15 October, 2024 02:42 PM IST | Mumbai | Jigisha Jain
પ્રતીકાત્મક તસવીર
હા, ભલે માર્કેટિંગ દરમ્યાન થતી જાહેરાતોમાં સાબુથી બૅક્ટેરિયા દૂર થવાની જાહેરાતોનો મારો ચાલતો હોય, પણ વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનની ગાઇડલાઇન્સ પણ કહે છે કે જમતાં પહેલાં સિમ્પલ પાણીથી હાથ ધોવાનું વધુ ઉચિત છે. ઍન્ટિબૅક્ટેરિયલ સાબુના વધુ વપરાશથી ઍન્ટિમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ ડેવલપ થાય છે. આજે ગ્લોબલ હૅન્ડ વૉશિંગ ડે નિમિત્તે હાથ ધોવાની જરૂરિયાતની સાથે કેવી રીતે અને શેનાથી હાથ ધોવા એનું મહત્ત્વ પણ સમજી લઈએ
યુનિસેફના આંકડાઓ મુજબ દુનિયામાં દર ૩૦ સેકન્ડે એક બાળક ન્યુમોનિયા કે ડાયેરિયાથી મૃત્યુ પામે છે. આ રીતે પાંચ વર્ષથી નીચેનાં ૧.૨ મિલ્યન બાળકો દર વર્ષે આ બન્ને રોગને કારણે મૃત્યુ પામે છે, જેને કારણે યુનિસેફ દ્વારા ઘણાં વર્ષોથી હૅન્ડ-વૉશિંગની પહેલ ચાલી રહી છે. ફક્ત હાથ ધોવાની એક નાનકડી આદતને કારણે ૪૫ ટકા ડાયેરિયા અને ૨૩ ટકા જેટલા ન્યુમોનિયાના કેસ ઘટી ગયેલા પણ જોવા મળ્યા છે. UNના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સમાં સાબુથી હાથ ધોવાની આદતને છઠ્ઠા નંબરનો ગોલ બનાવવામાં આવ્યો છે, કારણ કે જો એ સ્થાપિત થઈ જાય તો દર વર્ષે ૨,૩૦,૦૦૦ મૃત્યુને ખાળી શકીએ છીએ. ભારત સરકાર અને કેટલીયે સમાજસેવી સંસ્થાઓ મળીને હૅન્ડ-વૉશિંગની આદત કેળવવા માટે છેલ્લાં કેટલાંક વર્ષોથી ઘણી સઘન રીતે પ્રયત્નશીલ છે. છતાં ૨૦૧૮ના આંકડાઓ કહે છે કે કુલ વસ્તીના ફક્ત ૩૫.૮૨ ટકા લોકો દરરોજ જમ્યા પહેલાં નિયમિત રીતે હાથ ધુએ છે. જ્ઞાનનો અભાવ નથી, જાગૃતિનો પણ અભાવ નથી; દરેક વ્યક્તિને ખબર જ હોય છે કે જમતાં પહેલાં હાથ ધોવા જોઈએ. હવે તો પાણી અને સાબુ જેવી મૂળભૂત જરૂરિયાતોનો પણ અભાવ નથી, છતાં આ આંકડો સૂચવે છે કે આપણે સારી સ્વચ્છતાની આદતો પ્રત્યે કેટલી ઉદાસીનતા સેવીએ છીએ.
ખતરો કઈ રીતે?
સમગ્ર દુનિયામાં વીસ લાખ લોકો દર વર્ષે ખોરાક અને પાણીને કારણે ફેલાતા રોગોથી મૃત્યુ પામે છે. ખાસ કરીને નાનાં બાળકો, વૃદ્ધ લોકો, પ્રેગ્નન્ટ મહિલાઓ, કુપોષણના શિકાર લોકો, HIV, કીમોથેરપી લેતા દરદીઓ કે એવા જ બીજા રોગગ્રસ્ત લોકો જેમની રોગપ્રતિકારક શક્તિ ખૂબ નબળી પડી ગઈ હોય એ બધા પર ખોરાકથી ફેલાતા ઇન્ફેક્શનનું રિસ્ક ઘણું વધારે રહે છે. એ વિશે વાત કરતાં દહિસરના ફૅમિલી ફિઝિશ્યન ડૉ. સુશીલ શાહ કહે છે, ‘દુનિયામાં કોઈ પણ મેડિસિન વ્યક્તિને એટલા રોગોથી બચાવી નથી શકી જેટલા રોગોથી બચાવ ફક્ત એક આદત દ્વારા થયો છે અને એ આદત છે જમ્યા પહેલાં હાથ ધોવાની આદત. ખોરાકથી ફેલાતા અઢળક રોગોનો અકસીર ઇલાજ અને એની દવાઓ કરતાં જે ઉપાય સૌથી સરળ છે, સસ્તો છે એ છે એના રોગોથી બચવાના રસ્તાઓ; જેમાં જમતાં પહેલાં હાથ ધોવાની આદત સૌથી બેસ્ટ ઉપાય છે.’
