તમારું વધુપડતું બોલવું તમને બૅકપેઇન આપી શકે?

16 October, 2024 02:53 PM IST  |  Mumbai | Ruchita Shah

એક સિંગલ યુનિટના શરીરમાં ક્યાંય પણ ફાચર પડે અથવા ઓવરલોડ થાય તો અસર દરેક હિસ્સા પર પડે. આજે વર્લ્ડ સ્પાઇન ડે નિમિત્તે જાણીએ નાની ઉંમરમાં કમરના અને ડોકના દુખાવા વધવા પાછળનાં કારણો અને એને ટૅકલ કરવાની રીતના તદ્દન નવા દૃષ્ટિકોણ વિશે

પ્રતીકાત્મક તસવીર

જવાબ છે હા. મુંબઈના એક રિસર્ચર પોતાના સંશોધનના આધારે કહે છે કે જીભથી લઈને પગના પંજા સુધીનું શરીર જોડાયેલું છે અને એટલે જ એક સિંગલ યુનિટના શરીરમાં ક્યાંય પણ ફાચર પડે અથવા ઓવરલોડ થાય તો અસર દરેક હિસ્સા પર પડે. આજે વર્લ્ડ સ્પાઇન ડે નિમિત્તે જાણીએ નાની ઉંમરમાં કમરના અને ડોકના દુખાવા વધવા પાછળનાં કારણો અને એને ટૅકલ કરવાની રીતના તદ્દન નવા દૃષ્ટિકોણ વિશે

આપણા શરીરનું હેડક્વૉર્ટર આપણું મગજ છે અને મગજનું હેડક્વૉર્ટર છે આપણી કરોડરજ્જુ. આ કરોડરજ્જુની જ કૃપા છે કે આપણે શ્વાસ લઈ શકીએ છીએ કે પછી હલનચલન કરી શકીએ છીએ. અચાનક પગમાં ઠેસ વાગે અને તમે પડવા જેવા થાઓ અને તરત જ આગળ હાથ આવી જાય અને શરીરને સપોર્ટ આપે જેથી થનારી સંભવિત મોટી ઈજાથી તમે ઊગરી જાઓ કે ગરમ વસ્તુના સ્પર્શની ભનક માત્રથી તમે ત્યાંથી ખસી જાઓ એમાં પણ તમારે ૩૩ મણકાની માળા જેવી કરોડરજ્જુનાં જ ઓવારણાં લેવાં પડે. બૉડીનો નૅશનલ હાઇવે છે અને બ્રેઇન અને બૉડી વચ્ચે જે પણ કમ્યુનિકેશન થાય છે એમાં પણ આપણી આ સ્પાઇનને જ થૅન્ક યુ કહેવું પડે.

યોગમાં શરીરનો મુખ્ય આધાર એટલે કે ‘મેરુદંડ’ તરીકે ઓળખાતી કરોડરજ્જુનું મહત્ત્વ વિશેષથી પણ વિશેષ છે, કારણ કે યોગ વિજ્ઞાનની દૃષ્ટિએ કરોડરજ્જુ પર જ ઊર્જા કેન્દ્રોનું સ્થાન છે અને ત્યાંથી જ શરીરમાં ઊર્જાનો પ્રવાહ આખા શરીરને મળતો હોય છે જેને આપણે સાદી ભાષામાં ‘ચક્ર’ તરીકે ઓળખીએ છીએ. સ્પાઇન વિના જીવન શક્ય નથી અને ઉંમર સાથે કરોડરજ્જુને લાગતા ઘસારાની વ્યક્તિની મેન્ટલ અને ફિઝિકલ હેલ્થ પર જબરી અસર પહોંચતી હોય છે. જોકે અફસોસ કે એ જ જીવનદાયિની સમી સ્પાઇન અત્યારે ટેન્શનમાં છે, દુખી છે અને વધુપડતા દબાણ હેઠળ છે જેનાં કારણો ઘણાં છે. નાની ઉંમરમાં લોકોને બૅકપેઇન, નેકપેઇન ઉપરાંત સામાન્ય બૉડી મૂવમેન્ટમાં પણ તકલીફ પડે એવી અઢળક સમસ્યાઓ વધી રહી છે એ પાછળનાં કારણો પર આજે ચર્ચા કરીએ.

મુખ્ય કારણો શું?

