ડિલિવરી પછી હેલ્ધી અને ફિટ કેવી રીતે રહેવું એની ટિપ્સ આપે છે ભાભીજી

21 November, 2023 03:38 PM IST  |  Mumbai | Rashmin Shah

એન્ડ ટીવીના મોસ્ટ પૉપ્યુલર શો ‘ભાભીજી ઘર પર હૈં!’નું લીડ કૅરૅક્ટર કરતી અને અગાઉ સાઉથની ફિલ્મો સહિત અનેક હિન્દી સિરિયલો કરી ચૂકેલી વિદિશા શ્રીવાસ્તવ કેવી રીતે દીકરીને જન્મ આપ્યા પછી પોતાને મેઇન્ટેન કરે છે એ જાણવા જેવું છે

વિદિશા શ્રીવાસ્તવ

હું બનારસની છું અને બનારસના લોકો બેઝિકલી ખાઈપીને મસ્ત જલસા કરનારા હોય. હું પણ ફૂડી છું પરંતુ ઍક્ટિંગ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા પહેલાં જ ફિટનેસને લઈને હું સતર્ક થઈ ગઈ હતી, જેની ક્રેડિટ જાય મારી નાની બહેનને. મારી સિસ્ટર પહેલેથી સ્પોર્ટ્સ લવર, જેને કારણે ફિટનેસની બાબતમાં તેનો લગાવ વધારે હતો અને એને લીધે હું પણ એમાં ઇન્ટરેસ્ટ લેતી થઈ ગઈ.

મારી ફિટનેસની વ્યાખ્યા બહુ સિમ્પલ છે. જો તમે અંદરથી હેલ્ધી છો તો તમે બહારથી ભલે ફૅટ હો, કોઈ ફરક નથી પડતો પણ હા, પાંચ મહિના પહેલાં દીકરીનો જન્મ થયા પછી મારું રૂટીન બદલાયું છે એ પણ હું કહીશ. તમે માનશો નહીં, પણ ડિલિવરીના દિવસ સુધી મારા માટે ઉચિત હોય એવી પ્રીનેટલ પ્રૅક્ટિસ હું કરતી. એની અસર મને ડિલિવરી દરમ્યાન અને ડિલિવરી પછી પણ રહી. હું માનું છું ફિટનેસ માટે તમારા દ્વારા થતી એક્સરસાઇઝની અસર તમારા જીવનના દરેક તબક્કામાં રહે એટલે જ્યારે પણ પૉસિબલ હોય ત્યારે ફિટનેસ માટે સમય કાઢો, કારણ કે તમે જ્યારે એક્સરસાઇઝ કરવાની  સ્થિતિમાં નહીં હો ત્યારે ભૂતકાળમાં કરેલી એક્સરસાઇઝ જ તમને કામ આવશે.

છું હું સેલ્ફ-મોટિવેટેડ

મારી દીકરી અત્યારે ચાર જ મહિનાની છે અને તેની પાછળ જ મારો મોટા ભાગનો સમય જાય છે. તેને મારામાંથી ન્યુટ્રિશન મળે છે એટલે બીજા કોઈ પણ વિચાર કર્યા વિના હું પોષણયુક્ત આહાર ખાવાનું ધ્યાન રાખું છું. ફૅટની પણ હું અત્યારે ચિંતા કરતી નથી. ઘી, ડ્રાયફ્રૂટ્સ જેવી જરૂરિયાતવાળી ચીજ હું લેતી રહું છું. મને ખબર છે કે હું ઍક્ટ્રેસ છું અને મારા માટે લુક મહત્ત્વનો છે એ પછી પણ અત્યારે મારા માટે મારું બાળક અને તેનું સ્વાસ્થ્ય અને મારી પોતાની રિકવર જરૂરી છે.

