20 November, 2024 07:35 AM IST | Mumbai | Ruchita Shah
પ્રતીકાત્મક તસવીર
જો આ બધા જ સવાલોના જવાબ ‘હા’ હોય તો તમને પાઇલ્સ થવાની પૂરી સંભાવના છે. આ જ કારણોને લીધે હવે નાનાં બાળકો હરસનો શિકાર બની રહ્યાં છે. શૌચક્રિયા સાથે સંકળાયેલી આ બીમારીને હંમેશાં સૂગથી જોવામાં આવી છે અને શરમને કારણે એનાં લક્ષણોને વણદેખ્યાં કરવામાં આવતાં હોય છે. આજે વર્લ્ડ પાઇલ્સ ડે નિમિત્તે શહેરોમાં રહેતા લોકોમાં સામાન્ય બની રહેલી આ બીમારી વિશે જાણવા જેવું બધું જ જાણી લો
એક અભ્યાસ પ્રમાણે પચાસ વર્ષની ઉંમર પછી પચાસ ટકા લોકોને હરસની બીમારી થાય છે. ભારતમાં લગભગ વીસ ટકા લોકો હિન્દીમાં ભગંદર, અંગ્રેજીમાં પાઇલ્સ, લૅટિનમાં હેમરૉઇડ્સ અને ગુજરાતીમાં હરસ નામની બીમારીથી પીડાય છે. આજના સમયે બદલાયેલી જીવનશૈલી એ બીમારી પાછળનું પ્રાઇમ કારણ માનવામાં આવે છે અને એમાંય આજકાલ યંગસ્ટર્સમાં પણ પાઇલ્સની બીમારીનું પ્રમાણ વધ્યું છે. ગુદાદ્વાર અને મળ વિસર્જન સાથે સંકળાયેલી બીમારી હોવાથી ભાગ્યે જ કોઈ ખૂલીને એની ચર્ચા કરી શકતું હોય છે અને બીમારીનાં પ્રારંભિક લક્ષણોની અવગણનાને કારણે કૉમ્પ્લીકેશન્સ પણ વધ્યાં છે ત્યારે એ જાણવું મહત્ત્વનું છે કે પાઇલ્સની બીમારી શું છે અને કઈ રીતે એ જોખમી પુરવાર થઈ શકે? કયા સંજોગોમાં ગંભીર થવું અને પાઇલ્સ ન થાય એ માટેની સાવધાનીમાં શું કરવું એ વિશે જાણી લો.
યંગસ્ટર્સમાં વધ્યું પ્રમાણ
અનિદ્રા, ખાણીપીણીની ખોટી આદતો, બેઠાડુ જીવન આજના સમયે વધી રહેલા પાઇલ્સનાં મુખ્ય કારણો મનાય છે. આ સંદર્ભે બાર કલાકમાં ૨૯૦ ડૉક્ટરની ટીમ સાથે ૨૯૦ પાઇલ્સની સર્જરી કરનારા ગોલ્ડ મેડલિસ્ટ, આયુર્વેદ નિષ્ણાત ડૉ. મહેશ સંઘવી કહે છે, ‘૪૭ વર્ષ પહેલાં પ્રૅક્ટિસ શરૂ કરી ત્યારે બાળકોને દરદી તરીકે નહોતાં જોયાં. આજે બાળકોની ઈટિંગ હૅબિટ્સ બદલાઈ છે અને નાનાં-નાનાં દોઢ-બે વર્ષનાં બાળકોને પણ પાઇલ્સના પ્રૉબ્લેમ સાથે પેરન્ટ્સ લઈને આવે છે. મમ્મી-પપ્પા બન્ને કામ કરતાં હોય, બાળકો બીજા પાસે મોટાં થતાં હોય અને ઍડ્વર્ટાઇઝિંગની વિકસતી દુનિયામાં ટીવી પર દેખાતી દરેક અનહેલ્ધી વસ્તુ બાળક ખાય એટલે નાનપણથી જ તેમને પેટની સમસ્યા હોય છે. બીજું, લોકો શરમ, સંકોચ અને અજ્ઞાનતાને કારણે આ સમસ્યાને સૌથી વધુ અવગણતા રહ્યા છે. પાઇલ્સ અનુવંશિક કારણોને લીધે પણ થઈ શકે છે પરંતુ અત્યારે નાની ઉંમરમાં વધેલા પાઇલ્સના પ્રૉબ્લેમ માત્ર ને માત્ર લાઇફસ્ટાઇલમાં આવેલી ખરાબીને કારણે થાય છે. અનિયમિત ખાણીપીણી, નિદ્રા અને ઘટેલી ઍક્ટિવિટીથી મંદ પાચનતંત્રને કારણે પ્રોસેસ્ડ ફૂડ પચતું નથી અને ધીમે-ધીમે જમા થતા મળને કારણે પાઇલ્સ, ફિસ્ટ્યુલા, ફિશર જેવી ગુદાદ્વાર સાથે સંકળાયેલી અનેક સમસ્યાઓને આમંત્રણ મળી જાય છે. અન્ય કારણોમાં વાંકા વળીને વજન ઊંચકવું, ઓબેસિટી, પ્રેગ્નન્સી, ઉંમર, લો ફાઇબર ડાયટ, પાણી ઓછું પીવું, પેટ સંબંધિત બીમારીઓ, સ્ટ્રેસ, ટૉઇલેટમાં લાંબો સમય સુધી બેસવું અને જોર કરવું, લિવરની બીમારી હોવી, હાર્ટ, બ્લડ-પ્રેશર, થાઇરૉઇડ, ડાયાબિટીઝની દવાને કારણે કબજિયાત થાય અને એ લાંબા ગાળે હરસમાં પરિણમી શકે.’
