25 November, 2024 07:30 AM IST | Mumbai | Dr. Mukul Choksi
પ્રતીકાત્મક તસવીર
આ ભૂલ પેરન્ટ્સની છે અને બધા પેરન્ટ્સ આ એક ભૂલ કરે છે. અહીં તો જનરેશનની વાત પણ નથી આવતી. તમારાં દાદા-દાદીએ પણ આ ભૂલ કરી હશે, તમારા પેરન્ટ્સ પણ આ ભૂલ કરી ચૂક્યા હશે અને જો તમે પણ બાળક હશો અને મેડિકલની કોઈ સ્પેસિફિક બ્રાન્ચમાં નહીં હો તો તમે પણ આ ભૂલ અચૂક કરી હશે.
છીઈઈઈ.
આ રીઍક્શન એવા સમયે ખાસ નીકળે છે જે સમયે નાનું બાળક પોતાના પ્રાઇવેટ પાર્ટને ટચ કરે કે ક્યુરિયૉસિટી સાથે પોતાની ઉંમરના એજના બીજા કોઈ બાળકના પ્રાઇવેટ પાર્ટને ટચ કરે. અહીં પહેલાં તો એ વાત સમજવાની જરૂર છે કે એક-દોઢ કે બે વર્ષના બાળકના મનમાં આ પ્રક્રિયા કરતી વખતે ક્યાંય કોઈ જાતનો વિકાર હોતો નથી. એ પ્રકારની ફીલિંગ્સ મનમાં ચોક્કસ પ્રકારનાં હૉર્મોન્સ જન્મે એ પછી જ ઊભી થવાની શરૂ થાય અને એ હૉર્મોન્સ ટીનેજ પછી જન્મે, એ પહેલાં સામાન્ય રીતે જન્મે નહીં. જોકે પેરન્ટ્સનું પેલું જે ‘છીઈઈઈ...’ છે એ હૉર્મોન્સની પહેલાં જ બાળકોના મનમાં સ્ટિકરની જેમ ચોંટી જાય છે અને ચાઇલ્ડ સાઇકોલૉજીમાં પુરવાર થયું છે કે જ્યારે પણ પેરન્ટ્સનાં વિઅર્ડ રીઍક્શન આવે છે ત્યારે બાળકના મનમાં જે-તે પ્રક્રિયા કે ચીજ માટે ક્યુરિયૉસિટી વધે છે. અજાણતાં તે બે-ત્રણ વાર જાહેરમાં એ પ્રક્રિયાનું પુનરાવર્તન કરે છે, પણ જો ત્યાર પછી પણ રીઍક્શન એવાં જ રહે કે વધારે આકરાં રીઍક્શન આવે તો પછી બાળક એ પ્રક્રિયા ખાનગીમાં કરે છે, જેના વિશે પેરન્ટ્સને ખબર ન પડે એની સાવધાની બાળક રાખતું થઈ જાય છે.
સેક્સ જેવા સૉફ્ટ અને જરૂરી વિષયનું બાળકને મળતું આ પહેલું જ્ઞાન છે જેમાં વિકૃતિ ભરવાનું કામ અજાણતાં જ પેરન્ટ્સ કરી બેસે છે. બાળકને પોતાના પ્રાઇવેટ પાર્ટ વિશે નૉલેજ આપવું જોઈએ, નહીં કે ‘છીઈઈઈ...’ કે ‘યક...’ જેવા શબ્દોથી રીઍક્શન આપવાનું હોય. આ સેક્સ-એજ્યુકેશન છે અને એ આપવાનું કામ ગવર્નમેન્ટ કે એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ નહીં પણ પેરન્ટ્સે કરવાનું છે. અફસોસની વાત એ છે કે આજના એજ્યુકેટેડ પેરન્ટ્સ સેક્સ-એજ્યુકેશનના હિમાયતી છે, પણ બાળકના ચાઇલ્ડહુડ પિરિયડમાં તેઓ પોતાના આ બિહેવિયરમાં ચેન્જ કરવા રાજી નથી અને કાં તો તેમને એનું જ્ઞાન નથી. આ જ્ઞાન મેળવવું બહુ જરૂરી છે. બાળક જ્યારે આ પ્રકારે વર્તે ત્યારે પેરન્ટ્સે તેને કઈ રીતે સમજાવવું એ વિશે જો તમને પ્રશ્ન જાગે તો તમારે સેક્સોલૉજિસ્ટને મળવું જોઈએ. આ સમસ્યાનું નિરાકરણ બહુ જરૂરી છે.