ટ્યુનિંગ ફૉર્ક : જ્યારે સ્પંદનોથી થાય ઇલાજ

10 June, 2024 08:15 AM IST  |  Mumbai | Ruchita Shah

જાતજાતની ફ્રીક્વન્સી હીલિંગની પદ્ધતિઓમાં ભારતમાં હજીયે ઓછા જાણીતા એવા ઍલ્યુનિમિયમના ચીપિયા જેવા સાધનથી તરંગો ઉત્પન્ન કરીને એનાથી શારીરિક અને માનસિક રોગોનો ઇલાજ કઈ રીતે થાય છે એનો પ્રત્યક્ષ અનુભવ જાણી લો

પ્રતીકાત્મક તસવીર

દરેક ધ્વનિમાંથી અમુક વિશિષ્ટ પ્રકારના તરંગો બનતા હોય છે અને આ તરંગોથી ઇલાજ કરવાની પ્રાચીન પરંપરા ફરી એક વાર ચર્ચામાં છે. મંત્રવિજ્ઞાન પ્રભાવશાળી સાઉન્ડ વાઇબ્રેશન્સનું જ પ્રમાણ છે. જોકે જાતજાતની ફ્રીક્વન્સી હીલિંગની પદ્ધતિઓમાં ભારતમાં હજીયે ઓછા જાણીતા એવા ઍલ્યુનિમિયમના ચીપિયા જેવા સાધનથી તરંગો ઉત્પન્ન કરીને એનાથી શારીરિક અને માનસિક રોગોનો ઇલાજ કઈ રીતે થાય છે એનો પ્રત્યક્ષ અનુભવ જાણી લો

કલ્પના કરો કે તમે ટ્રાફિકની વચ્ચોવચ છો. ચારેય બાજુથી કર્કશ હૉર્નના અવાજ અને લોકોના બૂમબરાડાનો ત્રાસ વરતાઈ રહ્યો છે. આ બધા જ અવાજોના અતિરેકથી ક્યાંક ને ક્યાંક તમારો મૂડ પણ ખરાબ થઈ ગયો છે. થોડીક જ ક્ષણમાં તમે તમારી ગાડીમાં બેસો છો. એટલામાં જ કારના મ્યુઝિક-પ્લેયરમાં એક સુંદર ગીતનો નાદ સંભળાય છે. ધીમે-ધીમે તમારું મન શાંત અને મૂડ ફરી તાજો થઈ રહ્યો છે અને ઘરે પહોંચતાં સુધીમાં તો હૉર્નના કર્કશ અવાજને કારણે મનમાં આવેલી ખિન્નતા ક્યાંય ભુલાઈ ગઈ અને મનમાં એ મનગમતા ગીતના બોલ ગણગણતા તમે ઘરની અંદર પ્રવેશો છો.

