03 December, 2024 07:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઓબેસિટી એટલે કે મેદસ્વિતા આજના યુગની સૌથી મોટી તકલીફ છે. અસ્થમા અને ઓબેસિટી વચ્ચે પણ ઘણો મહત્ત્વનો સંબંધ છે.
ઓબેસિટીમાં શરીર આખામાં થોડો-થોડો મેદ વધે છે અને શરીર બધી બાજુથી ફૂલે છે જેને એક પ્રકારનું ઇન્ફ્લમૅશન કહે છે. ઓબેસિટીમાં આખા શરીર પર ઇન્ફ્લમૅશન આવે છે એટલે કે શરીર ફૂલી જાય છે. એમાંથી ફેફસાં પણ બાકાત નથી રહેતાં. અસ્થમાનો રોગ થવાનું મુખ્ય કારણ ફેફસાં પરનો સોજો જ છે. ફેફસાં પર સોજો આવે એટલે વ્યક્તિમાં અસ્થમાનાં ચિહ્નો દેખાવાનાં શરૂ થઈ જાય છે. આ સોજો આવવા પાછળ ઘણાં કારણો હોય છે. એમાંનું એક કારણ ઓબેસિટી છે.
જોકે અસ્થમા જેને હોય એ વ્યક્તિ અસ્થમાને કારણે મેદસ્વી બનવાની શક્યતા નથી, પરંતુ જે વ્યક્તિને અસ્થમા છે અને તે વ્યક્તિ કોઈ પણ કારણસર મેદસ્વી બને તો તેનો અસ્થમા વકરી શકે છે. સામાન્ય રીતે વ્યક્તિ ૮૦ કિલોની હોય તો તેનાં ફેફસાંને શ્વાસ લેવામાં અને હૃદયને ધબકવામાં જે લોડ પડે એ ૫૦ કિલોની કોઈ વ્યક્તિનાં ફેફસાં અને હૃદય કરતાં તો વધારે જ હોવાનો. એટલે જ અસ્થમા સાથે કોઈ વ્યક્તિ મેદસ્વી બને તો તેમને શ્વાસનો પ્રૉબ્લેમ ઘણો વધી જઈ શકે છે. આમ જેને અસ્થમા હોય તેણે ખૂબ ધ્યાન રાખવું કે તે પોતે મેદસ્વી ન બની જાય.
અસ્થમા અને ઓબેસિટી બન્ને જિનેટિક કારણોથી થતા રોગો છે એટલે કે જો પરિવારમાં કોઈને પણ અસ્થમા હોય કે ઓબેસિટી હોય તો એ બાળક પર આ બન્ને રોગોનું રિસ્ક ઘણું વધી જાય છે. એ રિસ્કને ઘટાડવા એ ધ્યાન રાખવું જરૂરી છે કે બાળકની લાઇફસ્ટાઇલ ઠીક રહે. તો એ ઓબીસ નહીં થાય અને અસ્થમાની તકલીફથી પણ તેને દૂર રાખવામાં મદદ રહેશે. જીન્સને જ્યારે સાનુકૂળ વાતાવરણ મળે ત્યારે જ એ વકરે છે અને આ રોગો શરીરમાં જન્મે છે. આમ પરિવારમાં કોઈને પણ અસ્થમા કે ઓબેસિટી છે અને એને કારણે તમારા શરીરમાં પણ એ જ જીન્સ આવ્યા છે એ વાત સાચી પરંતુ જ્યારે તમે તમારા શરીર પ્રત્યે બેદરકારી દાખવો છો, તમારી ડાયટ અને એક્સરસાઇઝના રૂટીનને જાળવતા નથી, મન ફાવે તેમ બહારનું ફાસ્ટ ફૂડ ખાઓ છો જેને કારણે તમારી ઇમ્યુનિટી સ્ટ્રૉન્ગ નથી બની તો એ જીન્સ સક્રિય થાય છે અને તમને અસ્થમા કે ઓબેસિટી જેવા કોઈ પણ જિનેટિક રોગ લાગુ પડે છે. આમ દેખીતી રીતે રોગ પાછળ જવાબદાર કારણોમાં જીન્સ કરતાં વ્યક્તિએ પોતાના પ્રત્યે દાખવેલી બેદરકારી છે.
- ડૉ. અમિતા દોશી નેને