સ્ટ્રૉબેરી ખાઓ હેલ્થ બનાવો

11 December, 2024 10:41 AM IST  |  Mumbai | Kajal Rampariya

હાર્ટ શેપની લાલચટાક સ્ટ્રૉબેરી હાઈ બ્લડપ્રેશર, હાર્ટ-હેલ્થ, ડાયાબિટીઝ અને પ્રેગ્નન્સીમાં ઉત્તમ પોષણ પૂરું પાડે છે. જોકે શ્રેષ્ઠ ફાયદો મેળવવા માટે કઈ રીતે સ્ટ્રૉબેરી ખાવી જોઈએ એ નિષ્ણાત પાસેથી જાણીએ

પ્રતીકાત્મક તસવીર

શિયાળાની ઋતુમાં મબલક પ્રમાણમાં મળતી સ્ટ્રૉબેરી દેખાવમાં જ એટલી આકર્ષક છે કે એને જોઈને જ મોઢામાં પાણી આવી જાય. વિટામિન્સ અને મિનરલ્સનો ભંડાર ગણાતી અને સ્વાદમાં ખાટીમીઠી લાગતી સ્ટ્રૉબેરી શરીરને અઢળક ફાયદાઓ આપે છે. એમાં રહેલાં મિનરલ્સ અને ઍન્ટિ-ઑ​ક્સિડન્ટ્સ શરીરને રોગો સામે લડવાની શક્તિ આપે છે. શિયાળામાં મળતા આ ફ્રૂટનો ડાયટમાં સમાવેશ કરવાની યોગ્ય પદ્ધતિઓ અને એને સંબંધિત રસપ્રદ માહિતી મુલુંડનાં ડાયટિશ્યન અને ડાયાબેટિક એજ્યુકેટર રીટા જૈન પાસેથી જાણીએ.

૧. ગુણકારી અને સ્વાસ્થ્યવર્ધક

સ્ટ્રૉબેરીમાં મિનરલ્સનું પ્રમાણ સૌથી વધુ હોય છે. આ સાથે મૅગ્નેશિયમ અને પોટૅશિયમ પણ ભરપૂર પ્રમાણમાં મળી રહે છે. મૅગ્નેશિયમ શરીરનાં હાડકાંને મજબૂત રાખવામાં મદદરૂપ બને છે, જ્યારે પોટૅશિયમ શરીરના બ્લડપ્રેશરને રેગ્યુલેટ કરે છે. જો તમે દરરોજ એક કપ સ્ટ્રૉબેરી ખાઓ છો તો બ્લડપ્રેશર કન્ટ્રોલમાં રહેશે અને બોન-હેલ્થને પણ સારું રાખશે. આ સાથે સ્ટ્રૉબેરી ઍન્ટિ-ઑક્સિડન્ટ્સથી ભરપૂર હોય છે. ઍન્ટિ-ઑક્સિડન્ટ્સ એટલે એવાં કેમિકલ્સ જેનાથી શરીરના કોષોની ઑક્સિજન સાથેની પ્રક્રિયા અટકતી હોવાથી કોષો કટાતા નથી. કોષો કટાય તો શરીરમાં સ્ટ્રેસ પેદા થાય છે, પણ સ્ટ્રૉબેરીના સેવનથી એ સ્ટ્રેસ ઓછો થાય છે. સ્ટ્રૉબેરીના સેવનથી શરીરના કોઈ પણ કોષોમાં સોજો આવ્યો હોય તો આપમેળે કન્ટ્રોલમાં આવી જાય છે. સ્ટ્રૉબેરીમાં હજી એક મહત્ત્વનો ગુણધર્મ છે અને એ છે ઍન્ટિ-કૅન્સર પ્રૉપર્ટીઝ. પશ્ચિ​મી દેશોમાં કૅન્સરના દરદીઓને બેરીઝ ખાવાની સલાહ અપાય છે. એ કૅન્સરના કોષો સામે લડે છે. આપણે ત્યાં હજી એ કન્સેપ્ટ ડેવલપ થતાં સમય લાગશે.

૨.  હાર્ટ-હેલ્થ માટે બેસ્ટ

સ્ટ્રોબૅરીમાં પોટૅશિયમની સાથે ફાઇબરની માત્રા પણ ભરપૂર હોવાથી એ હાર્ટ-હેલ્થ માટે પણ સારી માનવામાં આવે છે. એ કાર્ડિયોવૅસ્ક્યુલર સિસ્ટમને પણ ઇમ્પ્રૂવ કરવાનું કામ કરે છે. એ બ્લડ-કૉલેસ્ટરોલ લેવલને ઓછું કરીને હાઇ ડેન્સિટી લિપોપ્રોટીન (HDL) એટલે કે ગુડ કૉલેસ્ટરોલને વધારે છે. સ્ટ્રૉબેરીમાં કૅલરીનું પ્રમાણ બહુ ઓછું હોય છે. એક કપ જેટલી સ્ટ્રૉબેરી તમને ૫૦ જેટલી કૅલરી આપશે. આ સાથે શરીરને ફાઇબર પણ આપશે તેથી વજન ઘટાડવા માટે પણ એ ઉપયોગી છે.