મેડિકલ સાયન્સની દૃષ્ટિએ
પાઇલ્સ એટલે કે હરસની બીમારીમાં કયા શારીરિક બદલાવ આવતા હોય છે એ વિશે માહિતી આપતાં વીસ વર્ષથી પ્રૅક્ટિસ કરતા રેક્ટલ અને કોલોનના નિષ્ણાત પ્રૉક્ટોલૉજિસ્ટ ડૉ. નિરંજન અગ્રવાલ કહે છે, ‘જેમ દરેકના શરીરમાં કિડની હોય, લિવર હોય, હાર્ટ હોય એમ દરેકના શરીરમાં પાઇલ્સ હોય જ. ગુદાદ્વાર સાથે કનેક્ટિવ ટિશ્યુઝ કુશનિંગનું કામ કરતા હોય. એમાં જ્યારે સોજો આવે અને ફાટી જવાથી એમાંથી લોહી વહેવા માંડે અથવા એ પોતાના મૂળ સ્થાનથી ખસીને નીચે આવવા માંડે ત્યારે પાઇલ્સનો પ્રૉબ્લેમ આવતો હોય છે. ખરાબ લાઇફસ્ટાઇલમાં જેઓ સિગારેટ, તમાકુ અને દારૂનું અતિ સેવન કરતા હોય તેમને પણ પાઇલ્સ થઈ શકે. ૫૦ વર્ષ પછી ૫૦ ટકા લોકોને નૅચરલી જ એ ભાગમાં ડીજનરેશન થવાને કારણે પાઇલ્સ થવાની સંભાવના હોય છે. વીસ વર્ષથી પાઇલ્સ ડેની ઉજવણી શરૂ થઈ છે, જેમાં આ બીમારી માટે લોકોના મનમાં રહેલો છોછ દૂર કરવાનો અમે પ્રયાસ કરી રહ્યા છીએ. હવે તો ઓછા પેઇન સાથે ઝડપથી રિકવરી કરવામાં મદદ કરતી ટેક્નૉલૉજી અને સર્જરીની નવી મેથડોલૉજી ડેવલપ થઈ છે એટલે પાઇલ્સને ટૅકલ કરવાનું અને એ પીડામાંથી બહાર આવવાનું વધુ સરળ બન્યું છે.’
ધ અસોસિએશન્સ ઑફ કોલોન ઍન્ડ રેક્ટલ સર્જ્યન્સ ઑફ ઇન્ડિયાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ ડૉ. નિરંજન પોતે પણ પાઇલ્સ જેવા ગુદાદ્વાર સાથે સંકળાયેલા રોગોના નિદાન અને ઉપચારને લગતી ટ્રેઇનિંગ અને અવેરનેસ પ્રોગ્રામમાં અન્ય ડૉક્ટરોને ટ્રેઇન કરી ચૂક્યા છે.
ડૉક્ટર પાસે ક્યારે જવું?
પાઇલ્સનાં લક્ષણો વિશે વાત કરતાં ડૉ. મહેશ કહે છે, ‘મળપ્રવૃત્તિમાં લોહી પડે, પરિવર્તન આવે, રોજબરોજના કામકામજમાં તકલીફ ઊભી થાય, દુખાવો થાય, ખંજવાળ આવે ત્યારે એના નિષ્ણાત પાસે જ જવું. પરિસ્થિતિ વધુ ખરાબ હોય અને ઑપરેશન વિશે અસમંજસ હોય તો બે-ત્રણ ડૉક્ટરના ઓપિનિયન લઈને તાત્કાલિક સર્જરી પણ કરાવવી જોઈએ. મારી ૪૫ વર્ષની કરીઅરમાં પાઇલ્સને કારણે ત્રણ દરદીઓ મારી આંખ સામે મૃત્યુ પામ્યા છે વધુપડતું લોહી વહી જવાને કારણે. એટલે કારણ વગરની ઢીલ પણ ન કરવી અને એકદમ ઉતાવળ કરીને ટેન્શનમાં પણ ન આવી જવું. પાઇલ્સની જનરલી ચાર ડિગ્રી હોય છે. ચોથી ડિગ્રીમાં સર્જરી કંપલસરી છે. ત્રણ ડીગ્રી સુધી તેને દવા અને લાઇફસ્ટાઇલના બદલાવ સાથે મેનેજ કરી શકાય છે.’
