કોણ કહે છે પાવડી, ચાખડી કે પાદુકા તો સાધુઓ જ પહેરે? તમે પણ પહેરી શકો છો ખડાઉ

07 January, 2025 07:32 AM IST  |  Mumbai | Rajul Bhanushali

ઍક્યુપ્રેશર ખડાઉ એ ખડાઉનો મોસ્ટ પૉપ્યુલર પ્રકાર છે જેને ખાસ પગ સંબંધિત અમુક મેડિકલ કન્ડિશન અને ઓવરઑલ હેલ્થ બેનિફિટ્સ માટે ખાસ ડિઝાઇન કરવામાં આવે છે.

બાબા રામદેવ

જેનો ઉલ્લેખ પૌરાણિક ગ્રંથોમાં અને વેદોમાં પણ થયો છે એવી ખડાઉને પાવડી, ચાખડી કે પાદુકા પણ કહેવામાં આવે છે. રામ જ્યારે વનવાસ માટે નીકળ્યા ત્યારે ભરત તેમની પાછળ ગયા અને અયોધ્યા પાછા ફરવા માટે ખૂબ વિનવણી કરી, પરંતુ રામ પાછા ન ફરવાના પોતાના નિર્ણય પર અડગ રહ્યા. રામે ના પાડ્યા બાદ ભરત રામની પાદુકા એટલે કે ખડાઉ પોતાની સાથે લઈ આવ્યા અને સિંહાસન પર એની સ્થાપના કરી હતી. અત્યાર સુધી ખડાઉને અધ્યાત્મવાદ અને ભક્તિ માર્ગની સાથે જોડવામાં આવતી પરંતુ સમય સાથે એની મેડિસિનલ અને હીલિંગ વૅલ્યુ પર પણ ચર્ચા થવા માંડી છે. હમણાં-હમણાં મધ્યમ વય જૂથના મોટા ભાગના લોકો બ્લડ-પ્રેશર અને ડાયાબિટીઝ જેવી સ્થિતિ સાથે ઝૂઝતા જોવા મળે છે. કહેવાય છે કે વિજયસર અને સીસમ જેવાં વૃક્ષોનાં લાકડાંમાંથી બનતી ખડાઉ પહેરવાથી આ પ્રકારની તકલીફોને ઘણા અંશે કન્ટ્રોલ કરી શકાય છે. વિજયસર વૃક્ષનું આયુર્વેદમાં ઘણું મહત્ત્વ છે. એની ઍન્ટિ-ઑક્સિડન્ટ અને ઍન્ટિ- ઇન્ફ્લમૅટરી પ્રૉપર્ટી ઘણાબધા રોગોમાં રાહત આપે છે. પિત્ત પ્રકૃતિ ધરાવતા લોકોને વિજયસર વૃક્ષની ખડાઉ પહેરવાથી ઘણો ફાયદો થઈ શકે એમ છે. ઍક્યુપ્રેશર ખડાઉ એ ખડાઉનો મોસ્ટ પૉપ્યુલર પ્રકાર છે જેને ખાસ પગ સંબંધિત અમુક મેડિકલ કન્ડિશન અને ઓવરઑલ હેલ્થ બેનિફિટ્સ માટે ખાસ ડિઝાઇન કરવામાં આવે છે. આ ખડાઉમાં ડીટેલ્ડ પ્રેશર પૉઇન્ટ્સ હોય છે જેના કારણે સ્વાસ્થ્યના અનેક લાભ થાય છે. 

ડિઝાઇનમાં નાવીન્ય

અગાઉ તો ખડાઉમાં પગનાં તળિયાંમાં એક લાકડાનું પ્લાન્ક અને અંગૂઠાની જગ્યાએ ડુચકું રહેતું. પરંતુ હવે સમય પ્રમાણે ડિઝાઇન્સ બનવા લાગી છે. હવે ખૂબ સુંદર-સુંદર કાર્વિંગવાળી ડિઝાઇન્સ બનવા લાગી છે અને સાથે સરળતાથી પહેરી શકાય એ માટે ઇલાસ્ટિકની પટ્ટી પણ આપવામાં આવે છે. પટ્ટીને કારણે ખડાઉને એક સુંદર લુક મળે છે અને આપણાં સાદાં ચંપલ હોય એ જ રીતે પહેરી શકાય છે. એ સાથે જ સીસમમાંથી બનતી ખડાઉ પણ ખૂબ સુંદર હોય છે. પટ્ટીની વાત કરીએ તો કલરફુલ ઇલૅસ્ટિક પટ્ટીની સાથે સાથે સુંદર મજાના વાઇટ પટ્ટાવાળી ખડાઉ પણ અવેલેબલ છે. યલો, બેજ, બ્રાઉનના અનેક શેડ્સમાં પણ આ ટ્રેડિશનલ ખડાઉ હવે મળતી થઈ છે. ટૂંકમાં અલગ-અલગ આઉટફિટ માટે અલગ-અલગ સ્ટાઇલ કરી શકાય છે એટલે જ યંગસ્ટર્સમાં ખૂબ પૉપ્યુલર થઈ રહી છે.