હું દરેક મમ્મીને કહીશ કે પોસ્ટ-પ્રેગ્નન્સી તમારું લક્ષ્ય પાતળા થવાનું કે ફરી ઓરિજિનલ શેપમાં આવવાનું નહીં, પણ પોતાની હેલ્થનું અને બાળકના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનું હોવું જોઈએ. ઘણા પ્રેગ્નન્સીમાં વધેલા વજનથી બહુ કૉન્શિયસ થઈને તરત વજન ઉતારવામાં લાગી જાય છે, પણ મને લાગે છે કે એ યોગ્ય નથી. મારા કેસમાં એક બાબત છે, જેને કારણે વેઇટ ગેઇનની ચિંતા મારે નથી કરવી પડી. જિનેટિકલી જ હું પાતળી છું. મારું વજન મેઇન્ટેન્ડ રહે છે. પ્રેગ્નન્સી પછી મારું બહુ વધારે વજન નથી વધ્યું. ઘરનું ખાવાનું બરાબર ખાઉં છું, જેથી બૉડી જલદી રિકવર થાય. બહુ શુગર નથી ખાતી.

કરું લાઇટ એક્સરસાઇઝ

હું પહેલેથી હેલ્થની બાબતમાં બહુ કૉન્શિયસ રહી છું. એનું જ પરિણામ છે કે બહુ જ સરળતા સાથે મારી ડિલિવરી થઈ શકી. અત્યારે પણ હું પ્રાણાયામ નિયમિત કરું છું. મને ખબર છે કે હૉર્મોનલ લેવલ પર અત્યારે બહુ જ ઊથલપાથલનો સમય ચાલતો હોય ત્યારે બ્રીધિંગ એક્સરસાઇઝ મને જબરી મદદ કરશે. લાઇટ યોગિક સ્ટ્રેચિંગ કરી લઉં.

તમને એક વાત કહું કે નાનપણથી જ સેલ્ફ-ડિપેન્ડન્ટ રહેવું મને ગમ્યું છે એટલે હેલ્થને પ્રાયોરિટાઇઝ કરવાનું મહત્ત્વનું છે. જો હું ફિટ હોઈશ તો જ હું ઍક્ટિવ રહીને કામ કરી શકીશ એ વાત મને બહુ સારી રીતે ખબર છે એટલે મને ક્યારેય કોઈએ વર્કઆઉટ માટે મોટિવેટ કરવાની જરૂર નથી પડી. અત્યારે મારું શૂટિંગ પણ ચાલે છે. જવાબદારીઓને સારી રીતે નિભાવવા માટે પણ તમારે ફિટ રહેવું પડે. એ જ કારણે મારી નિયમિતતા પણ જળવાયેલી રહે છે.

ગોલ્ડન વર્ડ્‍સ

બાળકને જન્મ આપવો એ બહુ મહત્ત્વની પ્રોસેસ છે. બને કે તમે થોડો સમય ડિપ્રેશન ફેઝમાંથી પસાર થાઓ તો પણ હિંમત નહીં હારતાં. એ સમય વીતશે અને બાળકનું સ્માઇલ બધું ભુલાવી દેશે. આ સમયમાં તમે બરાબર ખાઓ, પીઓ અને પરિવારનો સપોર્ટ મેળવો. થોડા સમય પછી બધું જ નૉર્મલ થઈ જશે, બસ તમારે સ્ટ્રૉન્ગ રહેવાનું છે.

ગોલ્ડન વર્ડ્‍સ
બાળકને જન્મ આપવો એ બહુ મહત્ત્વની પ્રોસેસ છે. બને કે તમે થોડો સમય ડિપ્રેશન ફેઝમાંથી પસાર થાઓ તો પણ હિંમત નહીં હારતાં. એ સમય વીતશે અને બાળકનું સ્માઇલ બધું ભુલાવી દેશે. આ સમયમાં તમે બરાબર ખાઓ, પીઓ અને પરિવારનો સપોર્ટ મેળવો. થોડા સમય પછી બધું જ નૉર્મલ થઈ જશે, બસ તમારે સ્ટ્રૉન્ગ રહેવાનું છે.

health tips life and style columnists Rashmin Shah