૩. ડાયાબિટીઝ રિવર્સ કરે

સ્ટ્રૉબેરી ખાવાથી બ્લડપ્રેશર તો કન્ટ્રોલમાં આવે જ છે અને સાથે બ્લડ-શુગરને પણ એ નિયંત્રણમાં લાવે છે. આવું એટલે થાય છે કારણ કે અન્ય ફળોની સરખામણીમાં સ્ટ્રોબૅરીનો ગ્લાઇસીમિક ઇન્ડેક્સ બહુ ઓછો છે. એટલે કે સ્ટ્રૉબેરી ખાધા પછી ધીમે-ધીમે એની શુગર લોહીમાં ભળે છે. સામાન્યપણે કોઈ પણ ફ્રૂટનો ગ્લાઇસીમિક ઇન્ડેક્સ ૩૫થી નીચે હોવો જોઈએ અને સ્ટ્રોબૅરીનો ૨૧ જેટલો હોય છે. ઉદાહરણ તરીકે સફરજન, કેળાં કે તરબૂચ ખાઈએ તો એમાં સિમ્પલ શુગરનું પ્રમાણ વધુ હોય છે. આ ફળ દરેક વ્યક્તિ ખાઈ શકતી નથી પણ સ્ટ્રૉબેરીમાં શુગરનું પ્રમાણ ઓછું હોવાની સાથે ફાઇબર લોડેડ અને ઍન્ટિ-ઑક્સિડન્ટ્સ હોવાથી એના સેવનથી કોઈને પણ નુકસાન થતું નથી. તેથી જો ડાયાબિટીઝના દરદીઓ સ્ટ્રૉબેરીનું સેવન કરે તો શુગર સ્પાઇક નહીં થાય. જો આ દરદીઓ નિયમિતપણે ડાયટિશ્યનની સલાહ મુજબ સ્ટ્રૉબેરી ખાય તો ડાયાબિટીઝ રિવર્સ કરવાનું કામ કરે છે અને ઇન્સ્યુલિન સેન્સિટિવિટીને વધારે છે.

૪. પ્રેગ્નન્સીમાં પોષણનું કામ

ગર્ભવતી મહિલાઓ માટે સ્ટ્રૉબેરી દવાનું કામ કરે છે. એમાં રહેલું વિટામિન C આયર્નની કમીને પૂરી કરે છે. ગર્ભાવસ્થા દરમ્યાન જરૂરી મૅગ્નેશિયમ અને કૅલ્શિયમની કમીને પણ પૂરી કરે છે. પ્રેગ્નન્ટ મહિલાઓમાં આ બન્ને ચીજોની કમી જોવા મળે છે તેથી સ્ટ્રૉબેરી બન્નેની કમીને પૂરી કરવાની તાકાત રાખે છે. સ્ટ્રૉબેરીમાં વિટામિન C અને B કૉમ્પ્લેક્સ હોવાથી એ પેઢાંને મજબૂત કરે છે અને મોઢામાં થતા અલ્સરને પણ મટાડવાનું કામ કરે છે. એને ખાવાથી ખટાશ લાગશે અને અલ્સર હશે તો થોડી બળતરા પણ થશે, પણ એનો અર્થ એ નથી કે એ તમને નુકસાન પહોંચાડશે. પેટમાં જશે તો એ એના ફાયદાઓ શરીરને આપશે. એમાં રહેલા સંખ્યાબંધ ઍન્ટિ-ઑક્સિડન્ટ આંખના આરોગ્ય માટે પણ સારાં ગણાય છે અને મોતિયાનો ખતરો ઓછો થાય છે.

