22 February, 2023 04:43 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
કફને સૂકવી નાખતાં કફસિરપ લેવાથી બૉડીમાંથી ટૉક્સિન્સ બહાર નીકળવાની પ્રક્રિયા અટકી જાય છે અને સુકાઈ ગયેલો કફ લાંબા ગાળે વધુ હેરાન કરે છે.
શું આજકાલ તમે ઊઠો ત્યારે જાણે ભયંકર શરદી થવાની હોય એટલો કફ નાક અને મોંમાંથી નીકળે છે?
ગળામાં થોડુંક ખિચખિચ રહ્યા કરે, ખાંસી ખાવાથી કફ નીકળશે એવું લાગે પણ નીકળતો નથી?
નાકમાંથી કફ નીકળવાનું પ્રમાણ વધારે છે અને ગળામાંથી ઓછું, એમ છતાં ગળું ખંખેર્યા કરવું પડે એવો કફ જમા થઈ ગયો છે એવું લાગે છે?
ક્યારેક જરીક અમથું ખાંસવાથી પણ ગળામાં કફનો ગળફો નીકળી આવે છે?
સવારે નાક જૅમ થઈ ગયું હોય એવું લાગે અને જેમ-જેમ દિવસ ચડતો જાય, કફ નીકળવા લાગે અને જાણે કશું નથી થયું એવું લાગે?
યસ, આ બધાં જ લક્ષણો ઋતુસંધિનાં છે. દરેક ઋતુસંધિ વખતે વાત, પિત્ત અને કફમાં આવતા અસંતુલન વિશે ઘણી વાર વાત કરી છે અને હજીયે કરતાં રહીશું કેમ કે આપણે ઋતુ પ્રમાણે આપણો આહાર-વિહાર બદલવો જોઈએ એ બાબતે હજીયે સભાન નથી. રાધર, આજકાલ ખોટી લાઇફસ્ટાઇલને કારણે ઋતુસંધિ દરમ્યાન આવતા રોગનાં લક્ષણો વધુ તીવ્ર બનતાં જાય છે. ઇન ફૅક્ટ ગ્લોબલ વૉર્મિંગને કારણે ઋતુઓની લાક્ષણિકતાઓ બદલાવા લાગી છે. હાલમાં આપણે શિશિરમાંથી વસંત ઋતુમાં પ્રવેશી રહ્યા છીએ.
ઠંડીની સીઝનમાં આપણે સારું પોષણ મળે એવી ચીજો ખાધી છે જે ગળી, ચીકણી અને પચવામાં ભારે હોય છે. આને કારણે શરીરમાં કફનો સંચય થતો હોય છે. હવે ગરમીની શરૂઆત થઈ છે, એને કારણે સંચય થયેલો કફ હવે પીગળે છે. અલબત્ત, અત્યારે મિક્સ સીઝન છે. સવારે થોડીક ઠંડક હોય અને બપોરે બળબળતો તાપ. છેલ્લા પંદર દિવસમાં એક દિવસના મૅક્સિમમ અને મિનિમમ ટેમ્પરેચરની વચ્ચેનો જે તફાવત પણ નોંધાયો છે એને કારણે અત્યારે શરદી અને કફનો પ્રકોપ વધી ગયો છે અને કફ પૂરેપૂરો પીગળતો ન હોવાથી ગળામાં ખિચખિચ થઈને ભરાઈ રહે છે અને હેરાન કરે છે. રાતના સમયે કફ સંચિત થઈને ગળામાં આવે છે, એને કારણે સવારે ઊઠો ત્યારે ગળફો અને લીંટ વાટે કફ સારોએવો નીકળે છે. આ લક્ષણ ખૂબ સારું છે. એને કદી રોકવું નહીં. સવારે કફ નીકળી જવો એ બૉડી ડિટૉક્સિફાય થઈ રહ્યું હોવાની નિશાની છે. અને એટલે જ આ લક્ષણોને ડામવા માટે કંઈ જ ન કરવું. તમે કફ દબાવશો કે કફ ન નીકળે એ માટે દવા લેશો તો એ સુકાઈ જશે અને સુકાયેલો કફ વધુ હેરાન કરશે. સુકાયેલો કફ શ્વાસ લેવામાં તકલીફ વધારશે અને લાંબા ગાળે નુકસાન કરશે.