એક સામાન્ય સમજણ એવી છે કે ઊઠવા-બેસવાની-સૂવાની આપણી આદતો, ખોટા પૉશ્ચરને કારણે અત્યારે બૅકપેઇન વધ્યું છે પરંતુ વર્લ્ડ કૉન્ગ્રેસ ઑન ફિઝિકલ થેરપી ઍન્ડ રીહૅબિલિટેશન મેડિસિનમાં લોઅર બૅકપેઇન પર પોતાનું રિસર્ચ પેપર રજૂ કરી ચૂકેલા ઑસ્ટિઓપૅથ, ફિઝિયોથેરપિસ્ટ, યોગ નિષ્ણાત અને સ્ટ્રક્ચરલ ઇન્ટિગ્રેશન એક્સપર્ટ જેવી મલ્ટિપલ ડિગ્રી ધરાવતા ડૉ. વિવેક કક્કર કહે છે, ‘ઈશ્વરે આપણા શરીરની રચના જ એ રીતે કરી છે કે દરેક બદલાવને સમયાંતરે આપણું શરીર અડૅપ્ટ કરતું ગયું છે, અપનાવતું ગયું છે. આપણું સ્પાઇનલ સ્ટ્રક્ચર પણ સતત અને એકધારું ઇવૉલ્વ થઈ રહ્યું છે. પહેલાં આપણે ત્યાં ધોતિયું, બંડી, કુરતા, પાયજામા, સલવાર-કમીઝ જેવાં લૂઝ કપડાં પહેરવામાં આવતાં. અન્ડર ગાર્મેન્ટ્સ પણ ટાઇટ નહોતાં. અત્યારની આપણી ડ્રેસિંગ સ્ટાઇલ જોઈશું તો ખૂબ જ ટાઇટ કપડાં પહેરવાને કારણે શરીર જાણે બંધાયું હોય એમ સર્ફેસ પર સતત ટેન્શન રહેતું હોય છે જેની અસર સ્પાઇન પર પડી છે. બીજી બાજુ આપણી ડાયટરી પૅટર્ન, સ્લીપ પૅટર્ન બદલાઈ છે. આપણું બ્રેઇન ઓવર રિસ્પૉન્સિવ બન્યું છે. તમે જુઓ, યુથ પિરિયડ ઓછો થતો જાય છે. સતત માઇન્ડ ‘કુછ કરીએ, કુછ કરીએ’ સ્ટેટમાં હોય છે. આ બધાની જ અસર આપણી સ્પાઇન પર પડી રહી છે.’

રહેણીકરણી, ખાણીપીણીની અસર કેવી રીતે સ્પાઇન પર પડે એનું લૉજિક સમજાવતાં ડૉ. વિવેક ઉમેરે છે, ‘ડાયાફ્રામ મસલ વિશે તમે સાંભળ્યું હશે. પેટ અને ફેફસાના ભાગ વચ્ચે પડદાનું કામ કરતા આ સ્નાયુઓ તમને શ્વસનમાં મદદ કરનારા છે. શ્વાસ અંદર ભરો ત્યારે પોતે સાઇડમાં હટીને લંગ્સને પૂરાં ફુલાવવાની સગવડ આપે અને તમે ઊંડા શ્વાસ લઈ શકો. ધારો કે આ ડાયાફ્રામ બરાબર કામ ન કરે અથવા તો સ્ટ્રેસને કારણે ટૂંકા શ્વાસ લઈને તમે ડાયાફ્રામની ઉપયોગિતાને નષ્ટ કરી નાખો તો એની અસર સ્પાઇનને  થાય. આપણા શરીરમાં મુખ્ય રૂપે આઠ ડાયાફ્રામ મસલ છે. ગરદનથી લઈને પગના પંજા સુધી આવેલા આ આઠ ડાયાફ્રામ મસલ્સનો સ્પાઇનલ હેલ્થમાં ખૂબ મહત્ત્વનો રોલ છે.’

બોલવાથી કે ટાઇટ કપડાંથી?