પૌરાણિક વિજ્ઞાન મુજબ ખડાઉ એટલે ચાખડી. એ પગના ચોક્કસ ભાગમાં પ્રેશર આપે છે એને કારણે શરીરમાં બ્લડ-સર્ક્યુલેશનમાં પણ મદદરૂપ થાય છે. પહેલાંના જમાનામાં ખડાઉ ચંપલ પહેરવાથી ઘૂંટી, ગરદન, લોઅર બૅક પેઇન હોય તો એમાં રાહત મળતી હોવાનું જોવા મળ્યું છે. કુદરતી તત્ત્વ સાથે કનેક્શન સતત રહેતું હોવાથી સ્ટ્રેસ અને તાણમાં પણ ઘટાડો થતો હોય છે. હવે તો પગના ચોક્કસ પ્રેશર પૉઇન્ટ પર દબાણ આવે અને ચોક્કસ આંતરિક અવયવ પર સ્ટિમ્યુલેશન મળે એ માટે ખાસ પ્રેશર પૉઇન્ટ્સ ધરાવતી ચાખડી પણ આવે છે. અલબત્ત, એ પહેરીને બહાર ફરી શકાતું નથી. રિફ્લેક્સોલૉજીના નિષ્ણાતોનું કહેવું છે કે ખડાઉ ચંપલ પહેરવાથી દરેક વ્યક્તિને અલગ-અલગ જગ્યાએ પ્રેશર અને પીડા ફીલ થાય છે. વારંવાર આ ચંપલ પહેરવાથી
ધીમે-ધીમે એ પીડા ઘટે છે અને એની સાથે સંકળાયેલા ચોક્કસ આંતરિક અવયવમાં સ્ટિમ્યુલેશન મળતાં રાહત થાય છે.

શા માટે સાધુસંતો ખડાઉ પહેરે છે?

ભારતના આ સૌથી જૂનાં ફુટવેઅર કહેવાય છે જે મોટા ભાગે સાધુ-સંતો, પૂજારીઓ, ગુરુઓ અને સાધુઓ પહેરતા આવ્યા છે. આપણે અત્યારે જે કારણસર પગમાં સ્લિપર્સ પહેરીએ છીએ એને કારણે નહીં, પરંતુ આધ્યાત્મિક ઉન્નતિના માર્ગમાં સરળતા માટે ખડાઉનો ઉપયોગ થાય છે. શરીરની ઊર્જાના વિનિમયને અટકાવવા માટે આ પ્રકારની લાકડાની ચાખડી વપરાય છે એની વાત કરતાં ઍક્યુપંક્ચર નિષ્ણાત અને સ્પિરિચ્યુઅલ સાયન્ટિસ્ટ ડૉ. મયંક શાહ કહે છે, ‘આપણા શરીરમાં ઊર્જાનું વહન સૌથી મહત્ત્વનું છે. તમારી અંદર જૈવિક ઊર્જા છે અને બીજી આધ્યાત્મિક ઊર્જા. એ ઊર્જાનો જેમ-જેમ વિકાસ થતો જાય એમ-એમ વ્યક્તિ વધુ અધ્યાત્મ તરફ દોરવાય. સાધના કરવાથી જે ઊર્જા નિર્માણ પામે એને સંઘરી રાખવાની હોય. એનો વ્યય ન થાય એ માટે ચાખડી અને લાકડાના હાથા જેવી ચીજોનો ઉપયોગ સાધુ-સંતો અને ઋષિઓ કરતા હતા. અંદરની ઊર્જા બહાર ન જાય અને બહારની ઊર્જા અંદર ન પ્રવેશે એ માટે લાકડાના માધ્યમનો ઉપયોગ થતો હતો. સામાન્ય રીતે શરીરમાંથી બહાર ઊર્જાનું આદાનપ્રદાન થવા માટેનાં ત્રણ માધ્યમો હોય છે. એક તો શરીરમાં મોઢા વાટે કે શ્વાસોચ્છ્વાસ દ્વારા ઊર્જાનું આદાનપ્રદાન થાય છે. બીજું માધ્યમ છે બ્રહ્મકેન્દ્રથી અવકાશી ઊર્જા અંદર જાય છે. પગના તળિયામાંથી પણ પૃથ્વીની ઊર્જાનું આદાનપ્રદાન થાય છે. ત્રીજું આપણા શરીરમાં અનેક છિદ્રો અને ઓપનિંગ્સ છે જે અવકાશની ઊર્જા સાથે સંપર્કમાં આવે છે અને ઊર્જાની આપ-લે થાય છે. યોગીઓ જ્યારે સાધના કરે છે ત્યારે તેમની અંદર ઊર્જાનો વિકાસ થાય છે અને એ પૃથ્વીના સંપર્કમાં આવીને ગ્રાઉન્ડિંગના ભાગરૂપે વેડફાય એ સાધકને પરવડતું નથી. આ વાત ત્યારે લાગુ પડે છે જ્યારે યોગી સાધનાના અમુક લેવલ પાર કરીને ઊર્ધ્વગતિને પામવા માટેનું તપ કરે છે. ગ્રાઉન્ડિંગ અને પૃથ્વી સાથેનો સંસર્ગ સામાન્ય માણસ માટે બહુ જરૂરી છે, પણ યોગી માટે નહીં.’

