યુરિન રિપોર્ટમાં કીટોન્સ આવ્યા છે

07 February, 2024 08:03 AM IST  |  Mumbai | Dr. Meeta Shah

ડાયાબિટીઝના દરદીઓએ કોઈ પણ પ્રકારે પોતાની શુગરમાં ગફલત ન રાખવી જોઈએ. ડૉક્ટર કહે કે ઇન્સ્યુલિનની જરૂર છે તો ઇન્સ્યુલિન લેવું જ જોઈએ.

પ્રતીકાત્મક તસવીર

મારા પતિ ૭૨ વર્ષના છે. એમને છેલ્લાં ૧૫ વર્ષથી ડાયાબિટીઝ છે. શરૂઆતમાં તે ખૂબ ધ્યાન રાખતા, પરંતુ થોડા મહિનાથી તે ઘણા બેદરકાર બની ગયા છે. ડૉક્ટરે તેમને ઇન્સ્યુલિન ચાલુ કરવા કહ્યું, પરંતુ તે ઇન્સ્યુલિન લેતા નથી, દવાઓ જ લે છે. હાલમાં અમે તેમની યુરિન ટેસ્ટ કરાવી, જેમાં કીટોન જેવું કશું આવ્યું છે. જોકે એ ઓછી માત્રામાં છે. શું કોઈ ચિંતાજનક વાત ખરી? 
    
ડાયાબિટીઝના દરદીઓએ કોઈ પણ પ્રકારે પોતાની શુગરમાં ગફલત ન રાખવી જોઈએ. ડૉક્ટર કહે કે ઇન્સ્યુલિનની જરૂર છે તો ઇન્સ્યુલિન લેવું જ જોઈએ. આ પ્રકારની ગફલત ઘાતક સાબિત થાય છે, જેની અસર તેમના યુરિન રિપોર્ટમાં દેખાય છે. જ્યારે શરીરમાં કોષોને એનર્જી માટે જરૂરી એવું ગ્લુકોઝ મળે નહીં ત્યારે શરીર એનર્જી મેળવવા માટે ફેટને બાળવા લાગે છે, આ પ્રોસેસમાં કીટોન્સ ઉત્પન્ન થાય છે. કીટોન્સ એક પ્રકારનું કેમિકલ્સ છે જે શરીરમાંથી જ ઉત્પન્ન થાય છે. ખાસ કરીને ત્યારે જ્યારે શરીર પાસે પૂરતી માત્રામાં ઇન્સ્યુલિન ન હોય, જે ગ્લુકોઝને બાળીને એનર્જી આપી શકે ત્યારે શરીરને પોતાનો સામાન્ય ઊર્જા સ્રોત મળતો નથી અને એ ફેટ્સને બાળે છે અને એને કારણે કીટોન્સ લોહીમાં જન્મે છે. એનું પ્રમાણ વધતાં એ લોહીને વધુ ઍસિડિક બનાવે છે. એ એક ચેતવણીરૂપી ચિહ્‍‍ન છે કે તમારું ડાયાબિટીઝ કન્ટ્રોલની બહાર જઈ રહ્યું છે અથવા તો તમે બીમાર પડવાના છો.

જ્યારે યુરિન ટેસ્ટમાં કીટોન્સ વધારે આવે ત્યારે અથવા એની સાથે-સાથે ગ્લુકોઝ લેવલ પણ વધારે આવે ત્યારે તાત્કાલિક હૉસ્પિટલ ભાગવું જરૂરી છે. આમાં પણ સૌથી ખતરનાક એ કન્ડિશન છે જેમાં કીટોન્સ અને ગ્લુકોઝ બન્ને વધી ગયા હોય અને સાથે દરદીને ઊલટી થવા લાગી હોય. જો છેલ્લા ૪ કલાકમાં બે વાર ઊલટી થઈ ગઈ હોય તો તાત્કાલિક હૉસ્પિટલ ભાગવું જરૂરી છે. આ દરેક ચિહ્‍‍નનો અર્થ એ જ થાય કે દરદીનું ડાયાબિટીઝ કન્ટ્રોલમાં રહ્યું નથી અને હૉસ્પિટલમાં દાખલ થવું જ પડશે. જોકે દુનિયાની બેસ્ટ હૉસ્પિટલમાં પણ દરદી પહોંચે ત્યારે પણ આ કન્ડિશનમાં એ દરદીની જિંદગી બચાવવી ખૂબ મુશ્કેલ હોય છે. ડાયાબેટિક કીટોએસીડોસીસમાં સર્વાઇવલ રેટ ફક્ત ૧૦ ટકા જેટલો હોય છે. આ પરિસ્થિતિ દરદીને મૃત્યુ સુધી તાણી જાય છે. માટે તમે તાત્કાલિક ડૉક્ટર પાસે જાઓ. તેમની શુગરને એકદમ કન્ટ્રોલમાં લાવો. જો કીટોન્સ શરીરમાં વધી જશે તો મુશ્કેલી થશે.

columnists diabetes health tips