‘આપણે માણસ છીએ, રોબોટ નહીં એટલે એકદમ ટટ્ટાર બેસવું કે ઊભા રહેવું શક્ય જ નથી. એવું પિક્ચર પર્ફેક્ટ પૉશ્ચર બધા માટે સરખું હોઈ જ ન શકે ક્યારેય. સામાન્ય રીતે આપણે એવું માનીએ છીએ કે સૂવા, બેસવા, ઊઠવાની ખોટી રીત, ખરાબ પૉશ્ચર કે ખરાબ રસ્તા પરથી વેહિકલમાં ટ્રાવેલ કરવાને લીધે લાગેલા ઝાટકાને કારણે કદાચ વીસ ટકા સ્પાઇનને ડૅમેજ થતું હશે પણ એ સિવાયનાં એંસી ટકા કારણોને આપણે નજરઅંદાજ કરી રહ્યા છીએ એનું શું?’ એમ જણાવીને ડૉ. વિવેક આગળ કહે છે, ‘આપણું શરીર ડાયનૅમિક છે અને નૅચરલી જ તેને આ પ્રકારના ઝટકામાંથી પાછા પોતાની ઓરિજિનલ સ્ટેટમાં આવતાં આવડે જ છે. આવા ઝટકા બૉડીની એ કૅપેસિટી સામે મામૂલી છે. અફકોર્સ, કરોડરજ્જુના સ્નાયુઓ નબળા હોય, શરીરના ઓવરઑલ હેલ્થના બાર વાગેલા હોય ત્યારે એની ઇમ્પૅક્ટ વધુ ઘેરી હોય છે. આગળ જે ડાયાફ્રામની વાત કરી એનો અહીં કેવો રોલ હોય છે એ સમજીએ. જો તમે શ્વાસ બરાબર ન લો અથવા તમે ટાઇટ કપડાં પહેરો કે તમારું પાચન બરાબર ન થતું હોય અથવા તો તમે બહુ જ બોલ-બોલ કરો અને જીભ પર બહુ લોડ પડવાને કારણે ગરદન પાસે આવેલા હાડકાને વધુ કામ કરવું પડે અને એનો લોડ એની નીચેલા આવેલા સ્નાયુઓ પર પડે તો એકંદરે એ બધો જ લોડ તમારી સ્પાઇન પર જશે અને પરિણામ આવશે બૅકપેઇન અથવા સ્પાઇનને લગતી કોઈ પણ અન્ય સમસ્યામાં. શરીર એક સિંગલ યુનિટ છે અને બધાં જ અંગો બહુ જ સૂક્ષ્મ સ્તરે એકબીજા સાથે જોડાયેલાં છે. બહુ ટેક્નિકલ ન જઈએ તો પણ એટલું તો સમજી જ લો કે જીભથી લઈને પગના પંજા ડાયરેક્ટ્લી કનેક્ટેડ છે. વચ્ચેની એ લાઇનમાં ઉપર, બહાર કે અંદર ક્યાંય પર લોચો પડ્યો, ઓવર વર્ક થયું કે ઘસારો લાગ્યો તો પરિણામ સૌથી પહેલાં તમારી સ્પાઇન પર દેખાશે. એટલે જો સ્પાઇનલ પેઇન ન જોઈતું હોય તો ધ્યાન આખા શરીરનું રાખવું પડશે. માત્ર આગળ નહીં ઝૂકું કે ગરદન નહીં વાળું કે સ્પાઇનને ઝટકા લાગે એ રીતે ટ્રાવેલ નહીં કરું એટલી પરેજી પૂરતી નથી.’

તમારી કરોડરજ્જુની હેલ્થ સુધારવા માટે ટ્રાય કરો આ પાંચ યોગિક પ્રૅક્ટિસ

૧. અનુલોમ-વિલોમ પ્રાણાયામથી બ્રીધિંગ યાત્રા શરૂ કરો અને છેલ્લે કપાલભાતિ, ભસ્ત્રિકા, ભ્રામરી અને અગ્નિસાર સુધીની તમામ ક્રિયાઓ શીખીને નિયમિત અભ્યાસ કરો.

એનાથી પાચન સુધરશે અને બૉડી વેસ્ટ આસાનીથી બહાર નીકળશે અને ઊર્જાના ફ્લોમાં સંતુલન અને રિલૅક્સેશન પણ આ અભ્યાસોથી વધશે.

૨. જમીન પર ચત્તા સૂઈને ઘૂંટણથી પગને વાળીને બન્ને હાથને ઉપરની તરફ લઈ જાઓ અને હાથના પંજા જમીનને અડેલા રહે એ રીતે રાખો.

