સમાગમનું મન થાય, પણ શરીર સાથ નથી આપતું

29 November, 2023 04:01 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

કદાચ સમાગમને લઈને તમારા બન્નેમાં કોઈક પ્રકારની ઍન્ગ્ઝાયટી હોય એવું બની શકે છે. તમે હળવી મસ્તી માણો છો એ બતાવે છે કે તમને એકમેકનો સાથ ગમે છે.

પ્રતીકાત્મક તસવીર

મારી ઉંમર ૫૩ વર્ષની છે અને મારી પત્નીની ઉંમર પ૦ની. પત્ની બે વર્ષથી મેનોપૉઝમાં આવી ગઈ છે. એક વરસથી સંભોગ બંધ છે, કેમ કે તેને યોનિપ્રવેશ વખતે ખૂબ પીડા થતી હતી. આ દરમ્યાન મારે બાયપાસ સર્જરી કરાવવી પડી. રિકવરીમાં છએક મહિના ગયા. હવે બધું જ બરાબર છે, છતાં અમે સમાગમ નથી કર્યું. હસ્તમૈથુન કરી શકું છું ને હું ઇન્ટિમસી એન્જૉય કરું છું, પણ સમાગમ જેટલી ઉત્તેજના નથી આવતી. અત્યાર સુધીમાં દસેક વાર સમાગમ કરવાનો પ્રયત્ન કર્યો, પણ નિષ્ફળ જવાય છે. મહિનામાં એક-બે વાર સ્વપ્નદોષ થઈ જાય છે. અમારે ફરી સંભોગ શરૂ કરવા શું કરવું? હવે તો કામેચ્છા પણ નથી થતી. અમે બન્ને અળગાં-અળગાં રહીએ છીએ. વાયેગ્રા કામ આવે? 
વિરાર

કામેચ્છા મગજમાં પેદા થાય છે, શરીરમાં નહીં. વાયેગ્રા કામેચ્છા પેદા કરવાનું કામ નથી કરતી. જો ઉત્તેજના ઓછી હોય તો એ કામ આવે. તમે હાલમાં જે દવાઓ લો છો એના પર આધાર છે.  તમે વાયેગ્રા લઈ શકો કે કેમ એ માટે તમારા ડૉક્ટરને કન્સલ્ટ કરો.કદાચ સમાગમને લઈને તમારા બન્નેમાં કોઈક પ્રકારની ઍન્ગ્ઝાયટી હોય એવું બની શકે છે. તમે હળવી મસ્તી માણો છો એ બતાવે છે કે તમને એકમેકનો સાથ ગમે છે. લાગે છે કે તમે બે-ત્રણ દિવસ દૂર ક્યાંક નિરાંતના સ્થળે જતાં રહો અને એકાંત માણો, પરંતુ નક્કી કરી રાખો કે તમારે સમાગમ નથી જ કરવાનો. આટલા નિર્ણયથી તમારા મનને સમાગમ દરમ્યાન શું થશે એની ઍન્ગ્ઝાયટી નહીં રહે ને તમે હળવા રહી શકશો. ઉત્તેજના માટે સ્પર્શ ખૂબ અસરકારક છે, કેમ કે ચામડીમાં અમુક જગ્યાએ જ્ઞાનતંતુઓ આવેલા છે અને એને સ્પર્શ કરવાથી કામેચ્છા અને ઉત્તેજનામાં નોંધપાત્ર વધારો થાય છે. સમાગમ કરવાનું દબાણ મગજમાં ન હોય અને સ્પર્શનો આનંદ વધુમાં વધુ મળતો જાય તો કામેચ્છા ચોક્કસ વધશે. સાથે તમે કોપરેલ તેલનો પણ ઉપયોગ ઇન્દ્રિય અને યોનિમાર્ગમાં કરી શકો. ઘણી વાર તેલ લગાડવાથી પણ ઉત્તેજના વધે છે. તમારી પત્નીને મેનોપૉઝને કારણે યોનિમાર્ગમાં ચીકણાહટની ઊણપને કારણે યોનિપ્રવેશ વખતે દુખાવો થતો હશે. તેલ લગાડવાથી સંભવ છે કે દુખાવો બિલકુલ નહીં થાય અને યોનિપ્રવેશ સરળ બનશે.

sex and relationships columnists