આદત જ નથી
કોરોનાના સમયમાં લોકો ઘણા હાથ ધોતા હતા. સાબુ તો છોડો, દરેક જગ્યાએ સૅનિટાઇઝર વાપરતા હતા. કારણકે એ સમયે દેખીતો ડર હતો. એ વિશે વાત કરતાં ડૉ. સુશીલ શાહ કહે છે, ‘જેવા કોરોનાના કેસ ધીમે-ધીમે ઘટવા લાગ્યા, માર્કેટમાંથી સૅનિટાઇઝરનું વેચાણ પણ ઘટવા લાગ્યુ હતું. કેટલાક સમજદાર લોકો ટ્રાવેલિંગમાં જ્યાં પાણી ન હોય ત્યાં વાપરવા માટે એક નાની સૅનિટાઇઝરની શીશી પર્સમાં રાખતા જોવા મળી રહ્યા છે. હાજતે જઈને હાથ ધોવાની પ્રથા આપણા દેશમાં પહેલેથી સ્થાપિત હોવાથી એ બાબતે ચિંતા નથી, પરંતુ હજી પણ જમતાં પહેલાં હાથ ધોવાની આદત નથી, જે ચિંતાનો વિષય છે.’
કયો સાબુ સારો?
લોકોની બીજી ચિંતા એ છે કે હાથ તો ધોઈ લઈએ પણ એ ધોવા શેનાથી? ટેલિવિઝન પર ઍન્ટિબૅક્ટેરિયલ સાબુ અને લિક્વિડ સોપે જાહેરાતો કરી-કરીને આપણા મનમાં એ ઠસાવી દીધું છે કે હાથ ધોવા હોય તો એવો જ સાબુ જોઈશે જે બધા બૅક્ટેરિયાને મારી નાખે. જાહેરાતોમાં જોતી વખતે સામાન્ય વ્યક્તિઓને પ્રશ્ન પણ થાય છે કે આ ૯૯ ટકા બૅક્ટેરિયાને જ મારી શકે છે? એક ટકાને કેમ બચાવે છે? આપણા મનમાં એ ઠસાવી દેવામાં આવ્યું છે કે બધા બૅક્ટેરિયાને ખતમ કરો તો જ તમે સ્વસ્થ રહી શકશો, પણ એવું નથી. ઍન્ટિબૅક્ટેરિયલ સાબુઓને અંદરો-અંદર લડવા દો. કોઈ ૯૯ ટકા કીટાણુ મારે છે તો કોઈ ૯૯.૯૯ ટકા, પણ હકીકતે કયા પ્રકારનો સાબુ વાપરવો યોગ્ય કહી શકાય? શું સ્વસ્થ રહેવા માટે હાથ પર રહેલા બધા બૅક્ટેરિયાને મારવા જરૂરી છે? આ બાબતે સમજવાની કોશિશ કરીએ.
હાથ ધોવા જરૂરી
વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનની ગાઇડલાઇન્સ મુજબ હાથ ધોવાની આદત જરૂરી છે, પરંતુ હાથ ધોવા માટે ઍન્ટિબૅક્ટેરિયલ સોપ જરૂરી નથી. કોઈ પણ નૉર્મલ સાબુ અને પાણીથી ધોયેલા હાથ એકદમ સેફ છે. એટલી જ આદત પાડવાની છે કે દરેક વ્યક્તિ જમતાં પહેલાં કે ખોરાકને અડ્યા પહેલાં હાથ ધુએ. લોખંડવાલા, અંધેરીનાં જનરલ ફિઝિશ્યન ડૉ. બિનિતા મહેતા આ વાત સમજાવતાં કહે છે, ‘ધૂળ કે મેલમાં જે હાનિકારક બૅક્ટેરિયા છે એ જમતી વખતે કે જમવાનું બનાવતી વખતે હથેળી પર ન હોવા જોઈએ એ જરૂરી છે. જો એ અટકાવી શકાય તો ઘણા રોગોને અટકાવી શકાય. પરંતુ એ મેલ, ધૂળ કે હાનિકારક બૅક્ટેરિયા માટે કોઈ પણ સાબુ પૂરતો છે.’
