વધુપડતી તરસ અને બળતરા હોય તો આ ચમત્કારિક પાણી ટ્રાય કરો

05 April, 2023 05:47 PM IST  |  Mumbai | Dr. Ravi Kothari

આ સીઝનમાં સતત તરસ લાગતી હોય, હાથ-પગમાં બળતરા થતી હોય, ગરમીથી તમ્મર ખાઈને બેભાન થઈ જવાય કે પિત્તના જુલાબ જાય તો આયુર્વેદના અષ્ટાંગહૃદયમાં જણાવેલું ષડંગ પાણી ઉત્તમ ઔષધ બનશે

પ્રતીકાત્મક તસવીર

પેશાબમાં બળતરા રહેતી હોય, ખૂબ કૉન્સન્ટ્રેટેડ પીળો પેશાબ થતો હોય તો આ પાણી છૂટથી પીવાથી બળતરા અને પીળાશ બન્નેમાં ઘાટો થાય છે.

મોટી ઉંમરે ગરમી સહન કરવાની ક્ષમતા પણ ઘટી જાય છે અને તમે ગમેએટલાં ઠંડાં પીણાં પીઓ તોય જાણે તરસ છીપતી જ નથી. વડીલોને તો મોંની ચામડી પાતળી થઈ હોવાથી મોં સતત સુકાયા જ કરે છે. પસીનાને કારણે ડીહાઇડ્રેશન થાય ત્યારે આંખે અંધારાં આવીને તમ્મર આવી જાય એવું બનવું પણ સામાન્ય છે. આપણા શહેરના હ્યુમિડ વાતાવરણમાં વધુ પાણી પીવાથી વધુ પસીનો થાય અને મિનરલ્સની કમી સરજાય એવું પણ બનતું હોય છે. એવામાં હાઇપોટેન્શન અને વીકનેસ વધી જાય છે. આ તમામ સમસ્યાઓ માટે આયુર્વેદમાં એક ખાસ પાણીનો ઔષધપ્રયોગ છે. એનાથી બહારની ગરમી વચ્ચે કુદરતી રીતે શરીરનું તાપમાન જાળવવાની ક્ષમતા વધે છે અને આંતરિક કૂલિંગ સિસ્ટમ સુવ્યવસ્થિત બને છે. આ પાણી અંદરથી શરીરને ઠંડક તો આપે જ છે, પણ પિત્તની સમસ્યાઓમાં પણ રાહતરૂપ રહે છે. 

અષ્ટાંગહૃદયમાં આ ઔષધનો ઉલ્લેખ છે. એમાં પાણીની અંદર છ દ્રવ્યો પડતાં હોવાથી ષડંગ પાણી કહેવાય છે. મુસ્તા, પર્પટ, ઉશીર, ચંદન, ઉદિચ્ય અને નાગર. આ છ ઔષધોનાં કૉમન નામો છે નાગરમોથ, પિત્તપાપડો, ખસના વાળા, શ્વેત ચંદન, સુગંધી વાળો અને સૂંઠ. આ છ દ્રવ્યોને પલાળીને ઉકાળીને ઠારેલું પાણી એટલે ષડંગ પાણી. ફાર્મસીમાં તો હવે એનું કૉન્સન્ટ્રેટેડ ષડંગ કષાય બનાવીને વેચે છે. કષાયની સાંદ્રતા કેટલી છે એને આધારે એમાં ૨૦૦થી ૨૫૦ મિલીલિટર પાણી મેળવીને લેવાનું હોય. 

કેવી રીતે બનાવવું ષડંગ પાણી? 

જો એક લિટર પાણી બનાવવું હોય તો ઉપરોક્ત છ દ્રવ્યોનું ચૂર્ણ એક-એક નાની ચમચી જેટલું લેવું. રાતના સૂતાં પહેલાં એને પાણીમાં પલાળી લેવું. આઠથી દસ કલાક માટે પલાળી રાખવું. બીજા દિવસે સવારે આ પાણીને સુતરાઉ કપડાથી ગાળી લેવું. ગાળેલું પાણી માટલીમાં ભરી લેવું. કુદરતી રીતે માટલીમાં ઠરેલા આ પાણીમાં ઉપરોક્ત દ્રવ્યોની માઇલ્ડ ફ્લેવર આવી ગઈ હશે. દિવસમાં સમયાંતરે આ પાણી ઘૂંટડે-ઘૂંટડે પીવામાં આવે તો એ શરીરને બાહ્ય ગરમી સામે ટકી રહેવામાં મદદ કરે છે. 

ફાયદા અને પ્રયોગો 

નાગરમોથ ગરમીને કારણે થતા જુલાબ અટકાવે છે. લૂ લાગી જવાને કારણે જુલાબ થઈ જતા હોય તો એ નાગરમોથથી અટકે છે. આ દ્રવ્ય ફીમેલ ટૉનિક પણ છે. એ લોહી અને શરીરની શુદ્ધિનું કામ કરે છે. એ લોહીની વધારાની ગરમી કે પિત્તને શાંત કરીને શરીરને ઠંડક આપે છે.

પિત્તપાપડો પિત્તનું શમન કરવા માટે જાણીતો છે. એ ત્વચાની બળતરા શાંત કરે છે અને વર્ણ સુધારે છે. 

સુગંધી વાળો અને ખસનો વાળો શીતળ દ્રવ્યો છે. એ પાણીને અનેરી સુગંધ આપવા સાથે કુદરતી રીતે ઠંડું બનાવે છે. એ થર્મલ મૉનિટરિંગનું કામ કરીને શરીરનું તાપમાન ઘટાડવામાં મદદ કરે છે.

ચંદન આંતરિક અને બાહ્ય બન્ને પ્રકારના સેવનથી ઠંડક આપનારું છે. એની ફ્લેવરવાળું પાણી પીધા પછી તૃપ્તિ ફીલ થાય છે. 

સૂંઠ શરીરમાં લોહીનું સર્ક્યુલેશન સુધારે છે. સામાન્ય રીતે ગરમીમાં ડીહાઇડ્રેશન થવાને કારણે પાણીનું પ્રમાણ ઘટી જાય છે અને બ્લડ-પ્રેશર ઘટી ગયું હોય એવું લાગે છે. સૂંઠ ઘટેલું બ્લડ-પ્રેશર ઊંચું લાવે છે. એ કુદરતી રીતે જ ઇમ્યુન સિસ્ટમ સુધારનારી છે અને ઍન્ટિ-બૅક્ટેરિયલ તેમ જ ઍન્ટિ-વાઇરલ છે એટલે આ સીઝનમાં થતા ચેપોથી શરીરને સુરક્ષાકવચ બને છે. 

ચેતવણી 

જો તમે નિયમિત બ્લડ-પ્રેશરના દરદી હો તો ષડંગ પાણીમાં સૂંઠનો ઉપયોગ ન કરવો જોઈએ. હાઇપરટેન્શનના દરદીઓએ સૂંઠ સિવાયનાં પાંચ દ્રવ્યો મેળવીને એનું પાણી બનાવવું.

columnists life and style dr ravi kothari