વડીલ હોય, બાળકો હોય કે જિંદગીમાં ભાગદોડ કરી રહેલાં સ્ત્રી-પુરુષો, બધાએ આ સીઝનમાં કફ જેટલો નીકળે એટલે નીકળી જાય એ માટેના પ્રયત્નો કરવા જોઈએ. સૂકવેલો કફ ગળામાં ઇન્ફેક્શન પેદા કરશે અને એ કદાચ અત્યારે નહીં પરંતુ આગામી ઋતુસંધિ એટલે કે જ્યારે બળબળતી ગરમીમાંથી ઠંડક તરફની સીઝન આવશે ત્યારે વધુ હેરાન કરશે.
આ પણ વાંચો: કેમ વડીલોને જ વધુ કબજિયાત થાય છે?
તો ચાલો, આજે કફ કાઢી નાખવા માટે શું કરવું એ જોઈએ.
સૌથી પહેલાં તો બપોરે ગરમી લાગે ત્યારે ઠંડી ચીજો ખાઈ લેવાનું ટાળવું. બરફવાળું પાણી, શરબત કે સૉફ્ટ ડ્રિન્ક્સ ન પીવાં. જે પણ પીણું લો એ નૉર્મલ રૂમ ટેમ્પરેચરવાળું હોય એ ઉત્તમ.
માથું ભારે લાગતું હોય અને નાકમાંથી કફ નીકળતો હોય અને ખોં-ખોં કર્યા પછી ગળફો થોડોક નીકળતો હોય તો બાફ લો. ગરમ પાણીમાં અજમો નાખીને નાક અને મોં વાટે એ વરાળને અંદર જવા દો. એનાથી નાક અને ગળાનો કફ પીગળીને નીકળશે.
અવિરત ખાંસી અચાનક જ આવવા લાગતી હોય તો આયુર્વેદમાં ખદિરાદી વટી આવે છે એ લઈ શકાય. કેટલીક અલગ-અલગ ફાર્મસીમાં એ કંઠિકા કે કંઠિલના નામે પણ મળે છે.
રાતે સૂતાં પહેલાં એક લાકડી જેઠીમધની એક ગ્લાસ પાણીમાં પલાળી લો. લાકડી ન હોય તો અડધી ચમચી ચૂર્ણ પણ પાણીમાં પલાળી શકાય. એ પાણીને ગાળી લો. જે તૈયાર થશે એને ફાંટ કહેવાય. આ ફાંટ નરણા કોઠે પી લેવી. જો લાકડી યુઝ કરી હોય તો એ જ લાકડી તમે મોંમાં નાખીને ચૂસી શકો છો.
દિવસ દરમ્યાન જો સૂકી ખાંસી રહ્યા કરતી હોય તો જેઠીમધનો શીરો, જે કાળા રંગની લાકડી રૂપે આયુર્વેદની દુકાને તૈયાર મળે છે એનો ટુકડો મોંમાં રાખવી મૂકવો. ધીમે-ધીમે એનો રસ ગળામાં ઊતરતો જશે તો કફ દૂર થશે. જેઠીમધનો શીરો ગળામાં ઠંડક પણ કરે છે એટલે તમને કંઈક ઠંડું-ગળ્યું ખાઈ કે પી લેવાનું ક્રેવિંગ પણ ઘટી જશે.
કફ સુકાઈ ગયો હોય અને લૂખી ઉધરસ આવતી હોય તો એને ચીકણો કરીને કાઢવા માટે ગાયનું ઘી વાપરવું. એક ગ્લાસ ગરમ પાણીમાં ગાયનું ઘી અને ચપટીક નમક નાખીને પીવું. એનાથી સુકાયેલો કફ પીગળીને નીકળશે.