તો પછી આપણને ગ્રીન ગ્રાસ પર ચાલવાની અને કુદરતી ચીજો થકી પૃથ્વીના ડાયરેક્ટ સંસર્ગમાં રહેવાની સલાહ અપાય છે એનું શું? એ વિશે ડૉ. મયંક શાહ કહે છે, ‘સામાન્ય માણસોનો હેતુ અને ઊર્જાની આપ-લેની જરૂરિયાત અલગ છે. લીલા ઘાસ પર ચાલો અને જમીનને સ્પર્શ કરીને પૃથ્વીતત્ત્વ સાથે જોડાણ કરવાથી જે ગ્રાઉન્ડિંગ થાય એનાથી તમારા શરીરની અશુદ્ધિઓ દૂર થાય છે. શરીરમાં જે બીમારીઓ છે એને દૂર કરવા માટે ગ્રાઉન્ડિંગ જરૂરી છે. શરીરમાંની એક્સ્ટ્રા હીટ હશે એ બહાર નીકળશે. યોગીઓ માટે આ જરૂરિયાત નથી રહેતી. તમામ શારીરિક અશુદ્ધિઓ નીકળી ગયા પછી હવે શું કાઢવાનું હોય? એટલે જ તેઓ વુડન પાથરણું, વુડન ચાખડી પહેરે છે જે ઇન્સ્યુલેટિંગ ઇફેક્ટ આપે છે. બીજું, લાકડું એક એવું મટીરિયલ છે જે અગ્નિનું પૂરક છે. લાકડું બળે તો અગ્નિ પેદા થાય છે. અગ્નિ હંમેશાં ઊર્ધ્વગતિ ધરાવે છે. લાકડું પહેરી રાખો તો તમારી અંદરની સ્પિરિચ્યુઅલ ઊર્જા સતત ઊર્ધ્વગતિ પામે છે.’

સાધના માટે ઠીક, બાકી ફૅશન

લાકડાની ચાખડી ચોક્કસ પ્રકારના ઍક્યુપ્રેશર માટે વપરાતી હોય તો એ નિષ્ણાતની દેખરેખમાં કરવી જોઈએ. બાકી, રેગ્યુલર યુઝ માટે ઘરમાં ખડાઉ પહેરવાનો વિચાર હોય તો એના સામાન્ય જીવનમાં બહુ ફાયદા નથી એમ જણાવતાં ડૉ. મયંક શાહ કહે છે, ‘ખડાઉ એ જૉઇન્ટ અને સ્પાઇનને સ્ટ્રેટ રાખે છે. એની વચ્ચે તમે જોયું હોય તો અંગૂઠા અને પહેલી આંગળી વચ્ચે ડટ્ટો હોય છે જેના પર ગ્રિપ રાખીને ચાલવાનું હોય છે. આ પૉઇન્ટ પણ એક વિશેષ સ્થાન છે. નાડીવિજ્ઞાન મુજબ આ એક અગ્નિકેન્દ્ર છે. વુડન માધ્યમથી એના પર પ્રેશર આપવાથી ફાયર સ્પૉટ સ્ટિમ્યુલેટ થાય છે. ડાયરેક્ટલી લિવર અને બ્રેઇનને અસર કરે છે. ઊર્જાવિજ્ઞાનની વાત કરીએ તો લિવર અને હાર્ટની કૉન્શિયસનેસ અલગ-અલગ હોય છે. લિવરની કૉન્શિયસનેસ તમારું મનોબળ, સંકલ્પશક્તિ દૃઢ બનાવે છે, જ્યારે હાર્ટની જાગરૂકતા તમને પવિત્ર અને સત્યવાદી બનાવે છે. આ નાડી ખાસ છે. લિવરનું કામ આખા શરીરમાંથી વિષને દૂર કરવાનું છે એટલે એ બધા બેનિફિટ્સ જરૂર થાય. બાકી, ખડાઉનો મુખ્ય હેતુ સાધના દરમ્યાન ઊર્જાનો સંચય અને ઊર્ધ્વગતિ આપવાનો છે. તમે સાધના કરતા હો તો એ બેનિફિટ થશે, બાકી ફૅશનમાં ખપી જશે.’

 

health tips life and style columnists