સિમ્પલ ભાષામાં યોગને સમજીએ

28 February, 2024 08:07 AM IST  |  Mumbai | Ruchita Shah

યોગના પેચીદા કહી શકાય એ વિષયો પર આપણે ઘણી વાર ચર્ચા કરી છે પણ આજે યોગની સરળ ભાષામાં વ્યાખ્યા કરીએ

પ્રતીકાત્મક તસવીર

એક ફરિયાદ આવી છે. તમારી કૉલમમાં કોઈ-કોઈ વાર આવતી યોગની અઘરી ફિલોસૉફી અમને સમજાતી નથી. યોગની આ કૉલમને પાંચેક વર્ષ થવા આવ્યાં એટલે દેખીતી રીતે જ 
ધીમે-ધીમે એમાં વધુ ઊંડાણ સાથેની ફિલોસૉફી મૂકીને એને સમજાવવાના પ્રયાસ થયા હોય અને દેખીતી રીતે જ યોગ એક ગૂઢ સાયન્સ છે અને એટલે જ જેમ-જેમ એમાં ઊંડા ઊતરીએ એમ-એમ સમજણથી પર અનુભવસિદ્ધ જ્ઞાન બનતું જાય. જેને અનુભવ હોય એ જ પછી એની પાછળની ફિલોસૉફીને સરળતાથી સમજી શકે. જોકે એ પછીયે યોગની સુંદરતા એ છે કે દરેક ચરણ પર રહેલી વ્યક્તિ માટે યોગ પાસે કંઈક છે. તમે આજે પહેલી વાર આ યોગની કૉલમ વાંચતા હો તો પણ તમને એમાંથી જીવનમાં ઉતારવા લાયક કંઈક મળી જાય એ યોગ વિષયની ઉદારતા છે. આજે એ જ રીતે યોગ શબ્દના સરળતમ રૂપને સમજીએ અને શક્ય હોય એટલું જીવનમાં ઉતારીએ. 

યોગ એટલે
સિમ્પલ કહીએ તો જોડાવું. વ્યક્તિથી વ્યક્તિ જોડાય એ પણ યોગ છે. પ્રેમી અને પ્રેમિકા વચ્ચેનું જોડાણ એટલે પ્રેમ યોગ. પ્રેમી અને પ્રેમિકા વચ્ચે વિરહની ક્ષણો આવે તો એના માટે શબ્દ છે વિયોગ. એ રીતે એવા અઢળક શબ્દો તમને તમારી રૂટીન લાઇફમાં મળશે જ્યાં યોગ શબ્દનો છૂટથી વપરાશ થયો હોય. પણ તમે જોશો તો દરેકમાં એ જોડવાની જ ભૂમિકામાં હશે. એટલે એટલું તો ક્લિયર થઈ ગયું કે યોગ એટલે જોડાવું. હવે વાચક તરીકે તમે અને લેખક તરીકે હું જોડાઉં તો એ પણ એક યોગ છે અને તમારા શ્વાસ સાથે તમે ધ્યાનપૂર્વક જોડાઓ તો એ પણ યોગ છે. તમારા શરીરમાં ચાલતી તમામ પ્રકારની હિલચાલ સાથે તમે જોડાઓ તો એને પણ યોગ જ કહેવાય અને સાથે તમારા મનમાં આડેધડ ચાલતા વિચારો સાથે તમે જોડાઓ તો એ પણ યોગ કહેવાય. અહીં યોગનું સ્પિરિચ્યુઅલિઝમ શરૂ થાય જ્યાં આત્મા અને પરમાત્માના જોડાણની ચર્ચા થતી હોય. સિમ્પલ ભાષામાં કહીએ તો સતત અવેર રહેવું, જાગૃતિપૂર્ણ રહેવું અને જ્યાં હોઈએ એ જ ક્ષણમાં રહેવું એટલે કે વર્તમાનમાં રહેવું એ જ યોગ છે. યસ, યોગની બહુ જ સરળ વ્યાખ્યા એટલે તમે જ્યાં છો ત્યાં રહેવું. ધારો કે તમે લખી રહ્યા છો તો એ ક્ષણમાં પ્રેઝન્ટ રહેવું તો એને યોગ અવસ્થા કહેવાય અને ધારો કે તમે જમી રહ્યા છો ત્યારે માત્ર જમવામાં જ તમારી અવેરનેસ હોય અને જમતી વખતે મનમાં આડાઅવળા વિચારો ન કરતા હોય તો એ અવસ્થાને પણ યોગ જ કહેવાય. 

તો આ આસન, પ્રાણાયામ શું?
ખોવાયેલા નહીં અને વર્તમાનમાં જ રહેવું જો યોગ હોય તો આ આખી દુનિયા યોગાસનોની વાત કરે છે એ શું છે? તો એનો જવાબ છે કે વર્તમાનમાં રહેવા માટે તમને જે મદદ કરી શકે એવાં જુદાં-જુદાં સાધનો આપવામાં આવ્યાં છે, જેનો વધારાનો ફાયદો હેલ્થ છે જે આપણા માટે મુખ્ય લાભ ભલે બની ગયો હોય પણ ઓરિજિનલી તો આસન, પ્રાણાયામ, મેડિટેશન વગેરે બધા જ પાછળનું મુખ્ય ધ્યેય છે આપણે વર્તમાનમાં જીવતાં શીખીએ. આસનથી શરીર સારું થાય, ફ્લેક્સિબિલિટી વધે, વજન ઘટે કે પ્રાણાયામથી ફેફસાં મજબૂત બને, શ્વાસ સુધરે અને શરીરને બીજી રીતે એને થઈ રહેલી મદદ એ માત્ર બાય પ્રોડક્ટ એટલે વધારાનો લાભ છે. 

એટલે હવે કોઈ પૂછે કે યોગ એટલે શું? તો સરળ ભાષામાં કહી શકીએ કે યોગ એટલે જોડાવું. જેમ આપણે જોડાયા છીએ તો એ પણ યોગ જ છે.

columnists health tips yoga ruchita shah