સેલ્ફ-કૅર : રેસમાં ઊતરતાં પહેલાં તમારા પ્રત્યેની ફરજ માટે સભાન રહેજો

28 November, 2023 08:25 AM IST  |  Mumbai | Rashmin Shah

‘તારિણી’ ફિલ્મથી બૉલીવુડમાં ડેબ્યુ કરતી અને ડિઝની હૉટસ્ટારની ‘કાફલ’ વેબ-સિરીઝ પ્રોડ્યુસ કરનારી ઍક્ટર અને કથક ડાન્સર આરુષી નિશંકની હેલ્થમાં ટર્નિંગ પૉઇન્ટ કેવી રીતે આવ્યો એ જાણીએ

આરુષી નિશંક

નાનપણથી જ એકદમ ગોલુમોલુ અને ક્યુટ ટાઇપની હતી. મારા એ લુકના કારણે નાનપણમાં મને બહુ વધારે પડતાં લાડ પણ મળ્યાં છે, પણ એક વાર સ્કૂલની ડાન્સ કૉમ્પિટિશનમાં મને બાકાત કરવાનું કારણ પણ મારો એ ચબી-બેબી લુક હતો અને બસ, એ દિવસથી મારી લાઇફ ચેન્જ થઈ. હા, મારા જીવનનો એ સૌથી મોટો ટર્નિંગ પૉઇન્ટ. હું વજન ઘટાડીશ એવું નક્કી કર્યું અને એ પછી મેં કથક શીખવાનું શરૂ કર્યું. એ પછી તો અનેક ગ્લોબલ પ્લૅટફૉર્મ પર મેં કથક પર્ફોમ કર્યું. આપણા દરેકના જીવનમાં હેલ્થને લઈને આવા ટર્નિંગ પૉઇન્ટ આવતા જ રહે. લકીલી મારા ઘરમાં પહેલેથી લોકો હેલ્થ કૉન્શિયસ છે અને પૂરા ડેડિકેશન સાથે ફિટનેસ ઍક્ટિવિટી કરતા રહે. હું એ નાનપણથી જોતી આવતી એટલે મારામાં પણ એ ડેડિકેશન આવ્યું અને મેં મારા લુક પર પણ ધ્યાન આપ્યું.

એક વાત સ્ટ્રેટ ફૉર્વર્ડ | હેલ્ધી ખાઓ, ઍક્ટિવ રહો, પૂરતી ઊંઘ લો અને પૂરતું પાણી પીઓ. બસ, ફિટનેસની વ્યાખ્યા આટલી જ સરળ અને એટલી જ એ સ્ટ્રેટ ફૉર્વર્ડ છે અને એની માટે કોઈ રૉકેટ સાયન્સ લગાડવાની કે કોઈ યુનિવર્સિટીની ડિગ્રી મેળવવાની જરૂર નથી. જે સરળ છે એ જ કરવું અઘરું છે અને જે સમજવામાં સહેલું છે એને જ ગૂંચવવાની આપણને આદત પડી છે. ફિટનેસમાં અત્યારે એ જ થઈ રહ્યું છે. લોકોએ એને બિનજરૂરી કૉમ્પ્લીકેટેડ બનાવી દીધું છે.

આજે લોકો બધું જ કરે છે અને બધા જ માટે સમય ફાળવે પણ પોતે જે મેળવવા માટે દોડાદોડ કરી રહ્યા છે એ જ બાબતને પાછળ મૂકી દે છે. તમે શું કામ સફળતા કે સ્વાસ્થ્ય ઇચ્છો છો? હૅપીનેસ માટે જને? એ હૅપીનેસ સેલ્ફ-કૅરથી પણ મળતી હોય છે. જાતને ગમે એ રીતે અને જાતને અનુકૂળ હોય એ રીતે તેને પેમ્પર કરવું એ સેલ્ફ કેરનો બહુ જ મહત્ત્વનું પાસું છે.

આ છે મારું રૂટીન | હું દરરોજ વર્કઆઉટ કરી જ લઉં છું અને એટલું જ ફોકસ ક્લીન ડાયટ પર પણ હોય છે. રૂટીન તમને બોરડમ ન આપે એ માટે તમારા વર્કઆઉટ રૂટીનમાં કોઈ ફન એલિમેન્ટ ઉમેરવું જોઈએ.

મારું વર્કઆઉટ એ જ રીતે પ્લાન થયું છે. દરરોજ કંઈક નવું અથવા તો કંઈક જુદું. સ્ટ્રેંગ્થ ટ્રેઇનિંગ, કાર્ડિયો, યોગ અને મેડિટેશન આ મારા વર્કઆઉટના ચાર પિલર. ઍક્ટર અને પ્રોડ્યુસર તરીકે મારે ટ્રાવેલ ખૂબ કરવું પડે અને એમાં મારું વર્કઆઉટ કૉમ્પ્રોમાઇઝ ન થાય એની ચોકસાઈ હું રાખું. સિમ્પલ અને બૅલૅન્સ્ડ ડાયટ રાખો અને સભાનતા રાખો તો દરેક પ્રકારનું ફૂડ તમને ઉપયોગી નીવડશે. સાંજનું જમવાનું વહેલું કરવાની આદત પણ હેલ્ધી રહેવા માટે બહુ ઉપયોગી છે એ સ્વાનુભવ પરથી કહીશ. બસ, જાતને સતત હેલ્ધી રહેવાના ફાયદા વિશે સજાગ રાખશો તો મોટિવેશન શોધવા માટે બહાર દોડવાની જરૂર નહીં રહે.

પાણીપૂરી : મારી સ્ટ્રેસ બસ્ટર

મારા માટે સ્ટ્રેસની કોઈ બેસ્ટ દવા કોઈ હોય તો એ છે પાણીપૂરી. મારા માટે પાણીપૂરી મૂડ બુસ્ટરનું કામ કરે છે. બહુ આરામથી હું કહી શકું કે ‘અ પાનીપૂરી ઑન બૅડ ડેઝ કીપ્સ પ્રૉબ્લેમ્સ અવે.’ પાણીપૂરી ખાવામાં જરા પણ હેલ્થની ચિંતા નથી કરતી પણ હા, ખાઉં એ સમયે વર્કઆઉટ પર ફોકસ વધારી દઉં.

life and style health tips celeb health talk columnists Rashmin Shah