26 December, 2024 09:59 AM IST | Mumbai | Dr. Suruchi Desai
પ્રતીકાત્મક તસવીર
મારી પાસે હમણાં એક કેસ આવ્યો હતો. ડિલિવરી કોઈ બીજા શહેરમાં થઈ હતી અને એના દસ દિવસમાં તે મુંબઈ પછી ફરી. તેણે મને જણાવ્યું હતું કે તેનું લેબર પેઇન લગભગ ૪૦ કલાક કરતાં પણ વધુ ચાલ્યું. પહેલી જ ડિલિવરી હતી એટલે બાળકને બહાર આવવામાં તકલીફ પડી રહી હતી એટલે વજાઇનામાં એક નાનકડો કાપ મૂકીને એની ડિલિવરી કરવામાં આવી. પાછળથી એ કાપમાં ટાંકા લેવામાં આવ્યા. જોવા જઈએ તો આ એક નૉર્મલ પ્રોસેસ છે જે ઘણી સ્ત્રીઓ સાથે કરવામાં આવે છે, પરંતુ પાછળથી એ સ્ત્રીને આ ટાંકા લીધા હતા એ જગ્યાએ ઇન્ફેક્શન થઈ ગયું. આવી હાલતમાં તે મારી પાસે આવી જેમાં એ પાકી જવાને કારણે પસ થઈ ગયું અને દુખાવો એટલો ભયંકર હતો કે તે ન તો સૂઈ શકે કે બેસી શકે. મુખ્ય વાત એ હતી કે તેને થોડો પ્રૉબ્લેમ થાય તો તરત જ ડૉક્ટર પાસે જવાનું હતું. પાકી જવા જેટલી રાહ જોવાની નહોતી. નવી બનેલી મમ્મીઓમાં જુદા-જુદા ઇન્ફેક્શનનું પ્રમાણ ઘણું વધારે રહે છે. વળી આ જે ઇન્ફેક્શન હોય છે એ મોટા ભાગે બૅક્ટેરિયલ ઇન્ફેક્શન હોય છે.
બાળકના આવ્યા પછી એટલે કે ડિલિવરી પછી માને જે ઇન્ફેક્શન થતું હોય છે એને પોસ્ટ-પાર્ટમ ઇન્ફેક્શન કહે છે જે ઘણા જુદા-જુદા પ્રકારનાં હોઈ શકે છે. ડિલિવરી પછીનો સમય જ એવો છે જ્યારે સ્ત્રીઓ પર આ પ્રકારના ઇન્ફેક્શનનો ભોગ બનવાનું રિસ્ક ઘણું વધારે રહે છે. નૉર્મલ ડિલિવરી સમયે વજાઇના પહોળી થઈ હોય જેને લીધે કશુંક તરડાઈ ગયું હોય કે કાપ પડી ગયો હોય, એમાં કોઈ ઇન્ફેક્શન થઈ જાય અને એ અંદર સુધી ફેલાય જેને લીધે ગર્ભાશયના મુખમાં પણ એ ઇન્ફેક્શનની અસર થાય. નૉર્મલ ડિલિવરી સમયે જ્યારે લેબર પેઇન લાંબું ચાલે ત્યારે વજાઇનાના મુખમાં ઇન્ફેક્શન થવાનું રિસ્ક ઘણું વધારે રહે છે. આમ જે સ્ત્રીઓને તાત્કાલિક ડિલિવરી થઈ જાય એના કરતાં અસિસ્ટેડ ડિલિવરી થાય એટલે કે ચિપિયાથી બાળકને બહાર કાઢવામાં આવે કે પછી આજકાલ વૅક્યુમ ડિલિવરી કરવામાં આવે છે એમાં વૅક્યુમનો ઉપયોગ કરીને બાળકને બહાર ખેંચી લેવામાં આવે છે. આ પ્રકારની ડિલિવરીમાં ઇન્ફેક્શનની શક્યતા ખૂબ વધારે રહે છે. જ્યારે સ્ત્રીને દરદ ઊઠે છે એ પહેલાં પાણી પડવાનું શરૂ થઈ જાય છે જે બૅક્ટેરિયાને આકર્ષિત કરે છે. જો એ સમયે કોઈ બૅક્ટેરિયા વજાઇના દ્વારા દાખલ થઈ ગયા તો એ અંદર ગર્ભાશય સુધી જઈ શકે છે અને ઇન્ફેક્શન એટલે અંદર સુધી ફેલાવાનું રિસ્ક રહે છે. આવાં ઇન્ફેક્શન્સ ફેલાય નહીં એ માટે ડિલિવરી પછી નાનાં અમથાં ચિહ્નો દેખાય તો પણ ડૉક્ટર પાસે તરત જ જવું જરૂરી છે.