06 December, 2023 09:16 AM IST | Mumbai | Ruchita Shah
પ્રતીકાત્મક તસવીર
ભૂતકાળમાં પણ આ વાત વિશે આપણે ચર્ચા કરી છે અને આજે ફરી વાર કહીશું કે આપણા શરીરમાં કંઈ જ અકારણ નથી. શરીરના કોઈક હિસ્સામાં રુવાંટી છે અને કોઈ હિસ્સામાં નથી. કોઈક હિસ્સામાં હાડકું છે તો કોઈક હિસ્સામાં સૉફ્ટ લિગામેન્ટ, એ બધા જ પાછળ તર્કબદ્ધ કારણો છે. એટલે જ દુનિયાના શ્રેષ્ઠતમ મશીનમાં માનવ શરીરનો કોઈ પર્યાય નથી. હવે આટલા સુંદર મેકૅનિઝમવાળા શરીરમાં લગભગ સાડાછસો જેટલા મસલ્સ હોય તો એકેય એમાં અકારણ ન જ હોય એ દેખીતી વાત છે પરંતુ એ પછી પણ કેટલાક મસલ્સ ખાસમખાસ છે. એમાં આપણે સ્થાન આપી શકીએ પેટ, નિતંબ, કમરના હિસ્સામાં આવેલા કેટલાક સ્નાયુઓને. જી હા, આપણા શરીરમાં રહેલા આ સ્નાયુઓ શરીરની કાર્યપ્રણાલીમાં સ્મૂધનેસ અકબંધ રાખવા માટે પ્રાઇમ ભૂમિકામાં છે. એ જો બરાબર સક્રિય હશે તો શરીરની સ્થિરતા અકબંધ રહેશે. તમે કોઈ પણ ઍક્ટિવિટી કરો તો એમાં જે મોશન છે એની શરૂઆત આ મસલ્સમાંથી જનરેટ થાય અથવા તો એમાંથી જ એ ગતિ પસાર થાય. શરીરને સ્ટેબલ રાખવાનું કામ કરે છે આ સ્નાયુઓ, આકસ્મિક ઝાટકાઓને ઍબ્સૉર્બ કરીને તમારાં ઇન્ટર્નલ ઑર્ગન્સને પ્રોટેક્ટ કરવાનું કામ કરે છે આ સ્નાયુઓ. રસ્તા પર ચાલવાથી લઈને દોડવામાં, હાથ ઉપાડવામાં, શ્વાસ લેવામાં, ભોજન એમ અનેક રીતે પેટ, નિતંબ, કમર વગેરે હિસ્સામાં આવેલા મુખ્ય સ્નાયુઓ મહત્ત્વના છે. તમારા જીવનની સામાન્યમાં સામાન્ય ઍક્ટિવિટીમાં પણ આ સ્નાયુઓનું જોરદાર કૉન્ટ્રિબ્યુશન છે.
ગોટાળા થાય
જો સ્નાયુઓનો આ ગુચ્છો બરાબર કામ ન કરતો હોય તો તમારા રૂટીનમાં તો વિક્ષેપ ઊભો થાય જ પરંતુ સાથે પડી જવાના, વાગી જવાના બનાવ વધુ બની શકે; કારણ કે તમારા શરીરને સંતુલિત અને સ્થિર રાખવામાં પણ એ અનિવાર્ય છે. જો કોર મસલ્સ વીક હોય તો એની અસર તમારા સંતુલન પર તો પડશે સાથે ધીમે-ધીમે સ્નાયુઓને લગતો પગ, કમર, ઘૂંટણ વગેરે એરિયામાં દુખાવો, ટિંગલિંગ સેન્સેશન્સ, બૅલૅન્સનો અભાવ વગેરે થતું હોય છે. સૂર્યનમસ્કાર, દરેક પ્રકારના સૂક્ષ્મ વ્યાયાયામ, ભસ્ત્રિકા, કપાલભાતિ, અગ્નિસાર, નૌલી જેવી ક્રિયાઓથી એને મજબૂતી પ્રદાન કરી શકાય. આખા શરીરની સપોર્ટ સિસ્ટમ ગણી શકો છો તમે આ સ્નાયુઓને. પેટના નીચેના ભાગના સ્નાયુઓ, પેલ્વિક ફ્લોર એટલે કે નિતંબ અને સાથળ પાસેના કેટલાક સ્નાયુઓ, કમર પાસેના કેટલાક સ્નાયુઓ જો સ્ટ્રૉન્ગ હોય તો પ્રેગ્નન્સી દરમ્યાન તો રિકવરી જલદી થાય છે. વીરભદ્રાસન કે વૃક્ષાસન પણ કરો તો સહેજ પેટને અંદરની તરફ ખેંચો અને કમરના હિસ્સાને પણ સહેજ પાછળ ખેંચો તો તમારા એ એરિયાના તમામ સ્નાયુઓ ઍક્ટિવ થઈ જશે. એ દરમ્યાન શ્વસન ચાલુ રાખો. જોકે આ અભ્યાસ શીખવામાં લોકોને સમય લાગતો હોય છે. કોઈ પણ બૅલૅન્સિંગ આસનો કરો તો એનાથી તમારા આ મસલ્સ સ્ટ્રૉન્ગ બનતા હોય છે. સેતુબંધાસન નામનું આસન કરો ત્યારે આ પેલ્વિક ટિલ્ટ આપોઆપ થતું હોય છે.
સ્નાયુઓ મજબૂત થાય તો
જો તમારા પેટ અને એની આજાબાજુના મસલ્સ સ્ટ્રૉન્ગ હોય તો ગમેતેવી ઊબડખાબડ જગ્યાએ પણ જશો તો પણ તમારું બૅલૅન્સ જળવાયેલું રહેશે. સંતુલન ગુમાવવાને કારણે પડી જવાના ચાન્સ બહુ જ ઘટી જશે. તમારું ખોટું પૉશ્ચર તમને અનેક પ્રકારના દુખાવાથી ગ્રસ્ત કરે છે; જ્યારે આ સ્નાયુઓ સ્ટ્રૉન્ગ હોય ત્યારે આપમેળે જ વ્યક્તિનું પૉશ્ચર સુધરે એટલું જ નહીં, ખોટા પૉશ્ચરને કારણે શારીરિક અને માનસિક સ્તર પર જે હેલ્થ ઇશ્યુઝ થતા હોય એને પણ અવૉઇડ કરી શકાય. શ્વસન સુધરે એ પણ એક મહત્ત્વપૂર્ણ લાભ છે.