોણે સાવધાની રાખવી?
આમ તો દૂધી સ્વાસ્થ્ય માટે સારી છે, પણ એમ છતાં કયા લોકોએ એનું સેવન ટાળવું જોઈએ એ વિશે જણાવતાં ડાયટિશ્યન અપેક્ષા કહે છે, ‘જેમની ડાયજેસ્ટિવ સિસ્ટમ ડેલિકેટ છે અથવા જેમને ફાઇબરથી ભરપૂર ફૂડ ખાવાની આદત નથી તેમણે દૂધી ખાવાનું ટાળવું જોઈએ, કારણ કે તેમને દૂધી ખાધા પછી બ્લોટિંગ, ગૅસની સમસ્યા થઈ શકે છે. ઘણા લોકોને દૂધીની ઍલર્જી હોય તો એનું સેવન કર્યા બાદ ત્વચામાં ખંજવાળ આવે છે. દૂધીનું સેવન કરતાં પહેલાં હંમેશાં એ ચેક કરી લેવું જોઈએ કે એ સ્વાદમાં કડવી ન હોય. કડવી દૂધીમાં રહેલા ટૉક્સિન્સથી પેટમાં એવું ઝેરી દ્રવ્ય પેદા થાય છે કે એનાથી ઝાડા-ઊલટી, પેટમાં દુખાવા જેવી સમસ્યા થઈ શકે. કિડનીના પેશન્ટને હાઈ પોટૅશિયમવાળા પદાર્થ ખાવાનું ટાળવાની સલાહ આપવામાં આવે છે. દૂધીમાં પોટૅશિયમ સારા પ્રમાણમાં હોય છે એટલે કિડનીના પેશન્ટે ડૉક્ટરની સલાહ લીધા બાદ દૂધીનો ડાયટમાં સમાવેશ કરવા વિશે નિર્ણય લેવો જોઈએ.’