22 March, 2023 05:45 PM IST | Mumbai | Dr. Ravi Kothari
પ્રતીકાત્મક તસવીર
શરીરમાં આમ તો પાંચ પ્રકારનાં પિત્ત છે. એનું મુખ્ય કામ છે ખોરાકનું પાચન કરવું. પાંચમાંથી જે પાચક પિત્ત છે એને જઠરાગ્નિ કહેવાય. જ્યારે આ પાચકઅગ્નિ કૂપિત થાય ત્યારે પાચનની આખી વ્યવસ્થામાં ગરબડ પેદા થાય. ખાટું, તીખું-તળેલું, વાસી, અધકચરું ખાવાની નિયમિત આદતથી જઠરાગ્નિ ખરાબ થાય છે. આપણું શરીર બને ત્યાં સુધી આપમેળે સમસ્યાઓને સૉલ્વ કરવાની કોશિશ કરતું રહેતું હોય છે અને દોષોને સંતુલિત રાખવા મથે છે, પરંતુ લાંબા સમય સુધી ખોટી આદતો, ખરાબ ભોજનનું સેવન થાય ત્યારે બધી સમસ્યાઓ એકઠી થઈને પાચન પર અસર કરે છે.
વૃદ્ધાવસ્થામાં એટલે જ પાચનતંત્ર બગડતું હોય છે. એમાંય ગરમીની સીઝનમાં અસંતુલિત દોષો મોટા ભાગે કૂપિત પિત્ત રૂપે બહાર આવે છે. દુર્બળ શરીરવાળાં સ્ત્રી-પુરુષોને તેમ જ પિત્તપ્રાધાન્ય ધરાવતા લોકોને અમ્લપિત્તની સમસ્યા રહે છે. પાચનશક્તિ મંદ પડી ગઈ હોય ત્યારે પણ શરીરમાં પિત્ત વધી જાય છે. ગરમી અને પિત્તને બહુ સારું ફાવે છે. એટલે ઉનાળામાં જ્યારે તાપમાનનો પારો છડે છે ત્યારે પિત્તની સમસ્યાઓ પણ વેગ પકડે છે. પાચન ખરાબ હોવાથી અપચો, ઍસિડિટી, ખાટા-તીખા ઓડકાર, મોંમાં ખાધેલું પાછું આવવું, પાતળા જુલાબ થઈ જવા જેવી તકલીફો બતાવે છે તે પિત્ત દોષનો કોપ વધી ગયો છે.
પિત્તની સમસ્યાનો ઉકેલ શું? | એનો ઉકેલ બે રીતે આવી શકે. પિત્તનું શમન અને શોધન. શમન એટલે કે દબાવી દેવું. એલોપથીમાં ઍસિડિટી શમાવી દે એવી ઘણી ગોળીઓ અને સિરપ આવે છે. એ લેવાથી તાત્કાલિક ઠંકક થઈ ગયેલી લાગે છે એને શમન કહેવાય. પણ પિત્તની સમસ્યાને જડમૂળથી દૂર કરવી હોય તો પિત્તનું શોધન કરવું પડે. શોધન એટલે કે પિત્તને પચાવીને શરીરમાંથી બહાર કાઢી શરીરને શુદ્ધ કરવામાં આવે. આયુર્વેદમાં કોઈ પણ સમસ્યાને ડામી દેવાની નહીં પણ મૂળ સાથે શરીરમાંથી તગેડી મૂકે એવી પદ્ધતિ વધુ વપરાય છે. પિત્તને પચાવીને એને શરીરમાંથી બહાર ફેંકવાની ક્રિયા વિરેચન કહેવાય છે. હંમેશાં વિરેચન એટલે પંચકર્મ જ કરવું પડે એવું જરૂરી નથી. સમસ્યા પ્રાથમિક તબક્કાની હોય તો ઔષધદ્રવ્યો અને થોડીક પરેજીના સમન્વયથી પિત્તનું શોધન થઈ શકે છે. એ માટે સૌમ્ય વિરેચન દ્રવ્યો વાપરી શકાય. અવિપત્તિકર ચૂર્ણ આવું જ એક દ્રવ્ય છે જે ઉનાળામાં જોવા મળતા પિત્તના ઉત્પાતોને મટાડવામાં ખૂબ મદદગાર નીવડે છે.
અવિપત્તિકર ચૂર્ણનાં દ્રવ્યો | આ કોઈ એક ઔષધિનું ચૂર્ણ નથી, બલકે એક કરતાં વધુ દ્રવ્યોનું ગુણસંતુલનના સિદ્ધાન્ત સાથે બનાવાયેલું ચૂર્ણ છે. એમાં ત્રિકટુ (સૂંઠ, કાળાં મરી, લીંડીપીપર), નાગરમોથ, વાવડિંગ, એલચી, તમાલપત્ર, લવિંગ, નશોતર, સાકર હોય છે. આ બધી જ ચીજોનું બારીક વસ્ત્રગાળ ચૂર્ણ પિત્તજ વિકારોમાં ઉત્તમ ગણાય છે. બજારમાં આમ તો ચૂર્ણ તૈયાર મળે જ છે, પણ રોગનાં લક્ષણો અનુસાર આ દ્રવ્યોના પ્રમાણમાપમાં જરૂરી વધઘટ કરીને લેવામાં આવે તો ઝડપી અસર થાય છે.
ક્યારે લેવાય? | કબજિયાત રહેતી હોય, બરાબર પાચન ન થતું હોય, જૂનો મળ આંતરડાંમાં ભરાઈ રહ્ના હોય કે ગૅસ થતો હોય ત્યારે, ખાટા-તીખા ઓડકાર સાથે પેટમાં દુખાવો અને છાતીમાં બળતરા થતી હોય ત્યારે, ન ખાવું, વાસી કે બગડેલો ખોરાક ખાવાને કારણે ઉનાળામાં ઊબકા અને ઊલટીની સમસ્યા થઈ હોય ત્યારે, તાપમાં ચચરાટ થાય ત્યારે, સ્ત્રીઓને મેનોપૉઝના ગાળામાં ઉનાળાના દિવસોમાં શરીરમાં અત્યંત બળતરા ફીલ થતી હોય ત્યારે આ ચૂર્ણ લઈ શકાય.
કઈ રીતે લઈ શકાય? | ઊબકા-ઊલટીમાં એક ગ્રામ અવિપત્તિકર ચૂર્ણ દર કલાકે કોકમના શરબત અથવા લીંબુપાણી સાથે લેવું. ગૅસ-કબજિયાત, અરુચિ અને ઍસિડિટી હોય તો ભોજન પહેલાં એક ચમચી અવિપત્તિકર ચૂર્ણમાં ચપટીક હિંગ અને ગાયનું ઘી મેળવીને લેવું. એનાથી આંતરડામાં મૃદુતા આવશે.