શું ધ્યાન રાખશો?
જીવનશૈલીની ખરાબીને કારણે આવેલી બીમારીમાં જીવનશૈલીનો સુધાર એ સૌથી પહેલો ઉપાય છે. ડૉ. મહેશ કહે છે, ‘ફાઇબરવાળો આહાર, પૂરતા પ્રમાણમાં પાણી અને ઊંઘ અને સ્ટ્રેસને દૂર કરતા ધ્યાન-પ્રાણાયામના અભ્યાસ તેમ જ નિયમિત કસરતથી તમારા પાઇલ્સના પ્રૉબ્લેમને તમે કન્ટ્રોલમાં રાખી શકો છો. તમે કબજિયાત ન થાય એનું ધ્યાન રાખો અને એ માટે એને લગતા ઉપાય કરીને જીવનશૈલીને સુધારો તો માત્ર પાઇલ્સ જ નહીં પણ ઘણાબધા રોગોથી બચી શકશો.’
જો તમે મૂળને ટ્રીટ નહીં કરો તો સર્જરી પછી પણ ફરીથી એનું રિકરન્સ થશે : ડૉ. મિતેશ વોરા, હોમિયોપથી નિષ્ણાત
ગુદાદ્વારને લગતા ત્રણ રોગ અને એની સારવાર વિશે વાત કરતાં હોમિયોપથી નિષ્ણાત ડૉ. મિતેશ વોરા કહે છે, ‘પાઇલ્સમાં બ્લીડિંગ થાય, ફિશરમાં ગુદાદ્વારમાં કાપા પડી જાય અને પીડા થાય અને ફિસ્ટ્યુલામાં ગુદામાર્ગમાંથી ગંદું પાણી નીકળે. આ ત્રણેય સમસ્યાઓ થવાનાં કારણો મોટે ભાગે સરખાં છે. હોમિયોપથીમાં આ ત્રણેય પ્રૉબ્લેમનાં કારણોના મૂળમાં જઈને એ વ્યક્તિની શારીરિક, માનસિક અવસ્થા મુજબ ટેલર મેડ દવાઓ અને લાઇફસ્ટાઇલમાં બદલાવ કરીને અમને ખૂબ જ પૉઝિટિવ રિઝલ્ટ મળ્યું છે. ઘણા કેસમાં સર્જરીને ટાળી શકાય છે. અહીં લાઇફસ્ટાઇલ બદલવી અનિવાર્ય જ છે કારણ કે ઑપરેશન એનો પર્મનન્ટ ઇલાજ નથી. જો તમે મૂળને ટ્રીટ નહીં કરો તો સર્જરી પછી પણ ફરીથી એનું રિકરન્સ એટલે કે સેમ સમસ્યા પાછી ઊભી થઈ શકે છે. પાચનતંત્ર મજબૂત થાય, શરીરની કચરો કાઢતી સિસ્ટમ એટલે કે એક્સ્ક્રીશન બહેતર થાય તો આ પ્રકારના રોગોથી સંપૂર્ણપણે બચી શકાય છે. ભરપૂર પાણી પીવું, સીઝનલ શાકભાજી ખાવી, બેકરીની મેંદાવાળી આઇટમો ન ખાવી, પૂરતી ઊંઘ લેવી, કુદરત સાથે કનેક્ટ થવું, સંપૂર્ણપણે પાંચ તત્ત્વોથી બનેલા શરીરને આ પાંચ તત્ત્વની સાથે જોડેલું રાખવું એ માત્ર આજના સમયમાં દરેક સમસ્યાના સમાધાનનું પહેલું પગથિયું છે. એ પછી વ્યક્તિની મેન્ટલ, ઇમોશનલ અને ફિઝિકલ હેલ્થના સંદર્ભમાં તેમને હોમિયોપથી દવા હીલિંગ આપી શકે.’
૪૭ વર્ષ પહેલાં પ્રૅક્ટિસ શરૂ કરી ત્યારે બાળકોને દરદી તરીકે નહોતાં જોયાં. આજે બાળકોની ઈટિંગ હૅબિટ્સ બદલાઈ છે અને નાનાં-નાનાં દોઢ-બે વર્ષનાં બાળકોને પણ પાઇલ્સના પ્રૉબ્લેમ સાથે પેરન્ટ્સ લઈને આવે છે. મમ્મી-પપ્પા બન્ને કામ કરતાં હોય, બાળકો બીજા પાસે મોટાં થતાં હોય અને ઍડ્વર્ટાઇઝિંગની વિકસતી દુનિયામાં ટીવી પર દેખાતી દરેક અનહેલ્ધી વસ્તુ બાળક ખાય એટલે નાનપણથી જ તેમને પેટની સમસ્યા હોય છે. - ડૉ. મહેશ સંઘવી, પાઇલ્સના સર્જ્યન અને આયુર્વેદ નિષ્ણાત