હવે વિચાર કરો કે જેનાથી તમે ખિન્ન થયા હતા એ હૉર્નનો કર્કશ, પણ હતો તો અવાજ જ અને જે ગીતે તમને મોજમાં લાવી દીધા એ મ્યુઝિક-પ્લેયર પર સાંભળેલો કર્ણપ્રિય નાદ પણ અવાજ હતો. પ્રિયજનનો અવાજ સાંભળો અને તમારા બત્રીસ કોઠે દીવા થયા હોય એવો અનુભવ થાય તો ક્યારેક કોઈક બોલતું હોય ત્યારે તેના અવાજથી ચિડાઈને આ બંધ ક્યારે થશે એવો વિચાર આવી જાય. આ જ પ્રમાણ છે કે સાઉન્ડની એક ચોક્કસ અસર આપણા તન અને મન પર પડે છે. શરીરનાં કેમિકલ્સ એટલે કે હૉર્મોન્સના પ્રમાણમાં હલચલ કરવાની અને એનાથી આપણા શરીરની અને મનની પ્રવૃત્તિઓમાં ઊથલપાથલ કરાવવાની ક્ષમતા પણ આ અવાજમાં છે. આ વાત આપણા પૂર્વજો જાણતા હતા અને એટલે જ મંત્રોની ભેટ આપણા ઋષિમુનિઓ તરફથી આપણને મળી છે. મંત્રવિજ્ઞાનનો પાયો એ વિશિષ્ટ ધ્વનિ તરંગોની થતી પ્રભાવશાળી અસર પર જ ટકેલો છે. સાઉન્ડની અસરને વૈજ્ઞાનિક દૃષ્ટિએ પણ ચકાસવામાં આવી અને સંશોધકોએ એના ઊંડાણમાં જઈને ફ્રીક્વન્સીનું વિજ્ઞાન શોધી કાઢ્યું. દરેક અવાજ એક વાઇબ્રેશન એટલે કે સ્પંદન પેદા કરે છે અને દરેક સ્પંદન એક વિશિષ્ટ આવર્તન એટલે કે ફ્રીક્વન્સી જનરેટ કરે છે. આ ફ્રીક્વન્સી સાથે જોડાયેલી જાતજાતની ઉપચાર પદ્ધતિઓ આજકાલ જાણીતી બની રહી છે. એમાંથી ભારતમાં બહુ જ ઓછા લોકો દ્વારા ઉપયોગમાં લેવાતા ટ્યુનિંગ ફૉર્ક નામના ઍલ્યુમિનિયમના ચીપિયા જેવાં સાધનોથી સીધી જ અમુક પ્રકારની ફ્રીક્વન્સી જનરેટ કરીને ઇલાજ કરવાની પદ્ધતિને કાંદિવલીનાં અમિષા ગુર્જર છેલ્લાં સાતેક વર્ષથી અનુસરી રહ્યાં છે. ભારતમાં જ બનતા ટ્યુનિંગ ફૉર્કનો હીલિંગના સાધન તરીકે ઉપયોગ કરનારા લોકો આપણે ત્યાં ભાગ્યે જ છે, જેમાંનાં અમીષાબહેન એક છે. સાઉન્ડ ફ્રીક્વન્સીની દુનિયામાં છેલ્લા થોડાક સમયથી જાણીતો બનેલો ટ્યુનિંગ ફૉર્ક શું છે અને એ કઈ રીતે કામ કરે છે એ વિષય પર ચર્ચા કરીએ.

અવાજ અને આવર્તન

એક ઍરલાઇનમાં કૅબિન ક્રૂમાં કામ કરી ચૂકેલી અમીષા રેકી પણ શીખી છે અને એમાં જ સાઉન્ડ- હીલિંગ અને ફ્રીક્વન્સી-હીલિંગ વિશેની તેને ખબર પડી. સાઉન્ડ્સ, વાઇબ્રેશન્સ અને ફ્રીક્વન્સીની દુનિયા બહુ જ મૅજિકલ છે એમ જણાવીને અમીષા કહે છે, ‘તાત્કાલિક તમારા શરીરમાં તમે અવાજના કારણે બદલાવ જોઈ શકો છો એનાથી વધારે એની ઇફેક્ટિવનેસનું શું પ્રમાણ હોઈ શકે? હજારો વર્ષોથી માત્ર વાઇબ્રેશન્સથી ઇલાજ થતો આવ્યો છે. વેસ્ટર્ન વર્લ્ડ અને ઈસ્ટર્ન વર્લ્ડ બન્ને જગ્યાએ એનાં પ્રમાણ મળે છે. જોકે ૧૯૭૦ના દશકમાં જપાનના સાયન્ટિસ્ટ ડૉ. જોસેફ પુલેઓએ આ સાઉન્ડ ફ્રીક્વન્સીને ગણિતના ચોકઠામાં મૂકીને કઈ ફ્રીક્વન્સીની શરીર પર શું અસર થાય છે એના પર સંશોધન કર્યું. તેમના થકી આપણને હીલિંગ ફ્રીક્વન્સીના આંકડા મળ્યા અને તેમના જ થકી આપણને છ હીલિંગ ફ્રીક્વન્સી પણ મળી, જે સોલ્ફેજીઓ ફ્રીક્વન્સી તરીકે પૉપ્યુલર છે. હું જે ટ્યુનિંગ ફૉર્ક નામનું ટૂલ વાપરું છું એના થકી આ છ જુદી-જુદી ફ્રીક્વન્સી જનરેટ કરીને વ્યક્તિની સમસ્યા મુજબ એનો ઇલાજ થાય છે. માત્ર શારીરિક કે માનસિક નહીં, પણ આપણા અર્ધજાગ્રત મન એટલે કે સબકૉન્શિયસ માઇન્ડ પર પણ એની જોરદાર અસર થાય છે અને એટલે જ જે પરિણામ આવે છે એ લૉન્ગ ટર્મ હોય છે.’

