01 October, 2024 03:18 PM IST | Mumbai | Dr. Suruchi Desai
પ્રતીકાત્મક તસવીર
જ્યારે એક સ્ત્રી મા બનવાની હોય ત્યારથી જ તેનું સમગ્ર જીવન તેના બાળકની આસપાસ ગૂંથાતું જાય છે, પરંતુ મિસકૅરેજ એક એવી ઘટના છે જેમાંથી પસાર થવું એક સ્ત્રી માટે સહજ હોતું નથી. આંકડાઓ મુજબ ૧૨થી ૧૪ ટકા પ્રેગ્નન્સી મિસકૅરેજમાં પરિણમે છે. એટલે કે લગભગ દર ૭ પ્રેગ્નન્ટ સ્ત્રીઓમાંથી ૧ સ્ત્રીને મિસકૅરેજ થાય છે. વળી જો એક વખત સ્ત્રીને મિસકૅરેજ થાય તો બીજી વખત પણ તેને મિસકૅરેજ થવાની શક્યતા ૧૮ ટકા જેટલી રહે છે. બે વખત મિસકૅરેજ થયું હોય તો ત્રીજી વખત પણ મિસકૅરેજ થવાની શક્યતા ૩૨થી ૩૫ ટકા જેટલી રહેલી હોય છે અને જો ત્રણ વખત મિસકૅરેજ થયું તો ચોથી વખત પણ મિસકૅરેજની શક્યતા ૪૫ ટકા જેટલી પ્રબળ બની જાય છે.
મિસકૅરેજ બે પ્રકારની તકલીફો દ્વારા થઈ શકે છે. એક જે આપણે ઊભી કરીએ છીએ અને બીજી જે કુદરતી આપણી સામે છે. મેડિકલ પ્રૉબ્લેમ હોય અને મિસકૅરેજ થાય તો એનો ઇલાજ હોય, પરંતુ લાઇફ-સ્ટાઇલને કારણે જે મિસકૅરેજ થાય એ માટે માએ ખુદ જ ધ્યાન રાખવું રહ્યું. વિજ્ઞાન કહે છે કે સ્ત્રીઓ પોતાની લાઇફસ્ટાઇલમાં નૉર્મલ ચેન્જ લાવે તો દર ૪માંથી ૧ મિસકૅરેજને રોકી શકાય છે. મિસકૅરેજ માટે જે રિસ્ક આપણે ટાળી શકીએ એમ છીએ એ બધાં જ રિસ્ક લાઇફસ્ટાઇલને લગતાં રિસ્ક છે. જેમ કે સ્ત્રીનું વજન ખૂબ ઓછું કે ખૂબ વધારે હોવું એટલે કે અન્ડરવેઇટ હોવું કે ઓબીસ હોવું, આલ્કોહોલ કે સ્મોકિંગ અથવા તમાકુની આદત હોવી, રાતભર કામ કરવું, મેન્ટલી અને ફિઝિકલી ખૂબ સ્ટ્રેસમાં રહેવું વગેરે. આ ઉપરાંત આ બધાં કારણો વધુ અસરકર્તા ત્યારે સાબિત થાય છે જ્યારે સ્ત્રી ૩૦ વર્ષથી ઉપરની હોય. મોટી ઉંમર અને આલ્કોહોલ બન્ને મિસકૅરેજ પાછળનાં મહત્ત્વનાં કારણ માનવામાં આવ્યાં હતાં.
આમ તો આજે પણ મિસકૅરેજ પાછળનાં બધાં જ કારણ મેડિકલ સાયન્સ જાણી શક્યું નથી. જે લાઇફસ્ટાઇલ રિલેટેડ પ્રૉબ્લેમ્સ છે એ મોટા ભાગે પહેલા કે એક મિસકૅરેજ માટે જ જવાબદાર હોય છે. રિપીટેડ મિસકૅરેજ પાછળ મોટા ભાગે બીજાં કારણો જવાબદાર હોય છે જે બાહ્ય કારણો અથવા લાઇફસ્ટાઇલ રિલેટેડ કારણો નથી હોતાં. એ જાણવા માટે ઘણી ટેસ્ટ કરવી પડે. એના ઇલાજ પણ જુદા હોય. આમ જે મિસકૅરેજ આલ્કોહોલ પીવાથી, સ્મોકિંગ કરવાથી, સ્ટ્રેસમાં રહેવાથી, ઓબીસ હોવાને કારણે, મોટી ઉંમરે પ્રેગ્નન્ટ બનવાથી કે ખૂબ ભારે વસ્તુ ઉપાડવાથી થઈ શકે છે. એને માટે પ્રેગ્નન્ટ થતાં પહેલાં જ સ્ત્રીને ખ્યાલ હોવો જોઈએ કે તેને માટે કઈ વસ્તુ હાનિકારક છે અને શું નહીં.