24 January, 2025 07:13 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઍસિડિટીની તકલીફ ઘણા લોકોને સાવ સામાન્ય લાગે છે. એક સમય હતો જ્યારે દરરોજ થતી પેટની કે છાતીની બળતરા કે ઘચરકા કે ખાટા ઓડકાર કે માથાનો દુખાવો વગેરેની તકલીફ ફક્ત ૫૦ વર્ષથી ઉપરના લોકોને જ થતી હતી. યુવાન વયમાં કોઈ કહે કે મને આટલું તીખું નથી ખાવું કે માફક નહીં આવે તો લોકો એના પર હસતા, પરંતુ આજકાલ સમય બદલાયો છે. યુવાનો ખીચડી પર આવી ગયા છે, કારણ કે યુવાનોમાં ઍસિડિટી અને ગૅસની તકલીફ જોવા મળે છે. ફક્ત જોવા મળે છે એવું નહીં પરંતુ તેમનામાં એવી ઍસિડિટી જોવા મળે છે જેને કારણે તેમના રોજિંદા કામકાજ પર પણ અસર પડતી દેખાય છે. ૧૮-૪૦ વર્ષના લોકોમાં ઍસિડિટીનું વધતું પ્રમાણ ચિંતાજનક છે.
યુવાનોમાં ઍસિડિટી થવા પાછળનાં કારણોમાં પહેલું કારણ છે અપૂરતી ઊંઘ. આજના યુવાનો માટે રાત્રી જાગરણ ફૅશન બની ગયું છે. મુંબઈ જેવા શહેરમાં તો રાત્રે ૧૨ પહેલાં કોઈ સૂઈ જાય તો લોકો નવાઈ પામે છે. આ રાતના ઉજાગરાઓ શરીરમાં બિનજરૂરી વધુપડતા ઍસિડનું નિર્માણ કરે છે. એટલે જરૂરી છે કે આ આદતોને બદલવી. બીજું કારણ છે આલ્કોહોલ અને સ્મોકિંગ. યુવાનોમાં આ બન્ને કુટેવ ઘણી વધારે માત્રામાં જોવા મળે છે. ઘણા લોકો એવા પણ છે જે માને છે કે યુવાન વયે આ આદતો નુકસાન કરતી નથી. હકીકત એ છે કે આ કુટેવો કોઈ પણ ઉંમરે નુકસાન કરે જ છે. ત્રીજું કારણ છે બહારનો ખોરાક. યુવાન લોકો તો બહારનું ખાવાના વધુ શોખીન હોય છે. શનિ-રવિવારે પાર્ટીઝ કરવાની શોખીન જનતા ઍસિડિટીનો ભોગ બનવાની જ છે. તીખું તળેલું ખાવાનો શોખ ઘણો હોય છે. આ સિવાય યુવાનો ખાય ત્યારે ખાય બાકી લાંબો સમય કામના કારણે ખૂબ ભૂખ્યા રહે છે. એને લીધે પણ ઍસિડિટીની તકલીફ વધે છે. ચોથું કારણ છે બેઠાડુ જીવન. આજકાલ યુવાનો કામ ઘણું કરે છે. ૨૪ કલાકમાંથી ૧૮ કલાક કામ કરે છે પરંતુ આ કામ બેઠાડુ છે. જ્યારે વ્યક્તિ બેઠાડુ જીવન જીવે છે ત્યારે પણ તેના શરીરમાં ઍસિડિટી વધુ બને છે કારણ કે બેઠાડુ જીવન પાચનતંત્ર પર ઘણું અસર કરે છે. પાંચમું કારણ છે સ્ટ્રેસ. આજના યુવાનોના જીવનની સૌથી મોટી તકલીફ છે સ્ટ્રેસ. ઍવરેજ દરેક યુવાન આજે એ સહન કરી શકે એના કરતાં ઘણા વધુ સ્ટ્રેસને સહન કરતો હોય છે. આ સ્ટ્રેસ શરીરમાં ઍસિડિટીની માત્રાને ખૂબ વધારી દે છે. આ કારણોને સમજીને એના પર કામ કરવું જરૂરી છે. યુવાન વયે ઍસિડિટી કેટલાય રોગોને તાણી લાવે એ પહેલાં ચેતવું જરૂરી છે.
- ડૉ. સુશીલ શાહ
(લેખક અનુભવી ફૅમિલી ફિઝિશ્યન છે.)