હાર્ટ-અટૅક પછી ઍન્જિયોપ્લાસ્ટી કરવી કે બાયપાસ એ નિર્ણય પેચીદો છે

08 October, 2024 04:55 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વ્યક્તિને અટૅક આવે ત્યારે ઍન્જિયોગ્રાફીમાં જોવા મળે છે કે ૨-૩ નળીઓમાં વધુ બ્લૉકેજ છે. આ સમયે ઍન્જિયોપ્લાસ્ટી મોંઘી લાગે અને દરદીને એવું લાગી શકે કે બાયપાસ સસ્તી પડશે

પ્રતીકાત્મક તસવીર

અટૅક આવે પછી ઍન્જિયોપ્લાસ્ટી કે બાયપાસ આ પ્રશ્ન દરેક દરદી માટે અને ખાસ કરીને તેમના ઘરના લોકો માટે ઘણો અઘરો બની જતો હોય છે. ઘણી વાર વ્યક્તિને અટૅક આવે ત્યારે ઍન્જિયોગ્રાફીમાં જોવા મળે છે કે ૨-૩ નળીઓમાં વધુ બ્લૉકેજ છે. આ સમયે ઍન્જિયોપ્લાસ્ટી મોંઘી લાગે અને દરદીને એવું લાગી શકે કે બાયપાસ સસ્તી પડશે, પરંતુ હાર્ટ-અટૅક આવ્યા પછી તાત્કાલિક બાયપાસ કરી શકાતી નથી. અટૅક આવ્યા પછી હાર્ટ એકદમ નબળું પડી ગયું હોય છે એટલે તાત્કાલિક એ સર્જરી માટે તૈયાર હોતું નથી માટે બાયપાસ સર્જરી હાર્ટ-અટૅક પછી તાત્કાલિક થતી નથી. એના માટે થોડો સમય થોભવું પડે છે. જ્યારે નળી ૧૦૦ ટકા બ્લૉક છે અને એટલે જ અટૅક આવી ગયો છે ત્યારે રાહ જોવી બિલકુલ યોગ્ય નથી. 

જ્યારે કોઈ વ્યક્તિને હાર્ટ-અટૅક આવી ગયો હોય એ પછી તાત્કાલિક ઍન્જિયોગ્રાફી કરવામાં આવે જ છે જેના દ્વારા વ્યક્તિના હાર્ટની નળીઓમાં કેટલું બ્લૉકેજ છે એ સમજી શકાય છે. હાર્ટ-અટૅક ત્યારે જ આવે છે જ્યારે હાર્ટ સાથે જોડાયેલી કોઈ પણ ધમની ૧૦૦ ટકા બ્લૉક થઈ ગઈ હોય. દરદી જ્યારે અમારી પાસે આવે અને અમને ખબર પડે કે વ્યક્તિને અટૅક આવ્યો છે ત્યારે તેને જરૂરી સારવાર આપીને સ્ટેબલ કર્યા પછી અમે તેની ઍન્જિયોગ્રાફી કરતા હોઈએ છીએ. ખબર પડે કે આ નળીમાં બ્લૉક છે તો એની તાત્કાલિક ઍન્જિયોપ્લાસ્ટી કરાવી લેવી હિતાવહ છે. હાર્ટ-અટૅક પછી હાર્ટનું વધુ ડૅમેજ ન થાય એ માટે તાત્કાલિક કરવામાં આવતી ઍન્જિયોપ્લાસ્ટી આખી દુનિયામાં કરવામાં આવતો સ્ટાન્ડર્ડ ઉપચાર છે. ઍન્જિયોગ્રાફી દરમ્યાન જો ડૉક્ટરને ખબર પડે કે એક ૧૦૦ ટકા બ્લૉક ધમની ઉપરાંત બીજી ધમનીઓમાં પણ ૭૦ ટકાથી વધુ બ્લૉકેજ છે તો એ જ સમયે એ નળીઓમાં પણ ઍન્જિયોપ્લાસ્ટી કરાવવાનો નિર્ણય યોગ્ય ગણાશે, કારણ કે એ ૭૦ ટકા ક્યારેક એક રાતની અંદર ૧૦૦ ટકામાં ફેરવાઈ જાય તો ક્યારેક ૨૦ વર્ષ વીતી જાય તો પણ કઈ ન થાય. આમ, એ રિસ્ક ઘણું વધારે કહેવાય. કોઈ પણ નળી જો ૭૦ ટકાથી વધુ બ્લૉક થઈ હોય તો કાર્ડિયોલૉજિસ્ટ ઍન્જિયોપ્લાસ્ટી કરવાનું સૂચન કરે છે. એનાથી ઓછું બ્લૉકેજ હોય તો ઍન્જિયોપ્લાસ્ટી ન કરાવવી. વળી, લોકો માને છે કે એ લાંબું ચાલતી નથી. એવું જરાય નથી. મારી પાસે એવા દરદીઓ છે જે ૨૦-૨૫ વર્ષથી ઍન્જિયોપ્લાસ્ટી પર જ જીવે છે અને તેમને બીજી કોઈ સર્જરીની જરૂર પડી નથી. માટે એમ માનવું કે ઍન્જિયોપ્લાસ્ટી કાયમી નથી એ ખોટું છે. વળી, આજકાલ તો ઘણા સારી ગુણવત્તાના સ્ટેન્ટ આવે છે જે વર્ષો ટકે છે.

health tips life and style mumbai columnists heart attack