ભારતીય સંસ્કૃતિ પ્રાણઊર્જાની વાત કરે છે એમ ચાઇનીઝ કલ્ચરમાં ચી એનર્જીની વાત આવે છે. ભારતીય કલ્ચરમાં જેમ પ્રાણઊર્જાનો ઉલ્લેખ આવે છે એમ ચાઇનીઝ લોકો ચી(qi)ની ચર્ચા કરે છે. ઊર્જાનું વહન જ્યાંથી થાય છે એ નાડીઓમાં જ્યારે બ્લૉકેજિસ આવે અને ઊર્જાના નિરંતર વહેતા પ્રવાહમાં વિક્ષેપ ઊભો થાય ત્યારે વ્યક્તિ બીમાર પડે છે. સાઉન્ડ એ સૂક્ષ્મ ઊર્જાના રૂપમાં સ્પંદનો જનરેટ કરે અને શરીરના અસ્તવ્યસ્ત થયેલા ઊર્જાતંત્રને ફરીથી પાટે ચડાવે. સાઉન્ડ વિજ્ઞાનમાં માત્ર આટલું જ સમજવાનું છે. જે બગડ્યું છે એને એનાથી જ સુધારો. ઊર્જાના સ્તરનો ઇલાજ અન્ય ઊર્જા થકી જ કરો.

કઈ રીતે કામ કરે?

એ તો સમજાયું કે ટ્યુનિંગ ફૉર્ક નામનું ચીપિયા જેવું સાધન ફ્રીક્વન્સી જનરેટ કરે, પણ કેવી રીતે? એનો જવાબ આપતાં અમીષા કહે છે, ‘બે વસ્તુ વચ્ચે ઘર્ષણ થાય એટલે ઊર્જા ઉત્પન્ન થાય. મંદિરનો ઘંટ વગાડવા માટે ઘંટમાં રહેલા લોલક જેવા ભાગને ઘંટના છત્રી જેવા ભાગ સાથે અથડાવું પડે. એ જ રીતે ટ્યુનિંગ ફૉર્કને એક ફોર્સ સાથે લાકડી જેવા સાધનથી હીટ કરાય એટલે એની સપાટી પર વિશિષ્ટ પ્રકારનું એની ફ્રીક્વન્સી મુજબનું વાઇબ્રેશન ક્રીએટ થાય. ઝણઝણાટી જેવો આ નાદ માત્ર વ્યક્તિને સંભળાવીને અને કેટલાક કેસમાં તેના જે-તે મેરેડિઅન્સ પર એને મૂકીને એ ભાગને વાઇબ્રેશન કરીને બ્લૉક્ડ એનર્જી ચૅનલ્સ ખોલવામાં આવે. એનું મેકિંગ એવું છે કે આ વાઇબ્રેશન્સ વિશિષ્ટ ફ્રીક્વન્સી અને તીવ્રતા સાથે વ્યક્તિને અનુભવાય. ફોન વાઇબ્રેટ મોડ પર રાખો અને તમે ફીલ કરી શકો એમ ટ્યુનિંગ ફૉર્કની થેરપીમાં પણ આ વાઇબ્રેશન્સને બહુ સ્ટ્રૉન્ગલી તમે ફીલ કરી શકતા હો છો.’

