19 March, 2021 01:08 PM IST | Mumbai | Dr. Kersi Chavda
પ્રતીકાત્મક તસવીર
મારો દીકરો ૪ વર્ષનો છે. એક જગ્યાએ પગવાળીને બેસતો જ નથી. છેલ્લા એક વર્ષમાં ઘરમાં રહીને એ વધારે ઉધમ મચાવતો થઈ ગયો છે. એનું ધ્યાન પાંચ મિનિટથી વધારે ભણવામાં ચોંટતું નથી. ૪ દિવસ પહેલાં તો તેણે હદ જ કરી નાખી. તે દોડાદોડી કરતો છત પર પહોંચીને સીડી ચડવા લાગ્યો. તેને વાગી જશે એ બીકે દાદી એને રોકવા ગયાં, પરંતુ તેણે દાદીને જોરથી ધક્કો મારી દીધો અને તે પડી ગયાં. દીકરો પ્રેમાળ છે, હોશિયાર છે, સમજે પણ છે, પરંતુ કાબૂમાં રહી શકતો નથી. બાળક પોતાના પરથી કન્ટ્રોલ ખોઈ બેસે એવું ન હોવું જોઈએને? સમજાતું નથી શું કરવું?
બાળકનો જ્યારે માનસિક વિકાસ થઈ રહ્યો હોય ત્યારે બાળક જો એકાગ્ર ન રહી શકતું હોય, શાંત ન રહી શકતું હોય, સતત રેસ્ટલેસ લાગે અને ઇમ્પલ્સ કન્ટ્રોલ એટલે કે પોતાની જાત પરનો કાબૂ જ ન હોય તો તમારા બાળકને અટેન્શન ડેફિસિટ ડિસઑર્ડર હોઈ શકે છે. એને એ તકલીફ છે કે નહીં એ જાણવા માટે એનું ચોક્કસ નિદાન કરવું જરૂરી છે. દરેક બાળક જે રેસ્ટલેસ હોય છે એને કોઈ પ્રકારની તકલીફ છે જ એવું નથી હોતું, પરંતુ મોટા ભાગના આ પ્રકારનાં બાળકોમાં અટેન્શન ડેફિસિટ ડિસઑર્ડર હોઈ શકે છે. આ ડિસઑર્ડર પણ બે પ્રકારના હોય છે. એક હાઇપર ઍક્ટિવિટી સાથે અને એક એના વિના.
મોટા ભાગે એવું બનતું હોય છે કે આવાં બાળકોથી માતા-પિતા ચિડાતા હોય, એને ખિજાતા હોય અને સુધરવાની અપેક્ષા રાખતા હોય, પરંતુ તકલીફ એ છે કે આ પ્રકારનાં બાળકો જે કઈ કરે છે એ જાણીજોઈને નથી કરતા. એ તેમનો ન્યુરોલૉજિકલ ડેવલપમેન્ટલ ઇશ્યુ છે. તેમના હાથમાં જ નથી હોતું કે તે એવું ન કરે. મોટા ભાગે સામાન્ય બાળકોને તમે ખિજાવ કે પનિશમેન્ટ આપો તો તેમનામાં સમયાંતરે એક બદલાવ તમને જોવા મળે છે. જ્યારે અટેન્શન ડેફિસિટ ડિસઑર્ડરવાળા બાળકોમાં એ જોવા મળતું નથી. માટે મારી સલાહ છે કે તમે પહેલાં એનું નિદાન કરાવો. જો તેને આ પ્રકારની કઈ તકલીફ હોય તો ખૂબ સારો ઇલાજ આજની તારીખે મેડિકલ સાયન્સ પાસે છે, જેના ખૂબ સારાં રિઝલ્ટ પણ સામે આવે છે.