22 August, 2023 04:03 PM IST | Mumbai | Rashmin Shah
આરાધના શર્મા
‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’, ‘ચન્ના મેરેયા’, ‘અલીબાબા’, ‘અલાદીન : નામ તો સુના હોગા’ જેવા અનેક શો કરી ચૂકેલી ઍક્ટ્રેસ આરાધના શર્મા માને છે કે જો સાત્ત્વિક આહાર ખાશો તો આપમેળે જ હેલ્ધી રહેશો. અનુરાધાની વાત ખોટી નથી. સાંભળો તેના જ મોઢે તે શું કરે છે પોતાના ડેઇલી રૂટીનમાં
મારા માટે ફિટનેસ એટલે સંતુલન આહાર અને વિહારનું. તંદુરસ્તી વધારનારું, સ્વસ્થતા બક્ષનારું ફૂડ જો તમે લેતા હો જે તમારા શરીરનું તેજ વધારે, શરીરની એનર્જી વધારે અને સાથે-સાથે ફિઝિકલી પણ તમે જાત માટે આત્મવિશ્વાસનો અનુભવ કરો એવા સ્વસ્થ હો.
મારો જાતઅનુભવ છે કે બાબતોને તમે જેટલી સરળ રાખો એટલા તમે સહજતા સાથે એમાં ટકી શકો. હેલ્ધી ફીલ કરવું અને હેલ્ધી હોવું એ બન્ને મહત્ત્વનું છે. જો તમારે હેલ્ધી ફીલ કરવું હોય તો તમારે હેલ્થને અચીવેબલ ટાર્ગેટમાં રાખવી પડે. એ અચીવ થઈ શકતી હોય એવું લાગશે તો જ તમે એના માટે પ્રયાસ કરશો અને પ્રયાસ થશે તો જ તો પરિણામ મળશે. મારી વેલનેસની જર્નીમાં શરીરનું સત્ત્વ વધારે એવો આહાર પહેલું પગથિયું છે.
વેરિયેશન છે બેસ્ટ | હા, તમને નવાઈ લાગશે પણ મારા ફિટનેસ રેજીમમાં હંમેશાં થોડોક વિરોધભાસ રહેતો હોય છે અને એમાં હું એન્જૉય કરું છું. આગળ કહ્યું એમ, તમે અંદરથી જો ફિટ ફીલ કરતા હશો તો જ ફિટ થવા માટેની પ્રોસેસમાં આગળ વધી શકશો. મારા ફિટનેસ રેજીમમાં ડાન્સ, કૉમ્બેટ ટ્રેઇનિંગ, બૉડી વેઇટ એક્સરસાઇઝ અને યોગ એમ બધું જ સામેલ છે. હું કંટાળી ન જાઉં એની ચોકસાઈ રાખું છું તો સાથે જ બૉડીને દરેકની જરૂર છે. તમારા શરીરને એક જ પ્રકારની એક્સરસાઇઝ આપીને એનો સંપૂર્ણ ઉપયોગ નહીં થાય. તન અને મનની જરૂરિયાતો પણ જુદી-જુદી છે. જે ફિઝિકલ અને મેન્ટલ ટ્રેઇનિંગ માઇન્ડને ડાન્સથી મળશે એવી કદાચ વેઇટ ટ્રેઇનિંગથી નહીં મળે અને જે ટ્રેઇનિંગ મસલ્સને વેઇટ ટ્રેઇનિંગથી મળશે એ કદાચ ડાન્સથી નહીં મળે.
મૉરલ ઑફ ધ સ્ટોરી, ઇમ્પોર્ટન્સ ડાન્સનું પણ છે અને વેઇટ ટ્રેઇનિંગનું પણ છે. પ્લસ વરાઇટી તમને બોરડમથી અટકાવશે એટલે મેન્ટલી પણ તમે બાય ડિફૉલ્ટ હેલ્ધી રહેવાના. મેં મારા માટે હોલિસ્ટિકલી હેલ્ધી રહેવા માટે આ ફન્ડા અજમાવ્યો છે અને સાચું કહું તો કારગત પણ નીવડ્યો છે.
ડાયટનું રાખો ધ્યાન | આજના સમયમાં આપણે સૌથી મોટી ભૂલ કરીએ છીએ ખાવાપીવાની બાબતમાં. આપણી ડાયટ પૅટર્ન બગડેલી છે એને કારણે જ મોટા ભાગની બીમારીઓ વધી રહી છે. આપણે હેલ્થમાં ૭૦ ટકા ડાયટને રાખવું પડે. શરીરને તેલ પૂરું પાડવાનું કામ ડાયટથી મળે છે. મારી દૃષ્ટિએ બૅલૅન્સ્ડ ડાયટ સાથેનો ફિટનેસ ગોલ હેલ્થ તો આપશે જ પણ તમારા પર્ફોર્મન્સને તમારી ડે ટુ ડે ઍક્ટિવિટીમાં પણ એનું પરિણામ દેખાશે. હેલ્ધી ડાયટની સાથે પાણી ખૂબ પીઓ.
એવું નથી કે હું ફૂડી નથી પરંતુ તમારો ગોલ ક્લિયર હોય તો સેલ્ફ-કન્ટ્રોલ આપોઆપ આવી જાય. હેલ્ધી ફૂડ એટલે શુગર, તેલનો અભાવ અને પ્રોસેસ્ડ ફૂડ નહીં ખાવાનું. લકીલી હું પાણીપૂરી અને મોમોઝની મોટી ફૅન છું એટલે એમાં પ્રોસેસ્ડ ફૂડ આમ પણ કન્ટ્રોલ થઈ જાય છે.
ગોલ્ડન વર્ડ્સ
હું ૯૯ ટકા મહેનત અને ૧ ટકા તકદીરમાં માનું છું. કારકિર્દી માટે, હેલ્થ માટે અને રિલેશનશિપ માટે મેં આ જ ફન્ડા અપનાવ્યો છે અને એ મને ખૂબ કામ લાગ્યો છે.