અમીષા જોકે ટ્યુનિંગ ફૉર્ક સાથે તિબેટન સિન્ગિંગ બૉલ, ડ્રમ સાઉન્ડ, ઢોલનો સાઉન્ડ એમ જુદા-જુદા પ્રકારનાં અનેક સાધનોનો ઉપયોગ પોતાના સેશન દરમ્યાન કરતી હોય છે. તે કહે છે, ‘માત્ર એક વસ્તુનો એક જગ્યાએ લાભ થાય, પણ તમે એકસાથે ચાર-પાંચ વસ્તુને મર્જ કરીને ટ્રીટમેન્ટ કરો ત્યારે પરિણામ વધુ ઝડપી અને અસરકારક આવતું હોય છે.’

શું ફાયદા થાય?

આખી દુનિયામાં તમે જે પણ જુઓ છો એ બધામાં જ ફ્રીક્વન્સી છે. અંદર અને બહાર એમ બન્ને દુનિયામાં ફ્રીક્વન્સીનું મહત્ત્વ છે. બટરફ્લાય ઇફેક્ટ તરીકે જાણીતી એક થિયરી કહે છે કે અમુક ફ્રીક્વન્સીમાં બટરફ્લાયનું ફફડવું લાંબા ગાળે દુનિયામાં ધરતીકંપ લાવવા સમર્થ છે. નોબેલ વિજેતા વૈજ્ઞાનિકોએ કરેલી આ શોધ એ સમજાવવા પૂરતી છે કે ફ્રીક્વન્સીનો પાવર શું હશે. અમીષા કહે છે, ‘કૅન્સરના, કિડનીના દરદીઓમાં બે કે ત્રણ સેશનમાં અમને અદ્ભુત અને અકલ્પનીય પરિણામ મળ્યા છે. પહેલાં અને પછીના રિપોર્ટના પુરાવા અમારી પાસે છે. આજકાલ ગ્રહોની ખરાબ ઇફેક્ટને નિવારવામાં મદદ કરનારી પ્લૅનેટરી ફ્રીક્વન્સી આવી ગઈ છે. સૂર્ય વીક હોય કે મંગળ વીક હોય તો એનો ઇલાજ પણ ફ્રીક્વન્સી હીલિંગથી શરૂ થયો છે. એ સિવાય હૉર્મોનલ લેવલ પર થતી બીમારીમાં બહુ સારું અને જલદી પરિણામ મળ્યું છે. જેમ કે ડાયાબિટીઝના દરદીના કેસ છે અમારી પાસે. હાઈ બ્લડ-પ્રેશરમાં ઉપયોગી છે. દુખાવામાં તાત્કાલિક રિઝલ્ટ મળે છે. ઍન્ટિએજિંગ થેરપી તરીકે પણ આ ફ્રીક્વન્સી હીલિંગ ઉપયોગી છે. આપણા બ્રેઇનના થેટા વેવને પ્રભાવિત કરનારાં અમુક હીલિંગ સાઉન્ડ વાઇબ્રેશન્સ પણ થેરપીમાં વપરાય છે; જે સબકૉન્શિયસમાં પડેલાં ડર, ગુસ્સો, ગિલ્ટ વગેરે ઇમોશન્સને દૂર કરવામાં, ઑરા ક્લેન્ઝિંગ કરવામાં, આપણા શરીરનાં ચક્રોને સંતુલિત કરવામાં આ થેરપીનો ઉપયોગ અદ્ભુત રીતે મેં કર્યો છે અને ખૂબ સારાં રિઝલ્ટ પણ મળ્યાં છે.’


ટ્રાય કરો

ટોક્યોની જુન્ટેન્ડો યુનિવર્સિટીમાં થયેલું રિસર્ચ કહે છે કે 528 Hz ફ્રીક્વન્સી સાંભળવાથી આપણા શરીરની અંતઃસ્રાવી ગ્રંથિ અને ઑટોનૉમિક નર્વસ સિસ્ટમ માટે સ્ટ્રેસ રિલીફનું કામ કરે છે. DNA રિપેર કરવા અને વ્યક્તિમાં ટ્રાન્સફૉર્મેશન લાવવામાં પણ એ અકસીર મનાય છે. આ સાઉન્ડ ફ્રીક્વન્સીના ઘણા વિડિયોઝ તમને યુટ્યુબ પર મળી જશે. 

yoga life and style health tips columnists ruchita shah