ડાયટમાં ઉમેરવાની સાચી રીત

મોટા ભાગના લોકો સ્ટ્રૉબેરીને ડિઝર્ટમાં તથા સિરપ કે કેકમાં ખાવાનું પસંદ કરે છે, પણ એનાથી સ્ટ્રૉબેરીના ગુણો શરીરને મળતા નથી. સ્ટ્રૉબેરીને ફળ તરીકે ખાવામાં આવે તો એ બ્લડશુગરને તો કન્ટ્રોલમાં રાખે જ છે અને સાથે કાર્બ્સનું પ્રમાણ પણ ઓછું હોવાથી શરીરમાં ફૅટ જમા થવા દેતી નથી. આ ઉપરાંત એને ડ્રાયફ્રૂટ સાથે ખાઈ શકાય, સ્ટ્રૉબેરીને કાપીને એને દહીં સાથે મિક્સ કરીને પણ લઈ શકાય. જેનામાં પ્રોટીન-ડેફિશિયન્સી હોય અથવા જેને પ્રોટીનની વધુ જરૂર હોય એવા લોકોએ શિંગદાણા અથવા શેકેલા ચણા સાથે સેમ પ્રપોર્શનમાં એટલે કે એક કપ ચણા સાથે એક કપ સ્ટ્રૉબેરી ખાવી હિતાવહ રહેશે. સ્ટ્રૉબેરીને સૅલડમાં પણ ઍડ કરીને ખાઈ શકાય પણ ડિઝર્ટમાં સ્ટ્રૉબેરી ખાવાની સલાહ હું આપતી નથી. ડિઝર્ટમાં ફૅટ અને શુગરનું પ્રમાણ વધુ હોય છે, જે શરીરને નુકસાન પહોંચાડે છે. સ્ટ્રૉબેરીનું સેવન સ્કિન-હેલ્થ માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. એક સમયે ત્વચામાં રહેલું કોલેજન ઓછું થવા લાગે છે. આવી સ્થિતિમાં વિટામિન C સાથે લેવાતું ફૂડ ખાવું જરૂરી છે. તેથી સ્ટ્રૉબેરીને કોઈ બીજા ફૂડ સાથે કમ્બાઇન કરીને ખાવામાં આવે તો એ એનાથી સ્કિન, મસલ્સ, સાંધા, હાડકાંને બિલ્ડ કરવા માટે જરૂરી પોષણ પૂરું પાડે છે.  બ્રૉકલીમાં કોલાજન નામનું પ્રોટીન વધુ હોય છે તેથી સ્ટ્રૉબેરીને એની સાથે ખાવાથી ત્વચાની હેલ્થ ઇમ્પ્રૂવ થાય છે. પાલક સાથે સ્ટ્રૉબેરીને ખાવામાં આવે તો સ્કિનનો ગ્લો વધશે. એમાં રહેલા ઍન્ટિ-એજિંગ ગુણો વૃદ્ધત્વની પ્રક્રિયાને ધીમી કરશે. માર્કેટમાં સ્ટ્રૉબેરી ત્રણ પ્રકારની મળે છે. એક ફ્રેશ સ્ટ્રૉબેરી, બીજી ફ્રોઝન સ્ટ્રૉબેરી અને ત્રીજી ડ્રાઇડ સ્ટ્રૉબેરી. ડ્રાઇડ સ્ટ્રૉબેરીમાં રહેલા પાણીને સૂકવવાની પ્રક્રિયાને લીધે વિટામિન Cનું બાષ્પીભવન થઈ જાય છે તેથી હું ફ્રેશ અને ફ્રૉઝન સ્ટ્રૉબેરી ખાવાની સલાહ આપું છું.

ખાઓ મગર ધ્યાન સે

કોઈ પણ ચીજનું સેવન અને ઉપયોગ મર્યાદિત પ્રમાણમાં થાય તો જ એના ફાયદાઓ મળે છે. અતિ થશે તો નુકસાન થવું સ્વાભાવિક છે. થાઇરૉઇડ હોય તેણે સ્ટ્રૉબેરીથી અંતર જાળવી રાખવું જરૂરી છે. કોઈને ઍલર્જી હોય તેને પણ સ્ટ્રૉબેરી ખાવાની સલાહ અપાતી નથી. વધારે સટ્રૉબેરી ખાવાથી શરીરમાં ખંજવાળ અથવા ચક્કર આવવાં જેવી સમસ્યા થઈ શકે છે. એમાં ફાઇબરનું પ્રમાણ પણ વધુ હોય છે તેથી વધુ સ્ટ્રૉબેરીના સેવનથી પાચનસંબંધિત સમસ્યા ઉદ્ભવી શકે છે. હૃદયરોગીઓ માટે પણ સ્ટ્રૉબેરીનું અતિસેવન હાનિકારક સાબિત થઈ શકે છે.

શિયાળામાં શા માટે ખવાય?

સામાન્યપણે શિયાળામાં ડ્રાય સ્કિનની સમસ્યાઓ હોય છે તેથી સ્ટ્રૉબેરીમાં રહેલાં ઍન્ટિ-ઑક્સિડન્ટ્સ અને ઍન્ટિ-એજિંગ ગુણો ત્વચાને રિપેર કરે છે. આ ઉપરાંત શિયાળામાં વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ પણ નબળી થઈ જાય છે અને આવા સમયે  ઇન્ફેક્શન થવાની સંભાવનાઓ સૌથી વધુ રહે છે. તેથી સ્ટ્રૉબેરીના સેવનથી એમાં રહેલું વિટામિન C શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારે છે અને રોગથી લડવાની શક્તિ આપે છે.

કેટલીક જરૂરી ટિપ્સ

health tips life and style columnists