આ જ પોઝિશનમાં હાથને નિતંબની બાજુમાં રાખીને પગને ડાબે અને જમણે વાળીને ટ્વિસ્ટિંગ કરો. સ્પાઇનલ એરિયાની સાથે અપર બૉડીમાં રહેલાં સ્ટ્રેસ અને ટેન્શનને દૂર કરવામાં મદદ મળશે.

૩. સુખાસનથી વજ્રાસન અને વજ્રાસનમાંથી શશાંકાસનમાં જવાનો અભ્યાસ નિયમિત કરો. 

૪. સેતુબંધાસન કરોડરજ્જુની હેલ્થ માટે અને ડાયાફ્રામની દૃષ્ટિએ પણ ખૂબ જ ઉત્તમ, સરળ અને ઉપયોગી આસન છે. 

૫. શવાસનમાં શરીરની સાથે તમારી જીભને રિલૅક્સ રાખવાના પ્રયાસ કરો.  

કેટલીક સિમ્પલ ટિપ્સ

મૌનવ્રત રાખતા જાઓ. આપણે જીભ સાથેની અવેરનેસ ખોઈ દીધી છે. બહુ જ બોલતા રહેવાથી જીભને રેસ્ટ નથી મળતો અને એનું સ્ટ્રેસ અને ટેન્શન કનેક્ટિવ સેન્સરી ટિશ્યુઝ તરીકે ઓળખાતા ફેશિયા વાટે સ્પાઇન પર ટ્રાન્સફર થઈ શકે.

બહુ જ ટાઇટ કપડાં પહેરવાનું અવૉઇડ કરો. હાઈ હીલ્સ ન પહેરો. જે પણ કરવાથી શરીર તાણ અનુભવે એ બધું જ અવૉઇડ કરો.

 સારી માત્રામાં પાણી પીઓ.

સૂતી વખતે સ્માર્ટવૉચ અને ટેલિફોન તમારાથી દૂર રાખો. વાઇફાઇ બંધ રાખો. તમારા શરીરના ઇલેક્ટ્રોમૅગ્નેટિક વેવ્સ સાથે આ ઇલેકટ્રૉનિક સાધનો ઇન્ટફિયર કરે છે, જેની પણ સ્પાઇન અને ઓવરઑલ હેલ્થ પર નેગેટિવ અસર પહોંચે છે.

દરરોજ નિયમિત ગાર્ડનમાં ખુલ્લા પગે ચાલો. કદાચ સાંભળવામાં વિચિત્ર લાગે પણ તમે જો જમીન સાથે નહીં જોડાઓ, પ્રકૃતિના ઇલેક્ટ્રોમૅગ્નેટિક ફીલ્ડ સાથે કનેક્ટ થઈને આપણી બૉડીને જે રિચાર્જ જોઈએ છે એ નહીં થાય અને સ્પાઇન પર પણ એનો પ્રભાવ પડશે.

આહાર થકી માઇક્રોપ્લાસ્ટિક, વધુપડતી શુગર, પામોલિન ઑઇલ શરીરમાં ન જાય એનું ધ્યાન રાખો. આ આહાર તમારી બૉડીની ન્યુટ્રિશન્સને ઍબ્ઝૉર્બ કરવાની કૅપેસિટીને ડૅમેજ કરશે અને અન્ય રોગોને આમંત્રણ આપશે એ અલગ.

"આપણે માણસ છીએ, રોબોટ નહીં એટલે એકદમ ટટ્ટાર બેસવું કે ઊભા રહેવું શક્ય જ નથી. પિક્ચર પર્ફેક્ટ પૉશ્ચર બધા માટે સરખું હોઈ જ ન શકે. સૂવા, બેસવા, ઊઠવાની ખોટી રીત, ખરાબ પૉશ્ચર કે ખરાબ રસ્તા પરથી વેહિકલમાં ટ્રાવેલ કરવાને લીધે લાગેલા ઝટકાને કારણે કદાચ વીસ ટકા સ્પાઇનને ડૅમેજ થતું હશે, પણ એ સિવાયનાં એંસી ટકા કારણોને આપણે નજરઅંદાજ કરી રહ્યા છીએ એનું શું?" 


- ડૉ. વિવેક કક્કર, ફિઝિયોથેરપિસ્ટ, યોગ નિષ્ણાત

health tips yoga life and style mumbai news columnists ruchita shah