અત્યારે વધી જતા શ્વસન તંત્રના રોગોને કાબૂમાં રાખવા માટે આટલું ધ્યાન રાખજો

16 July, 2024 09:45 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આજના સમયમાં સૌથી વધુ મહત્ત્વનું છે કે તમે તમારા હાઇજીનનું પૂરતું ધ્યાન રાખો

પ્રતીકાત્મક તસવીર

દરેક સીઝનની કેટલીક વિશેષતા છે અને દરેક સીઝનની કેટલીક મર્યાદા પણ છે. અત્યારે મુંબઈકરો મજેદાર મૉન્સૂનની મજા માણી રહ્યા છે એની વચ્ચે ચોમાસાને લગતા વાઇરસિસ H1N1ના દરદીઓ વિશેષ પ્રમાણમાં આવી રહ્યા છે. અત્યારે પણ અમારી પાસે ક્રિટિકલ કન્ડિશનમાં હોય એવા ત્રણ દરદી હૉસ્પિટલાઇઝ્ડ છે. આ સીઝનમાં ઇન્ફ્લુએન્ઝા એટલે કે વાઇરસને લગતા રોગોનું પ્રમાણ વધી જતું હોય છે. એમાં પણ જે વ્યક્તિને કોમોર્બિડિટી એટલે કે એક કરતાં વધુ બીમારી હોય તેમણે ખાસ આ ઋતુમાં સભાનતા રાખવી જોઈએ.

હું મારા દરેક પેશન્ટને કહેતો હોઉં છું કે આજે માત્ર બાળકોને જ નહીં, મોટેરાઓને પણ ઇમ્યુનાઇઝેશનની જરૂર છે. નાનપણમાં લીધેલી ઇમ્યુનિટી બૂસ્ટર રસી આખી જિંદગી કામ લાગતી નથી. દર ઉંમરે જુદા-જુદા રોગો અને તમારા શરીરની જરૂરિયાત મુજબ તમારું રસીકરણ તમે કરાવો એ મહત્ત્વનું છે. એમાંય આજના સમયમાં ઇન્ફ્લુએન્ઝા અને ન્યુમોનિયાની રસી આપણે ખાસ લેવી જોઈએ.

એ સિવાય આજના સમયમાં સૌથી વધુ મહત્ત્વનું છે કે તમે તમારા હાઇજીનનું પૂરતું ધ્યાન રાખો. ધારો કે તમને ડાયાબિટીઝ, બ્લડ-પ્રેશર, અસ્થમા કે સીઓપીડી જેવી કોઈ સમસ્યા છે તો તમારે વિશેષ કાળજી રાખવી જરૂરી છે. ધારો કે તમને નૉર્મલ તાવ પણ આવ્યો હોય તો એક પણ કલાક બગાડ્યા વિના તાત્કાલિક તપાસ કરાવો. વાઇરલ ઇન્ફેક્શનની તપાસ પહેલા ૨૪ કલાકમાં થાય તો એને ટૅકલ કરવું ઈઝી છે. જો તમે નૉર્મલ પૅરાસિટામૉલ લઈને બે-ત્રણ દિવસ ખેંચી કાઢો તો સામાન્ય લાગતો તાવ ન્યુમોનિયા અને ઇન્ફ્લુએન્ઝા સુધી પહોંચીને પેશન્ટની હાલત ક્રિટિકલ કરી શકે છે એટલે ફરી કહીશ કે એકથી વધુ હેલ્થ-પ્રૉબ્લેમ ધરાવતા દરદીઓએ પોતાના તાવને સામાન્ય ગણીને અવગણવો નહીં.

બીજું, ચાર સલાહ હું દરેકને આપતો હોઉં છું. બેથી ત્રણ મિનિટ દિવસમાં બે વાર બાફ લો. હા, બાફ લેવામાં આ વાત યાદ રાખવાની છે કે ત્રણ મિનિટથી વધારે એને સમય ન આપશો તો એ તમારી શ્વાસ નળીને નુકસાન પહોંચાડી શકે છે. એવી રીતે નિયમિત વૉક કરો, સિમ્પલ બ્રીધિંગ એક્સરસાઇઝ દરરોજ કરો અને શક્ય હોય ત્યારે સૂર્યપ્રકાશ શરીર પર પડે એવા પ્રયાસ કરો. બીજું, આ સીઝનમાં ઠંડી વસ્તુઓ અવૉઇડ કરવી જોઈએ. ગરમાગરમ તાજી વસ્તુ ખાવાનો આગ્રહ રાખવો એ પણ આ સીઝનમાં તમારા લન્ગ્સની હેલ્થ માટે જરૂરી છે.

 

- ડૉ. આગમ વોરા (ડૉ. આગમ વોરા અગ્રણી પલ્મનોલૉજિસ્ટ છે. પ્રતિભાવ-માર્ગદર્શન માટે ઈમેઇલ કરી શકો છો.)

health tips life and style columnists