શરદી માંડ ગઈ, પણ ખાંસી હજી રહી ગઈ છે

05 January, 2024 08:19 AM IST  |  Mumbai | Dr. Ravi Kothari

સૂકી ખાંસી માટે સિતોપલાદિ, જેઠીમદ, અરડૂસી, સૂંઠ, બહેડાં અને ભોરીંગણીનાં મૂળનું ચૂર્ણ સમભાગે લઈને મિક્સ કરવું અને દિવસમાં ત્રણ વાર અડધી-અડધી ચમચી મધ સાથે મેળવીને ચટાડવું. 

પ્રતીકાત્મક તસવીર

મારા દીકરાની ઉંમર ૯ વર્ષની છે. છ મહિનાથી તેને શરદી-કફ આવ-જા કર્યા જ કરે છે. શરૂઆતમાં તો એવી હાલત હતી કે હૉસ્પિટલમાં દાખલ કરવો પડેલો. ઘણી ઍન્ટિ-બાયોટિક પછી સારું તો થયું, પરંતુ એ પછી તેને સૂકી ખાંસી રહી ગઈ જે દર સીઝનમાં ફરીથી ઊપડે છે. થોડા દિવસ પહેલાં તેને ફરીથી કફ થયેલો. ડૉક્ટરે કફ સુકાવાની દવા આપતાં મટી તો ગયું, પણ હજીયે કફ ફેફસાંમાં ક્યારેક ખખડે છે. સૂકી ખાંસી ખાવા ચડે ત્યારે બેવડ વળી જાય છે. એક્સ-રે નૉર્મલ છે. ટીબી પણ નથી, છતાં ખાંસી જ્યારે ચડી ત્યારે ખૂબ કફ નીકળે છે. આનો કાયમી ઇલાજ આયુર્વેદમાં મળે?

મૉડર્ન મેડિસિન ઝટપટ રાહત આપવા માટે કફને સૂકવી નાખે છે. સુકાયેલા કફને કારણે ફેફસાંની નળીઓ જામ થઈ જાય છે. તમે ટીબી રૂલ-આઉટ કરી લીધો છે ત્યારે હવે સુકાયેલો કફ નીકળી જાય એની સારવાર કરવી જરૂરી બને છે. કફ સુકાયેલો હોવાને કારણે વારંવાર ઇન્ફેક્શન થાય છે અને ફેફસાં પૂરી રીતે સાફ નથી થઈ શકતાં. જો તેને સૂકી ખાંસી આવતી હોય તો એ માટે કેટલાંક ઔષધો આપી શકાય. અલબત્ત, એક વાર આયુર્વેદ નિષ્ણાત પાસે નાડી ચેક કરાવીને પછીથી સારવાર શરૂ કરો તો ઉત્તમ. 

સૂકી ખાંસી માટે સિતોપલાદિ, જેઠીમદ, અરડૂસી, સૂંઠ, બહેડાં અને ભોરીંગણીનાં મૂળનું ચૂર્ણ સમભાગે લઈને મિક્સ કરવું અને દિવસમાં ત્રણ વાર અડધી-અડધી ચમચી મધ સાથે મેળવીને ચટાડવું. 
કફ ખોતરાઈને નીકળે એ માટે કંટકારી અવલેહ પણ આપી શકાય. આ અવલેહ સવારે-બપોરે અને સાંજે હૂંફાળા ગરમ પાણી સાથે આપવું. કફ બરાબર છૂટે એ માટે રાતે સૂતાં પહેલાં અજમાને સહેજ શેકીને કૉટનના કપડાંમાં ભરીને એનાથી નાક અને છાતી પર શેક કરવાનું રાખવું. ખાવાપીવામાં પરેજી રાખવી જરૂરી છે. ચીકણું, દૂધ, ચીઝ-બટર, મીઠાઈ-ચૉકલેટ્સ સદંતર બંધ કરવા. 
પાણીમાં હળદર નાખીને ગરમ કરવું અને એની સ્ટીમ નાક અને મોંમાં ભરવી. તમારા દીકરાને પેટ સાફ આવે એ બહુ જ જરૂરી છે. નહીં તો એ શ્વાસની તકલીફમાં પરિણમી શકે છે. પૂરતું પાણી પીવડાવવું અને ફિઝિકલ ઍક્ટિવિટી પણ દિવસમાં એક-બે કલાકની કરે તે જરૂરી છે.

health tips columnists