ઍન્ટિબૅક્ટેરિયલ સાબુ જરૂરી નથી
પણ લોકો એ નથી જાણતા કે ઍન્ટિબૅક્ટેરિયલ સાબુ વાપરવો જરૂરી નથી. એ વાત સાથે સહમત થતાં ડૉ. બિનિતા મહેતા કહે છે, ‘સાબુની કંપનીઓએ માર્કેટિંગ જ એવું કર્યું છે કે લોકોને લાગે છે કે જો બીમારીથી બચવું હોય તો આ સાબુઓ જ વાપરવા પડશે. એને કારણે ઘર-ઘરમાં આપણે ઍન્ટિબૅક્ટેરિયલ સાબુ જ વાપરતા થઈ ગયા છીએ. હકીકત એ છે કે ઍન્ટિબૅક્ટેરિયલ સાબુ વાપરવો ફરજિયાત નથી જ. ઊલટું એનો અતિરેક થાય તો ફાયદા કરતાં નુકસાન વધુ થાય છે. મેડિકલ અને પૅરામેડિકલ સ્ટાફ માટે જો દિવસમાં ૧૦ વખત ઍન્ટિબૅક્ટેરિયલ સાબુ કે સૅનિટાઇઝર જરૂરી બને છે તો એક સામાન્ય વ્યક્તિ માટે બે વખત પણ ઘણું થઈ ગયું. એનાથી વધુ એ સાબુની તમને જરૂર નથી. એવું કોઈ રિસર્ચ કે સ્ટડી નથી જે સાબિત કરી શકે કે ઍન્ટિબૅક્ટેરિયલ સોપ સાદા સાબુ કરતાં વધુ ઉપયોગી છે. એટલે એવું માનવું નહીં.’
નુકસાન શેનું?
ઍન્ટિબેક્ટેરિયલ સાબુથી ખાસ ફાયદો નથી એ તો સમજાયું પણ શું એનાથી કોઈ નુકસાન પણ છે? આ બાબતે સમજાવતાં ડૉ. બિનિતા મહેતા કહે છે, ‘ઍન્ટિબૅક્ટેરિયલ સાબુમાં અમુક ખાસ કેમિકલ હોય છે જે હાનિકારક હોય છે. એના વધુપડતા ઉપયોગથી સ્કિન વધુ ડ્રાય બને છે અને ડ્રાય સ્કિનમાં ઇન્ફેક્શન થવાની શક્યતા વધુ રહે છે. એનાથી સ્કિનનું નૅચરલ ઑઇલ નાશ પામે છે. ચામડી આપણા શરીરનું સૌથી મોટું અંગ છે. આપણને લાગે છે કે આપણા હાથ પર જ બૅક્ટેરિયા હોય છે એવું નથી, આપણા આખા શરીર પર અસંખ્ય બૅક્ટેરિયા હોય છે. જ્યારે આપણે ઍન્ટિબૅક્ટેરિયલ સાબુ વાપરીએ ત્યારે ખરાબ જ નહીં, સારા અને જરૂરી બૅક્ટેરિયા પણ એની સાથે નાશ પામે છે જે સારું નથી માનવામાં આવતું. જેમ વધુપડતી ઍન્ટિબાયોટિક દવાઓ પેટના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે એ જ રીતે વધુપડતો ઍન્ટિબૅક્ટેરિયલ સાબુ આપણા માટે હાનિકારક છે. એટલે એનો ઉપયોગ કરો, પણ દર વખતે જમતાં પહેલાં એનાથી જ હાથ ધોવા જરૂરી નથી. દિવસમાં વધુમાં વધુ બે વખત એનો ઉપયોગ કરી શકાય.’
અતિરેક યોગ્ય નથી
ઍન્ટિબૅક્ટેરિયલ સાબુના ઉપયોગથી લાંબા ગાળે ઍન્ટિમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ ડેવલપ થાય છે. એમ કહેવાય છે આ કયા પ્રકારનું રેઝિસ્ટન્સ છે એ સમજાવતાં ડૉ. બિનિતા મહેતા કહે છે, ‘કોઈ વ્યક્તિને બૅક્ટેરિયલ ઇન્ફેક્શન થયું હોય તો ઍન્ટિબાયોટિક આપવામાં આવે છે. જ્યારે વ્યક્તિ દસેક વાર એક જ પ્રકારની ઍન્ટિબાયોટિક ખાય છે ત્યારે અગિયારમી વાર આ દવા એ જ બૅક્ટેરિયા પર કામ કરતી નથી. દવા બદલાવવી જરૂરી થઈ પડે છે. બસ, આ જ થિયરી અહીં લાગુ પડે છે. ઍન્ટિબૅક્ટેરિયલ સાબુ જરૂરી છે, કારણ કે એ હાનિકારક બૅક્ટેરિયા પૂરી રીતે દૂર કરે છે. પણ જો એનો વધુપડતો ઉપયોગ થાય તો એ બૅક્ટેરિયામાં રેઝિસ્ટન્સ ડેવલપ થઈ જાય એટલે કે એ બૅક્ટેરિયા આ સાબુથી મરે નહીં, જે ખતરાને વધારે છે. એટલે ઍન્ટિબૅક્ટેરિયલ સાબુ કે લિક્વિડ સોપનો અતિરેક લાંબા ગાળે નુકસાન જ કરે છે.’