તમારો મળ પર નિયંત્રણ ન રહે તો ગભરાઓ નહીં, એનો પણ ઇલાજ છે

17 October, 2024 12:42 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અમુક રોગ એવા છે જે શારીરિક હોય છે, પરંતુ એ રોગ એની સાથે ઘણી માનસિક તકલીફો પણ લાવે છે. સ્ટૂલ ઇન્કૉન્ટિનન્સ એટલે કે મળ પર નિયંત્રણ ન રહે એ પ્રૉબ્લેમ યુવાન વયના લોકોમાં ઓછો જોવા મળે છે.

પ્રતીકાત્મક તસવીર

અમુક રોગ એવા છે જે શારીરિક હોય છે, પરંતુ એ રોગ એની સાથે ઘણી માનસિક તકલીફો પણ લાવે છે. સ્ટૂલ ઇન્કૉન્ટિનન્સ એટલે કે મળ પર નિયંત્રણ ન રહે એ પ્રૉબ્લેમ યુવાન વયના લોકોમાં ઓછો જોવા મળે છે. મોટી ઉંમરે આ તકલીફ વધુ જોવા મળે છે. આવું થાય ત્યારે વ્યક્તિ ખૂબ શરમ અનુભવે છે. લોકોની વચ્ચે જતાં ગભરાય છે. વ્યક્તિનો આત્મવિશ્વાસ એને કારણે ઘવાય છે. ઘણા લોકો ડૉક્ટર પાસે જવામાં પણ છોછ અનુભવે છે. આવું કરવું નહીં. આ તકલીફને ઇલાજ મારફત દૂર કરી શકાય છે. ઊલટું જેવી તકલીફ શરૂ થાય એવી તમે એક્સરસાઇઝ શરૂ કરો તો રિઝલ્ટ જલદી મળે છે. જેટલી તમે ડૉક્ટર પાસે જવામાં વાર લગાડશો એટલી તકલીફ વધશે.

આ થવા પાછળનું મુખ્ય કારણ એ હોય છે કે ઍનલ કનૅલ રિંગ, જ્યાંથી મળ પસાર થાય છે, એ સ્નાયુ લૂઝ થઈ જાય છે. એની સ્થિતિસ્થાપકતા ઘટી જાય છે. આ પરિસ્થિતિ ઉંમરને કારણે પણ સર્જાઈ શકે છે નહીંતર યુવાન વયે કોઈ અકસ્માતને કારણે કે કોઈ બીજાં કારણોસર સર્જાઈ હોય તો આ તકલીફ ઊભી થઈ શકે છે. પરંતુ આ સ્નાયુની તકલીફ સિવાય બીજું કોઈ કારણ મળ પર અનિયંત્રણ માટે જવાબદાર હોઈ ન શકે. આ સિવાય જે દરદીઓ પથારીવશ જ રહેતા હોય છે તેમના આંતરડામાં સ્ટૂલ જમા થતું જાય છે અને લગભગ પથ્થર જેવું કડક બની જાય છે અને આંતરડાને બ્લૉક કરે છે. એની આસપાસથી પાતળું સ્ટૂલ બહાર નીકળી જાય છે. એટલે લાગે છે એવું કે આ દરદીને મળ પર નિયંત્રણ નથી, પરંતુ ખરા અર્થમાં એને આર્ટિફિશ્યલ ઇન્કૉન્ટિનન્સ કહે છે. એ સમસ્યા જુદી છે.

ફિઝિકલ સ્ટ્રેસને કારણે ક્યારેક એવું બનતું હોય છે કે કેટલાક લોકોને વજન ઉપાડે ત્યારે, જોરથી હસે ત્યારે, જોરથી છીંકો આવે ત્યારે મળ પર નિયંત્રણ ન રહે અને તેમનાં કપડાં ખરાબ થઈ જાય. કેટલાક લોકોને યુરિન પાસ કરવા જાય ત્યારે અચાનક જ એની સાથે મળ થઈ જાય એવું બનતું હોય છે. ખાસ કરીને જે સ્ત્રીઓની ડિલિવરી થઈ હોય એના પછી થોડા દિવસ તેમને આ તકલીફ રહેવાનું રિસ્ક રહે છે. એના પછી થોડા દિવસમાં આપોઆપ કે પછી અમુક ખાસ એક્સરસાઇઝ દ્વારા એ તકલીફ દૂર કરી શકાય છે. આમ પણ સ્ત્રીઓમાં આ તકલીફ વધારે હોય છે. એ પણ એ સ્ત્રીઓ, જેમને બેથી વધુ બાળકો હોય. આવી સ્ત્રીઓના એ સ્નાયુઓ ખૂબ જ ઢીલા થઈ ગયા હોય છે જેને કારણે આ તકલીફ થઈ હોય છે. દવાઓ અને ફિઝિયોથેરપી એક્સરસાઇઝ વડે એને ઠીક કરી શકાય છે. અમુક સંજોગોમાં સર્જરીની જરૂર પણ પડી શકે છે.

- ડૉ. જિજ્ઞેશ ગાંધી

mental health health tips life and style mumbai